મારું પુસ્તકાલય ‘માતૃભાષા’ સાઈટનાં પાનાંઓ પર ?

Posted by

– જુગલકીશોર. 

પુસ્તકોનો શોખ ખરો પણ ખરીદીને વસાવવાની શક્તી બહુ ઓછી એટલે ક્યારેક જ ને એ પણ ઓછી કીંમતનાં હોય ત્યારે ખરીદવાનો ચાનસ લીધેલો. કેટલાંય પુસ્તકો તો ફુટપાથ પરથી સસ્તા ભાવે લીધેલાં.

પરંતુ ત્રણચાર સ્રોત એવા મળેલા જેણે કરીને મારી પાસે દોઢેક હજારથીય કાંક વધુ સંખ્યામાં પુસ્તકો ભેગાં થયાં.

મારા પરમ આદરણીય ગુરુજી શ્રી કનુભાઈ જાનીએ એક દી’ બોલાવીને કોથળોક પુસ્તકો આપેલાં ! આ પુસ્તકો અત્યંત કીંમતી ને સાચવીને રાખવાનાં ને વળી સાચવી–જાળવીને વાંચવાનાં, કહો કે સમજીકારવીને અભ્યાસપુર્ણ રીતે એનો સ્વાધ્યાય કરવાનો !

આપણા પુજ્ય રવિશંકર મહારાજનાં વ્યાખ્યાનોની નોંધ લઈને, એને ટાઈપ કરાવીને શ્રી.  એ કનુભાઈને સોંપેલાં ! આ વ્યાખ્યાનો પણ મને આપીને બહુ મોટી મીરાંત સોંપી છે !

આ સીવાય પણ ગુજરાતના માન્યધન એવાં સામયીકો (સંસ્કૃતિ, ‘ગ્રંથ’, ‘વિશ્વમાનવ’)નાં એકસોથી વધુ જુના અંકો પણ તેમણે મને આપ્યાં. આ સામયીકો હવે અપ્રાપ્ય છે…..એનો લાભ જેટલો લઈ શકાય તેટલો લેવા ધારું છું.

બીજો સ્રોત સાવ ઓચીંતો મળી ગયેલો. આપણા વીદ્વાન ભાષાવીજ્ઞાની સ્વ. જયંત કોઠારીના પુત્ર શ્રી રોહિતભાઈ અને હું એક ચેરીટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓ હતા. શ્રી જયંતભાઈના અવસાન બાદ એમનાં હજારો પુસ્તકો યોગ્ય કાર્યે વપરાય તે હેતુથી મીત્રોને આપવાનું નક્કી કરેલું ને મનેય બોલાવેલો….ત્યાંથી પણ બહુ કીંમતી પુસ્તકો મળેલાં !

શ્રી શોભન વૈદ્યનાં વૈદકનાં પુસ્તકોનો ૧૪૬નો આખો સૅટ તો ભેટરુપે જ મળેલો.

સાહીત્ય પરીષદમાંના એક સમયના નીયામક અને મારા લોકભારતી સમયના મીત્ર રમેશ દવે પાસેથી પણ ઠીકઠીક પુસ્તકો મળેલાં…..ગાંધીવીચાર અને કેળવણી વીષયક પુસ્તકો તો મારે હોય જ…ધર્મ–અધ્યાત્મમાં રસ હોવાના વહેમને કારણેય કેટલાંક પુસ્તકો તો ખાસ વસાવાયેલાં એટલે એણેય કબાટમાં જગ્યા રોકી રાખી છે. (ભગવદ્ ગીતા તો તેરેક પ્રકારની સંગ્રહાયલી.)

બાકી હતું તે નેટજગતમાંના પ્રવેશે ને ભાષાકાર્યને કારણે મીત્રોએ ભેટ મોકલવા માંડેલી ! શરુઆત જુનાગઢી વીર પુરુષ – લખવાની મજાની શૈલીના માલીક એવા અમો (અશોક મોઢવાડિયા)એ વારતહેવારે બહુ મજાની નવલકથાઓ આપ્યાં જ કરી ! માનનીય શ્રી રજનીકુમાર પંડ્યા તો એમના રીવાજ મુજબ જથ્થાબંધ પુસ્તકો મીત્રોને મોકલતા જ રહે છે; એમણેય મને મીત્ર ગણીને કેટલાંક અતી કીંમતી પુસ્તકોના સૅટ મોકલેલા. (શ્રી નારાયણભાઈ દેસાઈ લીખીત ગાંધીજીવનના ચાર દળદાર પુસ્તકો તેમાંનો એક સૅટ !) ને કેટલુંક સાહીત્ય કોઠારી બંધુ ઉર્વીશ–બીરેન કોઠારી તરફથી મળતું રહ્યું…….

ને છેલ્લે ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય તે કેટલાક નેટજગતે ખ્યાત એવા લેખકોનાં પ્રગટ થતાં રહેતાં પુસ્તકોમાં મારો પણ ભાગ ગણીને મોકલાતો રહ્યો છે !!

આ સૌનો હું પુસ્તકપ્રસાદવૈભવે કરીને સદાયનો ઋણી છઉં ને રહીશ. (નેટગુર્જરી અને માતૃભાષાના બ્લૉગહેડર પરના પેજીસ વીભાગે મુકેલી મારી પુસ્તકયાદીમાં દરેક દાતાનો સાભાર ઉલ્લેખ છે.)

આ ખજાનો મારા એકલાના કબાટમાં પડ્યો પડ્યો કાંઈ કામનો નહીં. એટલે નવી સાઈટ માતૃભાષા શરુ કરવાની સાથે જ આ બધાં જ પુસ્તકોનું મુખપૃષ્ઠ, પ્રકાશકપાનું તથા પુસ્તકના વીષયોની અનુક્રમણીકા – આટલું મારે નવી સાઈટ પર મુકવાનો વીચાર છે ! મુખપૃષ્ઠનું ચીત્ર અને બાકીનું ટાઈપ કરીને મારી કને સચવાયેલાં સાતસો–આઠસો પુસ્તકોને નેટ પર મુકવા ધારું છું. ઉપરાંત અપ્રાપ્ય એવાં કીંમતી સામયીકોમાંથી વીણીવીણીને કેટલુંક નેટજગત સમક્ષ મુકવા ધારું છું……

જો સફળ થવાશે તો તેને હું મારી આ નવી સાઈટનું સદભાગ્ય ગણીશ.

 

2 comments

  1. હું વર્ષો સૂધી વાંચન વિહોણો રહ્યો હતો. ૨૦૦૯થી સ્થાનિક “ગુજરાત દર્પણ” અને તેના પુસ્તકાલયની જાણ થઈ. સંપ્રત સાહિત્યકારોના નામ જાણતો થયો. અને સ્થાનિક સાહિત્યકારોના પુસ્તકો ભેટ મળવા લાગ્યા. ભેટ મળેલા પુસ્તકો સાચવ્યા છે. ક્યાં સૂધી સચવાશે તે ખબર નથી. માંગીને લઈ જનારને સહર્ષ આપી દઉં છું.
    પ્રવીણ શાસ્ત્રી.

    1. તમારી પુસ્તકયાત્રાનો આછેરો પરીચય ક્યારેક કરાવો તો ? દર્શકે “મારી વાચનયાત્રા” બહુ વીગતે આપી છે પણ આપણે તો સામાન્ય વાચકો….ને છતાંય આપણી રીતે આ યાત્રાની વાત કરીએ તો નેટજગતના વાચકોને તે પોતીકી લાગે….ને તો તે બહુ મજાની બની રહે. મારી આ સાઈટ પર સર્વસાધારણ (એવરેજ) વાચકોને લાવવા છે બલકે થોડુંઘણું લખતાંય કરવા છે….તમારી શૈલી એ લોકોને પ્રેરનારી બની જ રહેશે…..જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *