સાવરણી જ ગંદી હોય તો –

Posted by

જંતુ મારવાની દવામાં જ જો જીવડાં રહેતાં હોય તો તો પછી આવું જ ગાવાનો વારો આવે –

“जो आग लगाईथी तुमने, उसको तो बुझाया अश्कोंने;

जो अश्कोंने भडकाया है उस आग को ठंडा कौन करे ?!”

ઘરઘરની કેટલીક વાતો આવી હોય છે. સૌ સભ્યો વાપરતા હોય તેવો નેપકીન એકથી વધુ જણા વાપરીને એવો કરી મુકે કે પછી એ નેપકીન કરતાં તો પોતાં જેવો વધુ લાગે ! ઘણી વાર તો પોતાનો જ રુમાલ હોય તેથી શી ચીંતા એમ ગણીને છીંકો ઝિલેલા પોતાના જ રુમાલથી પોતાની થાળી લુછાતી હોય ત્યારે પણ સાવરણીવાળા શીર્ષકને યાદ કરી શકાય – પોતાનો જ રુમાલ પોતાના જ બીજા કામમાં વપરાય તો પણ !

ઘરને ખુણેખુણેથી સફાઈ કરનારી સાવરણી એક ઉત્તમ સેવીકા છે. એ જ સાવરણી ગંદી ન થઈ હોય તો પણ પીંછાં ખરી ગયેલા મોર જેવી થઈ જાય ત્યારે બદલવી પડે છે…..ઘરમાં પોતે ફરીફરીને ફર્શ સાફ કરતો કપડાનો ટુકડો પોતું બનીને કેવી મજાની કામગીરી કરે છે, પણ એનેય સાફ કરવો પડે તે વાત ઘણી વાર ભુલાઈ જાય છે.

સાબુની જાહેરાતમાં ઘણા સમય પહેલાં કહેવાતું કે ગંદા હાથથી થતા રોગોથી બચવા માટે અમારો સાબુ વાપરો !  હવે સાબુની ગોટીને ખોટી પાડવા માટે શીશીના નાળચામાંથી નીકળતા પેસ્ટ જેવા સાબુની જાહેરાતવાળા કહે છે કે એકની એક ગોટીથી ઝાઝા લોકો હાથ સાફ કરે તો જંતુ ફેલાશે !! એટલે કે સાબુનું પણ જીવડાં મારવાની દવા જેવું જ ગણવાનું !

ગંદકી કોઈને ગમતી નથી પરંતુ ગંદકીને દુર કરવાની યોજનાઓમાં જ ગંદકી બેઠી હોય તે સમજાય તેવું નથી. સફાઈની ઝુંબેશ અમે ૧૯૫૭ આસપાસ શાપુર લોકશાળામાં હતા ત્યારે ચલાવેલી. શાપુરથી બાજુના વાડલા ગામે અમે વીદ્યાર્થીઓ ઉભા સાવરણા, પાવડા, તગારાં લઈને જતા. શરુમાં ગામની બહેનો ઘરમાંથી કચરો કાઢીકાઢીને અમારી આગળ નાખતાં ! પણ આગળ જતાં એ જ ગામ બે વાર તાલુકાનું આદર્શ ગામ બનેલું !

સફાઈ અભીયાનના બજેટોમાંથી કેટલી સફાઈ થઈ તેના કરતાં કેટલાં ખીસાંમાં ગંદકી ઉમેરાતી હશે તે પણ જાણવા જેવી બાબત હોઈ શકે છે. રામની ગંગા ફીલમમાં મૈલી ગણાવાઈ હતી; આજની ગંગાની સફાઈના બજેટો વડે “ગંગાજળ” સાફ થવાને બદલે “ગંદાંજળ” વધ્યાં હોય તેવું બની શકે !

ગજરાતી બહેનોના પોષાક અંગે ક્યાંક ચર્ચા થયેલી ત્યારે ગુજરાતી સાડીમાં આગળ આવતો પાલવ બહુ વખણાયેલો. અમારા જેવા વાંકદેખા લેખકોને તો એમાંય મજાક સુઝે તે અમે કહેલું કે ગુજરાતી સાડીનો પાલવ રસોડામાં થાળી લુછવાનો ઉત્તમ કટકો ગણાય !!

પાલવ તો શોભા છે. બાળકના બાળપણ સાથે પાલવને ગુંથીને સાહીત્યમાં એને ગુણવાન બતાવાયો છે જ….

પણ સાવરણીથી શરુ થયેલી આ વાતને અંતે  મજાકમાં પાલવનેય સંભારી લેવાનું ઠીક લાગ્યું તે એનેય સંભારી લીધો, બીજું શું ! જે પાલવમાં મોં સંતાડીને બાળક ઉંઘી જઈ શકે તે પાલવને સુગંધ કે દુર્ગંધ ન હોય એ તો માતાની ગંધને જ ઓળખે !

પણ સાવરણીને જો ગંદકી હોય તો …….એનો  તો કોઈ ઉપાય નહીં !!!

– જુગલકીશોર.

 

7 comments

 1. જુભાઈ, સાવરણીની સાથે જ કેજરીવાલ યાદ આવી ગયા. અમારા તો ઘરઘથ્થુ સાવરણાયે અલગ. વાંકા વળીને સાવરણીનો ઉપયોગ કરતાં કમ્મર તૂટી જાય. વવે૪ તો પાવરફૂલ વેક્યુમ ક્લિનરમાં જ સૂરૂરૂર્ઝબ્બ કેંચી લેવાને ટેવાઈ ગયેલા. પણ જો ડ્યૂઅલ ડિરેકશનનું હોય અને જો ભૂલ થી રિવર્સ સ્વિચ ડબાઈ જાય તો ધૂળ ખેંચવાને બદલે પેલો હાથી દરજીની દુકાનમાં કાદવ છાંટી આવેલો તેના જેવો ઘાટ થાય. એ પણ કેજરીના જેવો જ ઘાટ.
  હવે સાબુની ગોટી તો ગોટાઈ જ ગઈ સમજોને. લિક્વિડ સોપની જ બોલબાલા. ટોવેલ ખોવાઈ ગયા અને એર બ્લોઅર હાથ સૂકવવા હાજર થઈ ગયા.
  અહિં હોસ્પિટલોમાં હાથ ધોવાની રીતપોસ્ટ કરેલી હોય છે. જે જરા વિષય બહારની વાત છે પણ જાણ માટે રજુ કરું છું
  The initial scrub procedure should last 5 minutes and a clock should be provided for timing the scrub procedure. Apply a second application of antiseptic detergent and wash hands and two thirds of the forearms with either Povidone iodine for at least one minute, or Chlorhexidine gluconate for at least two minutes.
  મને નાનપણમાં વાંચેલી ગાંધી બાપૂની વાત યાદ આવી. એ વાણીયા ચતૂર જ નહિ પણ મહા ચિકણાં. ત્રાસ વર્તાવે. બાપુને ખાવા માટે ચમચી જોઈતી હતી. બિચારો મારા જેવો અંતેવાસી દોડતો જઈને લઈ આવ્યો. પણ હાથમાંથી ચમચી પદી ગઈ. બાપૂ કહે ગંદી થઈ ગઈ. ધોઈ આવ્યો. અને બાપુને ધોતિયાના છેડાથી સાફ કરીને આપી. બાપુ કહે આ તો તમે વધારે ગંદી કરી. બીજી નવી ચમચી લઈ આવો. અરે ભગવાન!.,

  1. ખુબ આભાર. તમે સાવરણી નીમીત્તે મારે આંગણે આવ્યા તેથી કેટલીક જણસો વેરી આપી….એને સાવરણીથી કાઢી નાખવાને બદલે સુપડીથી લઈને સાચવવા જેવીછે !

 2. પૌરાણિક માન્યતાઓ મુજબ સાવરણી ફક્ત આપણા ઘરની ગંદકી જ દૂર નથી કરતી પણ જીવનમાં આવી રહેલ દરિદ્રતાને પણ ઘરની બહાર કાઢવાનુ કાર્ય કરે છે. સાવરણી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે. . તો પહેલા સાવરણી ગંદી હોય તો સાફ કરો
  પાલવ વાંચતા હરીન્દ્ર દવે નું ગીત ગૂંજે…
  જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
  પાલવ અડક્યાનો મને વ્હેમ છે
  અને આ ભાવગીત
  “મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો..
  આખા રે મલકનો માણીગર મોહન
  મારા પાલવની ગાંઠે બંધાયો.. જશોદાનો જાયો.
  .સ્તંભ વિના આખું આકાશ લટકાવ્યું
  મહીં ચંદ્ર-સુરજ તારાનું તોરણ બંધાવ્યું
  સહુને ટીંગાવનાર, લટકંતો લાલ
  મારા પાલવની કોરે ટીંગાયો.. જશોદાનો જાયો.”
  આમ, અખિલ જગતના સ્વામી, એવા શ્રીકૃષ્ણને ય બાંધીને રાખનાર એટલે… આ પાલવ..!!
  અમે ડાયાસ્પોરાઓને આદિલજી સંભળાય-‘ પાલવ.. નાનું બાળક રોતું હોય તો એના આંસુ લુછવા માતાના સાડીનો પાલવ અને માંએ પ્રેમથી માતૃભાષામાં બોલેલા બે શબ્દો થી ઉત્તમ કોઈ ઉપાય નથી…પણ આજે ?આજે તો બહુ દુ:ખ સાથે કહેવું પડે છે કે,“પાલવનું અંગ્રેજી મને પૂછો ના,,અહી તો ‘ટીસ્યુ’થી આંસુ લુછાય છે”! પાલવ સાથે માંના હૃદયનો ભાવ જોડાયેલો છે એ કાગળના ટીશ્યુમાં ક્યાંથી આવે? અને એ મન ભાવ જ જેમને નથી પામ્યા એવા ટીશ્યુથી લુછાયેલા આંસુવાળો બાળક મોટો થતા ભાવશૂન્ય થાય તો વાંક કોનો?
  ફૂલો બની ભલેને અમે તો ખરી ગયા,
  ખુશ્બૂથી કિંતુ આપનો પાલવ ભરી ગયા
  પાલવમા નહીં કોઈ જોડાક્ષર, નહીં ‘હ્સ્વ’ કે ‘દીર્ઘ’ની મૂંઝવણ..કે નહીં અનુસ્વારની પીડા.
  નાનો એવો ત્રણ અક્ષરનો શબ્દ,પણ જાણે કે સમગ્ર વિશ્વ સમાઈ ગયું હોય એમાં એટલું તેનું મહત્વ.’
  અને પાલવ – શૂન્ય પાલનપુરી નો
  કોઈનો બેકરાર છે પાલવ.
  ફૂલ કીધાં’તાં એકઠાં એક દિ’ ત્યારથી તારતાર છે પાલવ.
  એ પુરાવો છે ત્યક્ત અશ્રુનો, તંગ છે દિલ, ઉદાર છે પાલવ.
  હાય નિષ્ઠુરતા જમાનાની ! વ્યગ્ર દિલનો કરાર છે પાલવ.
  રોઈને શૂન્ય પાપ ધોઈ લે, અંતમાં તુજ ઉગાર છે પાલવ…
  અને ગુંજારવમા
  રંગ રતુંબલ કોર કસુંબલ પાલવ પ્રાણ બિછાવજો રે પાટણથી પટોળાં મોંઘાં
  અને સેક્સોલોજીસ્ટ ડૉ કવિ મુકુલ ચોક્સી
  પ્રેમ એટલે દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે.!!
  આ મરીઝજી
  શું એને ખબર કોની નજર પ્યાસી રહી ગઈ?
  જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.
  આ પુરુસોતમભાઇ સંભળાય
  મારા પાલવ નો છેડલો મેલ, છોગાળાઓ છેલકે મન મારું મલકે છે.
  એ હું મોરલો ને તું તો મારી ઢેલ, હું છોડવો તું વેલકે મન મારું ઘડકે છે
  પાલવનો વિચાર વમળમાંથી વંટોળ બને તે પહેલા અસ્તુ

  1. શબ્દાર્થોમાંય કેવા વીરોધાભાસ હોય છે, જુઓ ;
   પલ્લવ એટલે પાલવ. જેમાં બાળક પોતાનું મોં છુપાવીને અનેક લીલા કરી શકે…..પણ પલ્લવગ્રાહી (પલ્લવ પકડનાર) એટલે ઉપરછલ્લું–ઉપરચોટીયું ! ઓછા કે અધુરાજ્ઞાનવાળું !!
   કોઈ દીકરીનું નામ પાડવાનું પુછે તો પઠણાક્ષરોમાં પાલવ સુચવવા જેવું ખરું….પલ્લવી તો હોય જ છે. (હું સોળેક વરસનો હતો ત્યારથી છોકરાંઓનાં નામ પાડવાની કામગીરી કરતો આવ્યો છું !! હજી પંદર દીવસ પહેલાં જ હ–ડ પરથી છોકરીનાં ૩૫ જેટલાં નામ સુચવેલાં…..આ મજાનું કામ છે.)

   1. એક ઝટકા સાથે, પાલવને જો પાછળ ફેંકવામાં આવે, તો સમજવું કે સ્ત્રીનો પિત્તો ગયો છે હવે.. ચેતીને રહેવું પડશે તેનાથી.
    અને હા, પાલવનો ઝટકો અને આંખોનો લટકો, બેઉ જો એક સાથે થાય, તો સમજવું કે સોનામાં સુગંધ ભળી છે. ભારે નખરાળી સ્ત્રીઓ આવા કરતબ બહુ કરતી હોય છે.
    દીવો સળગતો હોય અને ત્યારે જો ધ્યાનચૂક થાય, તો આ પાલવનો છેડો સળગવા ય માંડે છે.
    રાજકોટની પાલવ સ્કૂલ……

 3. પલ્લવ નો અર્થ પર્ણ અથવા પર્ણ ડાળ પણ થાય ?

  1. એના બીજા ઘણા અર્થો છે, હું આના પછી મુકવા ધારું છું…..આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *