શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૩

Posted by

– જુગલકીશોર.

કોઈની ભૂલો બતાવવામાત્રથી ભૂલો સુધરતી નથી !

 

ગુજરાતીભાષાની ચિંતા કરવી એક વાત છે, જ્યાં ક્યાંય ખોટું લખાતું હોય ત્યાં તેની ટીકા કરવી તે બીજી વાત છે, તે ભૂલો બતાવી આપવી તે ત્રીજી વાત છે અને તે ભૂલો સુધારી આપવી તે ચોથી બાબત છે…..

પરંતુ કોઈ આપણી ભૂલો બતાવે તો તેને માન આપીને તે મુજબ આપણી ભાષા સુધારવા પ્રામાણિક પ્રયત્નો કરીને સાચ્ચે જ શુદ્ધ ભાષા લખવી તે સૌથી મહત્ત્વની બાબત છે…..જોડણીકોશની કેટલીક બાબતો વર્ષો પહેલાં મેં અધિકારી કક્ષાએ બતાવેલી. તેમાંના કેટલાક સુધારાઓ થયા જણાય છે પરંતુ નવા કોશમાંની પારાવાર ભૂલો જોતાં નિરાશા જ સાંપડે તેવું છે.

કોશની ભૂલો માટે અધિકારી કક્ષાએથી બહારથી રજૂઆત થાય અને નવી આવૃત્તીમાં બધા જ સુધારા થાય ત્યાં સુધી રાહ જોવાને બદલે ગુજરાતીભાષીઓ જે કાંઈ ભૂલો કરી રહ્યા છે તે અંગે વ્યાપક ધોરણે ઝુંબેશ કરીને જાગૃતિ લાવવાના પ્રયત્નો કરવાની તાતી જરૂર છે. સરકારને આમાં રસ ન હોય તે સમજી શકાય તેવી બાબત છે. કોશ કાર્યાલય પોતાની ફરજ કોશ (ભૂલો વગરનો જ સ્તો !) પ્રગટ કરવા પૂરતી માનીને બેસી રહે તેય સ્વાભાવિક બાબત છે. ગુજરાતીના શિક્ષકો (પહેલાં પોતે પૂરતી ક્ષમતા કેળવીને) શાળામાં સાચું ગુજરાતી ભણાવતા થાય તે વળી અત્યંત મહત્ત્વની બાબત છે.

પણ સવાલનોય સવાલ તો એ છે કે, લખનારને પોતાને ભૂલો વિનાનું લખવામાં રસ છે ખરો ?! એને સાચું ગુજરાતી લખતાં શીખીને માતૃભાષાની સાચી સેવા કરવાનો ધર્મ દેખાય છે ખરો ? ગુજરાતીના શિક્ષકો–અધ્યાપકો સામાન્ય ગુજરાતી જનતાને સાચું ગુજરાતી શીખવવા તૈયાર થશે ? પ્રકાશકો ભૂલો ભરેલાં પુસ્તકો છાપી મારે તો તે પુસ્તકોની વિરુદ્ધ જઈને તે પુસ્તકોનો બહિષ્કાર કરવાની તેવડ જનતામાં છે ? ભૂલો ભરેલાં છાપાં અમે નહીં વાંચીએ એવો નિર્ણય લેવાની ધગશ આપણામાં કેટલી ?

મારા જેવો કોઈ સાર્થ જોડણીકોશને ચાતરીને એક ઈ–ઉમાં પુસ્તક છાપે તો તેને કોઈ એવોર્ડ ન મળે તેવા નિર્ણયો સરકાર કે સાહીત્યની સંસ્થા લેશે ? એ લોકોએ આવા નિર્ણયો લેતાં પહેલાં પોતાની સંસ્થાનાં મુખપત્રોની શુદ્ધિ સાચવીને દાખલો બેસાડવો પડશે, તો તેને માટે સંસ્થાઓ તૈયાર હશે ?!

સૌથી મોટી ચિંતા તો નેટજગતની છે. અહીં, આ જગતમાં  તો ભાષાશુદ્ધિ એ ચિંતાની વાત તો નથી જ પણ વિચારવાનોય મુદ્દો ગણાતી નથી !! નેટજગતમાં ભાષાશુદ્ધિના આગ્રહ રાખનારાં આંગળીને વેઢે ગણાય એટલા જ છે. બાકી તો મોટા ભાગનાં પોતપોતાના નિર્ણાયકો બનીને ઢગલા મોઢે પુસ્તકો છપાવવા માંડ્યા છે એટલું જ નહીં કેટલીક સાઈટો તો કોઈ પણ કક્ષાનાં પુસ્તકો ઈબુકરૂપે છાપીને રહ્યાં છે !! આ સાઈટો પર ગમે તેટલી ભૂલો ચલાવી લેવામાં આવે છે ! અહીં પુસ્તકોની ડાઉનલોડ સંખ્યા જ મહત્ત્વની બાબત હોઈ ભાષાશુદ્ધિ બાજુ પર હડસેલી દેવાઈ હોય છે !

ગુજરાત વિદ્યાપીઠનો કોશ હજારો ભૂલોવાળો છે તેવું કહેવાઈ રહ્યું છે ત્યારે ફક્ત તેટલા પૂરતું જ વિચારવાને બદલે આક્રોશપૂર્વક આ બીજી બધી વાતો અંગે પણ ચર્ચા કરીને કોઈ ઉપાય શોધી કાઢવાનો સમય આવી ગયો છે !

ભાષાશુદ્ધિ એ કોઈ એક–બે સંસ્થાઓનો જ સવાલ નથી. ગુજરાતીને ચાહનારા સૌ કોઈનો આ સવાલ છે. એને સવાલ જ રહેવા દેવો છે કે પછી જવાબરૂપ ઉપાયો પણ શોધીને એના અમલીકરણ સુધી આપણે પહોંચવું છે ?

One comment

  1. આપણે ભૂલો સુધારવી જ રહી. આપણી સહુની એ નૈતિક ફરજ ગણાવવી જોઇએ. એ માટે આપણે સહુએ સહિયારા પ્રયાસો આદરવા જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *