શુદ્ધ ભાષા બાબતે કેટલીક વાતો – ૧

Posted by

હા, આ કેટલીક વાતો જ છે. એને ભાષા બાબતની સહજ વાતો જ કહીશું. પણ આજે જ્યારે અચાનક એને ચર્ચાનો મુદ્દો બનાવવો પડે તેવું બની ગયું છે ત્યારે કેટલુંક પ્રગટ કરવું ખોટું નથી.

(એક નોંધ : આ લખનાર છેલ્લાં દસ વરસથી નેટ ઉપર જોડણી, વાક્યરચના તથા સાહીત્ય બાબત અનેક પ્રકારે લખાણો મુકીને સાર્થ જોડણીકોશ મુજબ નેટ પર શુદ્ધ ભાષા લખાય તે માટે પાઠો મુકીને પ્રયત્નશીલ છે. હા, આ લખનાર પોતે પોતાના લખાણ પુરતું એક જ ઈ અને એક જ ઉનો પ્રયોગ કરે છે ને છતાં નેટ પર સાર્થ જો.કો. મુજબ લખાણોને સુધારી આપીને સૌને મદદરુપ બનવા મથે છે. આ બાબત ખુદ જ એક ચર્ચાનો વીષય ગણાય !! અને તે માટે આ લખનારને કોઈ દોષી ગણે તો તેને સહજ ગણીને તે આવકારે છે….)

*****   *****   *****

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા લાં…બી રાહ જોવડાવ્યા બાદ તાજેતરમાં જોડણીકોશની છઠ્ઠી આવૃત્તી બહાર પડી ત્યારે એના લોકાર્પણ સમારંભમાં આયોજકોનાં જે વખાણ થયાં તેથી લાગેલું કે હા….શ, છેવટે ઘણું બધું આવરી લેતો દળદાર કોશ આપણને મળ્યો. હવે પછી અમારા જેવા અનેકોને સ્વેચ્છાએ જોડણી નહીં કરવાના ગાંધીજીના આદેશને માનવાનું બળ મળશે !

લગભગ ૧૨૦૦ પાનાંનો આ કોશ ૧૨૦૦/–ની કીંમતનો છે. એમાં ઘણાબધા સુધારા કરાયા હોવાની જાહેરાત થઈ છે. એટલે હવે પછી જોડણી બાબતે બીજે ક્યાંય આંટાફેરા કરવા નહીં પડે એ ધરપત હતી.

પણ છેલ્લા કેટલાક સમયથી ચારેકોર જે ચર્ચા થઈ રહી છે તેના આધારે ખ્યાલ આવ્યો કે – કહેવાયું ને છાપે પણ છપાયું કે – આ દળદાર કોશમાં એક, દળદાર નહીં તોય નાનકડું પુસ્તક ભરાય એટલી ભુલો છે !! ભાષાનું દાળદર ફીટે તેવી આશા હતી ત્યાં આ તો દારીદ્ર્ય દેખાડતી બીના બની ગઈ. ભુલો શોધવાનું હજી ચાલુ જ છે છતાં અત્યાર સુધીમાં હજારથી વધુ ભુલો તો જાહેર પણ થઈ ગઈ છે.

આની પહેલાં બહુ માગણીઓ આવ્યા પછી એક પુરવણી પ્રગટ થયેલી. એમાંની કેટલીક બાબતો અંગે ઉહાપોહ કહી શકાય તેમ ચર્ચાઓ થયેલી હશે; પછી એને જુની ચાલુ પાંચમી આવૃત્તી સાથે જોડીને કાંઈક આશા ઉભી કરાઈ હતી. પણ આ છઠ્ઠી આવૃત્તીમાં પુરવણીના સુધારા થયા નથી એમ પણ કહેવાયું છે. હવે જ્યારે આ નવા દળદાર ગ્રંથને જ સાથે રાખીને ચાલવાનું થયું છે ત્યારે એમાં શું થઈ શકશે તે બાબત જાણકારો–જ્ઞાનીઓ–ભાષાશાસ્ત્રીઓ કાંઈક કરશે એમ માનીને આપણે સાધારણ લેખકો એમની પાછળ પાછળ ચાલીશું, બીજું શું !

ગુજરાતી ભાષાને ભણવાના સબ્જેક્ટ તરીકે લેનારા ગુજરાતી વીદ્યાર્થીઓ ઘટતા જાય છે; ગુજરાતી વીષયમાં છોકરાઓ વધુ ને વધુ નપાસ થતા જાય છે; છાપાં–સામયીકો–પુસ્તકો–ટીવી ચેનલો ઉપરાંત સરકારી હોદ્દેદારોની ઓફીસોની નેઈમપ્લેટ તથા દુકાનો–ઓફીસોનાં સાઈનબોર્ડ વગેરે બધી જ જગ્યાએ જોડણી ખોટી જ લખાતી હોઈ એની સામે વ્યાપક આંદોલન થવું જોઈએ એટલું જ નહીં પણ એના પ્રત્યે આટલા બધા આંખ આડા કાન કરવામાં આવે છે તેનાં કારણો પણ તપાસીને તેના ઉપાયરુપ કશી કામગીરી કરવી જોઈએ એમ ગણતરી રાખીને કેટલાક ભાષાશાસ્ત્રીઓએ પ્રયત્ન કરેલો. એને ઉંઝાજોડણી જેવું નામ આપીને આજ સુધી એની ટીકા થઈ રહી છે, પરંતુ એ સીવાયના કોણે કોણે આ બાબતે સક્રીય ચીંતા કરી છે તે જાણવામાં આપણે રસ લેવો જોઈએ એવું હવે તો લાગે જ છે. કારણ કે ઉપરોક્ત બધી જ જગ્યાએ જોડણી નામે અરાજકતા વ્યાપી રહી છે અને એમાંય હવે તો મોબાઈલીયા લીપી આવી ગઈ છે તેથી આવતી કાલ કેવી હશે તે સવાલોનોય સવાલ છે !!

આ લખનારને સંપુર્ણપણે, પુરા હોશહવાસ અને સમજણ સાથેની નમ્રતાપુર્વકની હોંશ છે કે સાર્થ જોડણીકોશને જ વફાદાર રહીને આપણો ગુજરાતી સમાજ ગુજરાતીભાષાનું ગૌરવ કરે. છેલ્લાં દસ વરસથી ઉપાડેલું પોતાનું આ કામ સફળ થાય તો પોતે પણ એને સહર્ષ વધાવી–અપનાવી લે !!

પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ લગભગ શક્ય નથી !

આ અંગે કેટલુંક હવે પછી –

– જુગલકીશોર

6 comments

 1. પરંતુ જોયાજાણ્યાનો અનુભવ કહે છે કે હવે આ લગભગ અ શ ક્ય નથી !
  આ અંગે કેટલુંક હવે પછી –રાહ જોઇએ
  રાહ જોતી વખતે . . .અગાઉથી તૈયારી કરો! તમને ખબર હોય કે તમારે રાહ જોવી પડશે તો, વાંચવા, લખવા, ગૂંથવા કે બીજી ઉપયોગી પ્રવૃત્તિ કરવા તૈયાર રહો.સમયનો ઉપયોગ મનન કરવા કરો, જે આપણા વ્યસ્ત જીવનમાં બહુ જ મુશ્કેલ બનતું જાય છે.
  ટેલિફોન પાસે હંમેશા વાંચી શકાય એવું કંઈક રાખો, જેથી ફોન પર રાહ જોવી પડે એમ હોય તો, ઉપયોગી થાય; પાંચ કે દસ મિનિટમાં તો ઘણું બધું વાંચી શકાય છે.બીજા લોકો સાથે રાહ જોતા હોવ અને યોગ્ય હોય તો, ઉત્તેજન આપનારા વિચારોની આપ-લે કરો.અચાનક રાહ જોવાનું થાય એ માટે હંમેશા કંઈક વાંચવાનું સાથે રાખો.આંખો બંધ કરીને આરામ કરો, કે પ્રાર્થના કરો.
  રાહ જોતી વખતે સમયનો સારો ઉપયોગ કરવાનો આધાર વલણ અને અગાઉથી તૈયારી પર છે. છતા અંત નજીક હોય તેમ સાવધ રહો

  1. ” રાહ જોવાનું થાય એ માટે હંમેશા કંઈક વાંચવાનું સાથે રાખો પાંચ કે દસ મિનિટમાં તો ઘણું બધું વાંચી શકાય છે. .”
   બહુ  સાચી વાત કરી, બેન.

 2. ‘સબ્જેક્ટ’ ગુજરાતીમાં આને ‘વિષય’ કહેવાય. “ઉંઝા જોડણી” મારી ભાષામાં ગુજરાતી ભાષા સાથે ચેડાં છે. આપણી
  ગુજરાતી ભાષાના લખાણમાં દરેક વાક્યે એક યા બે અંગ્રેજી શબ્દ આંખે ઉડીને વળગે છે. જુનું સાહિત્ય વાંચીએ તો તેમાં અંગ્રેજી શબ્દો શોધ્યા જડતાં નથી. એ બધું લખાણ જ્યારે અંગ્રેજો આપણા દેશમાં હતા ત્યારનું છે.

  રાહ જોતી વખતનો સમય વેડફાય નહી એ અગત્યનું છે. ” આપણે સહુ એવા કિનારે છીએ કે જ્યાં, આપણી પાસે સમય
  ખૂબ ઉપલબ્ધ છે. એ જેટલું સત્ય છે એટલું જ સત્ય છે કે આપણો સમય હવે પૂરો થવા આવ્યોછે”.
  આ બન્ને વિરાધાભાસી સનાતન સત્ય છે.

  1. ગુજરાતીમાં કેટલા શબ્દો ફારસી, ઉર્દુ અને બીજી ભાષાઓના છે તે કોણ નથી જાણતું ? એ શબ્દો હવે ગુજરાતી જ બની ગયા છે. એ બધાની જોડણીના જુદા નીયમો નથી ! તો અંગ્રેજી શબ્દોની પણ સુગ શા માટે ? ગુજરાતી સાર્થ જો.કો.માં હવે સેંકડો શબ્દો અંગ્રેજીના સ્વીકારાયા જ છે. અંગ્રેજી જોડણીકોશોમાં પણ ગુજરાતી શબ્દો કાયદેસર છે !! હા, ક્યારેક ટેવવશ ગુજરાતી શબ્દો હાજર હોવા છતાં વીષયને બદલે સબ્જેક્ટ લખાય છે તે સાચું પણ મારા જેવો ક્યારેક જાણીજોઈને એ વાપરે એમ બને !! એક જ ઈ અને એક જ ઉ વાપરવાની વાત જુની ગુજરાતીમાં હતી, ગોવર્ધનરામથી આજ સુધી એને પાછી લાવવાની વાત ભાષાશાસ્ત્રીઓએ કરેલી છે. ચેડાં તો જે કોઈ ખોટી જોડણી કરે છે તે બધાંનાં ગણાય….લેક્સીકોન હાથવગું હોવા છતાં પાંચ વાક્યો પણ સુધારવાની આપણને આળસ હોય પછી શું કરીએ ? આ આપણો સૌનો સવાલ છે…..હું તો ફક્ત મારા પુરતું જ એક ઈઉ વાપરું છું ને સૌને સાર્થ મુજબ જ લખવાનું કહું છું ને શીખવું પણ છું. તમારી વાત બદલ ખુબ આભારી છું…..આમ વીરોધ મારફતે પણ ભાષાસેવા થતી હોય છે. તમારી ટીપ્પ્ણીને હું એ જ રીતે હકારાત્મક ગણીને સ્વીકારું…….આભાર.

 3. બ્લૉગ ચાલુ કર્યા પછી મેં તમારા અને ઉત્તમભાઈ જેવા શિક્ષકોની મદદથી જોડણીઓ પર વધુ ધ્યાન આપવાનું શરૂ કરેલું. સાચી જોડણી લખ્યાનો એક સંતોષ હોય છે. પ્રજ્ઞાબહેનની વાત બહુ સાચી અને પહેલાં અેવું જ થતું, પણ હવે રાહ જોવા માટે મોબાઈલ છે. આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *