લખવા માટેના – કલમને વહેવા માટેના માર્ગો

Posted by

– જુગલકીશોર. 

કમ્પ્યુટર પર સીધું લખવાની મારી જેમ જેમને ટેવ હશે તેમને માટે કલમ અને કાગળ હવે ભુતકાળનો વીષય ગણાય. છતાં જુનું કેટલુંક ચાલુ રાખવાની ગણતરીએ કલમ ને કાગળને પણ હજી સંભારતાં રહેવાનું ખોટું નથી…..
લખવું શા માટે, એ વીષે ગયા લેખમાં આપણે ઠીકઠીક વાતો કરી. આજે હવે શું શું ને કેવાકેવા વીષયો પર લખવું તેની વાત કરીએ.
પણ તે પહેલાં થોડી હળવી ક્ષણો માણી લઈએ :
ગોળ, ઘંટીના પૈડા જેવી પાઘડી પહેરીને ખુરશી પર બેઠેલા નર્મદને લમણા પર આંગળી ટેકવીને બેઠેલો આપણે જોયો છે ! લેખકોને લખવા માટે જે વીચારો આવવા જોઈએ તે પોતાના લમણા પર આંગળી મુકવાથી ચોક્કસ આવતા હોવા જોઈએ !
અમે નાના હતા ત્યારે લખવા માટે પાટીપેન હતાં. પેનને અમે કાંકરો કહેતા. ગણીતના અઘરા દાખલાની કોઈ રકમ યાદ ન આવે ત્યારે કાંકરો આપોઆપ મોંમાં જતો રહેતો ! પછી દાખલાની રકમ વાયા જીભ–કાંકરે યાદ આવી જતી !
ઘણા લોકો વીચારોને લાવવા–પકડવા માટે લમણું કે આખું માથું ખજવાળતા હોય છે. (આમ જોવા જઈએ તો વીચારોની ગંગોત્રી માથું હોવાથી ત્યાં ખણવાનું જરુરી ગણાય !) કેટલાક લેખકો પોતાના હાથમાં પેન પકડીને પછી લમણાની પાસે રાખીને ફોટો પડાવતા હોય છે….આમ કરીને તેઓ કલમને પણ ફોટામાં દેખાડે છે. કાગળને દેખાડવાનો રીવાજ જાણ્યો નથી તે કદાચ એ કારણે કે કાગળ તો વીચારોને ઉતારવા માટેનું વાસણ ગણાય….તેને મહત્ત્વ આપવાની જરુર નહીં.
આપણા આ જમાનામાં કમ્પ્યુટરના કીબોર્ડ સામે બેસીને લખવા માટે તૈયારી કરવાની રહે છે. ને એમ જ, શું લખવું ને કેવી રીતે લખવું તેના વીચારો આજે કીબોર્ડની સાક્ષીએ અને એને સહારે રજુ કરવાની રજા, હે વાચકો હું આપ સૌ સમક્ષ લઉં છું.
સીદ્ધહસ્ત લેખકો કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નીબંધ, પત્રો, જીવનચરીત્રો, આત્મકથા, પ્રવાસવર્ણન વગેરે જેવાં સાહીત્યનાં જુદાંજુદાં સ્વરુપોમાં પોતાની મૌલીક પ્રતીભા પ્રગટ કરતા હોય છે. કેટલાક લેખકો કાવ્યો જ લખવા માટે જાણીતા છે તો કેટલાક સર્જકો એકથી વધુ સાહીત્યસ્વરુપોમાં કલમ ચલાવે છે. સુંદરમ્ આપણા કાવ્યસર્જક જણાય છે પણ તેઓએ વીવેચનો ઉપરાંત સાહીત્યનો ઈતીહાસ લખીને પોતાની પ્રતીભા બતાવી છે. ઉમાશંકરભાઈએ તો લગભગ બધા જ સાહીત્યપ્રકારોમાં કલમ ચલાવી છે. જ્યોતીન્દ્ર દવે હાસ્યલેખક તરીકે જ જાણીતા હોવા છતાં ભારતીય કાવ્યમીમાંસાના રસસીદ્ધાંત જેવા અઘરા ક્ષેત્રે એમણે મોટું પ્રદાન કર્યું છે.
આપણે બધાં સીદ્ધહસ્ત લેખક ન હોઈએ તો પણ આપણા નેટજગતના કેટલાક લેખકો ખુબ આગળ વધી ચુક્યા છે. પુસ્તકોને પ્રીન્ટ કરવામાત્રથી સીદ્ધહસ્ત થવાતું કે ગણાવાતું નથી…..પણ આપણા નેટજગતના કેટલાક સર્જકોએ સારી એવી સીદ્ધી હાંસલ કરી લીધી છે…..આપણે સૌ પણ આજે શરુઆત કરીશું તો કાલે આપણેય આગળ વધી શકીશું.
પરંતુ આમ છતાંય આપણી આ સાઈટમાં લખવાનો મહાવરો પાડવા માટે એક બીજું પણ કારણ છે. આ પહેલાં એકથી વધુ વાર અહીં રજુઆત કર્યા મુજબ આ સાઈટ MATRU-BHASHAનો હેતુ તો સાવ નોખો જ છે !
આપણે તો કોઈ પણ પ્રકારે લખલખ કરીને ગુજરાતીને વહેતી રાખવી છે; આપણી નવી પેઢીને ગુજરાતી લખાણો તરફ નજર નાખતી કરવી છે; ભુલાતી જતી ભાષાની લઢણોને તાજી કરવી–તાજી રાખવી છે; આપણે કેટલુંક કાલુઘેલું લખીલખીને પણ આપણા મહાન સાહીત્ય વારસા તરફ આંગળી ચીંધીને ગુજરાતીથી દુર જઈ રહેલાંઓ કે દુર જઈ ચુકેલાંઓને પાછાં વાળવાં છે !!      
આ કામ નાનુંસુનું નથી તો સાવ ન થઈ શકે તેવુંય નથી !
આપણે ધારીએ તો સામુહીક રીતે મથીમથીને આ મહત્ત્વના કામને સાર્થક કરી શકીએ તેમ છીએ. નેટજગતમાં કીબોર્ડ પર જે ઢગલાબંધ લખાઈ રહ્યું છે તે એ સાબીત કરે છે કે કોઈ પણ વ્યક્તી કશુંક તો એવું લખી જ શકે છે જેને લોકો વાંચે છે. આજે પોતપોતાના જુથમાં જે લખાણો આપણે વંચાવીએ છીએ ને ખુશી મનાવીએ છીએ તે જ લખાણોને આપણે મોટા ક્ષેત્રમાં ફેલાવી–વીસ્તારી–પ્રસારીને  એને નેટજગતમાં પ્રચારી શકીએ તેમ છીએ !!
આપણું લક્ષ્ય ગુજરાતી ભાષાને પ્રસારીને પ્રચારવાનું છે.
હવે પછીના ત્રીજા લેખમાં આપણે શું શું ને કેવું કેવું લખવું તેનો આછેરો ખ્યાલ રજુ કરીશું…..પરંતુ અહીં એક ખાસ વીનંતી છે કે આ બન્ને લેખોને વાંચ્યાં પછી આપણામાંથી શક્ય તેટલા વાચકો પોતે જ આ ત્રીજા લખાણનો મસાલો મને મોકલે ! સૌ જણાવે કે આપણે આ પ્રસાર–પ્રચાર માટે શું શું લખીશું…..
અઠવાડીયામાં ત્રણ વખત કે તેથી વધુ વાર પોસ્ટો પ્રગટ કરીને જુનાનવા લેખકોનાં લખાણો આપણે પ્રગટ કરવા માંડ્યા જ છે. હજી લખાણો આવતાં જ જાય છે. કદાચ એવું પણ બને કે આપણે “વીષય વાર” નહીં પણ “લેખકવાઈઝ” વારા નક્કી કરવા પડશે !!
આપણે શું શું લખવું – કયા કયા વીષયો પર કલમ ચલાવવી તે અંગે સૌ વાચકો–લેખકો પોતાના વીચારો મને તાત્કાલીક લખી મોકલો……….
રાહ જોઉ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *