ફેસબુકીય સ્મૃતીલેખ : કોયલ કે વસંત ?

Posted by

પહેલું કોણ – વસંત કે કોયલ ?

કુકડો બોલે તો જ સવાર પડે એવી ખાંડ કુકડાભાઈ ખાધાં કરે તો તે વાજબી ન ગણાય. ખાંડ આમેય મોંઘી ને નુકસાનકર્તા તો છે જ. એ જ રીતે, કોયલદંપતીએ પણ પોતાના સ્વરો થકી વસંત ખીલતી હોવાનો વહેમ ન રખાય.

તો શું વસંત પોતે કોયલની પ્રેરણા હોવાનો દાવો કરી શકશે ?

વાત તો વીચારવા જેવી જ છે. વસંતના આગમની અસરો વનસ્પતીથી લઈને માણસજાત સુધીનાં સૌ કોઈ પર વધતાઓછા પ્રમાણમાં પડતી જ હોય છે. પણ આપણા આ લખાણના શીર્ષકે મુકાયેલો પ્રશ્નાર્થ ઘણા પ્રશ્નો ટહુકાવે છે.

૧) વસંત તો બે માસ પુરતી જ રહે છે ને કોયલદંપતીના સુરો તો છે….ક ચોમાસા સુધી ટહુકાતા રહે છે તેનું શું ?

૨) કોયલદંપતીને એના પોતાના પ્રશ્નો હોય તેવી જ રીતે પોતાના આનંદો પણ હોય ! વસંત તો એક બહાનુ છે; મીસ્ટર એન્ડ મીસીસ કોયલને ટહુકવા સીવાયનાં પણ બીજાં ઘણાં કામો હોય છે એ બધાંને વસંતનો સંદર્ભ આપી દેવાની શી જરુર ?

૩) સામાન્ય રીતે, ગયા લેખમાં વંચાયું તે મુજબ પક્ષીઓમાં મધુર ગળું જેને અપાયું છે તે નરપક્ષી પ્રજનનકાર્ય ઉપરાંત માળો બનાવવામાં, ઈંડાં મુકાઈ ગયા પછી માદાને ખોરાક લાવી દેવામાં વગેરે વગેરે ઘણાં કામોમાં વ્યસ્ત હોય છે. (મનુષ્યોની માફક આ લોકો –?!–માં પણ નરજાતીને બહારનાં ને નારી જાતીને ‘ઘરનાં’ કામો રહેતાં હશે ? ન જાને.) એટલે એને આ સમામાં ગાતાં રહેવાનું જરુરી ગણાય. આમેય તે નર લોકો પોતે કરેલાં કામોને વધુ પડતાં ગાયા કરતા હોય છે !

૪) વળી આ સમયગાળામાં, કહેવાતી આળસુ એવી કોયલબાઈ પોતાનાં જ ઈંડાં સેવવાની જવાબદારી સુધ્ધાં બીજાના ઉપર નાખી દેતી હોવાથી કાગડદંપતીને છેતરીને એમને પોતાના માળેથી ભગાડવા માટે પણ કોકીલ–ભાઈલોગ બીઝી રહે છે. કોકીલભાયડો પત્નીની આળસને ટેકો આપીને ટહુકા દ્વારા કાગડદંપતીને ભગાડતો રહે છે. એ કારણે કોકીલનું ટહુકવું વસંતને ખભે મુકવાની શી જરુર ?

૫) વીશ્વનું સંચાલન કોણ કરે છે ? અહીં ઈશ્વરને વચ્ચે લાવીશું તો પાછા કેટલાક સુધારકોના બેસુરા ટહુકા આ લખનારને સાંભળવા પડશે ! એટલે વીશ્વના સંચાલનનું કામ કુદરત માથે નાખીને કહીએ કે કુદરતને મન તો પક્ષીઓ શું કે માણસો શું, કે ખુદ ઋતુઓ શું – સૌ સરખાં. જે કુદરતે વસંતનું ટાઈમટેબલ ગોઠવ્યું છે એ જ કુદરતે કોયલકપલને પણ ટહુકવાની પ્રેરણા આપી છે ! પશુઓને પણ એમના સમયચોગઠાં ગોઠવી જ આપ્યાં છે…(માણસજોડકાંઓને ટહુકવાનો સમયગાળો આપ્યો જ નથી કારણ કે કુદરતે એને બુદ્ધી આપીને બુદ્ધી વગરનો કરી મુક્યો હોઈ તે લોકો નવરાત્રીમાં કે ભાતભાતના મેળાવડાઓમાં ટહુકવાનું કામ કર્યે રાખતા હોય છે.) એટલે વસંતને ને કોયલના ટહુકવાને કોઈ સંબંધે બાંધવાનો શો અર્થ ?

૬) કેટલાકો એવુંય કહેતાં હોય છે કે, આંબે એક બાજુ શાખ તૈયાર થતી હોય છે ને કોયલને એ જ ટાણે ચાંચની માંદગી આવતી હોય છે. એટલે એ બન્ને જણાં, “હાય હાય, અમે તો કેરી ખાધા વીના રહી ગયાં” એવા નીસાસા નાખે છે જેને નવરા કવીઓ પંચમસુરમાં ખપાવે છે ! (કેટલાક ટુથપેસ્ટવાળાઓ એટલા બધા ઉતાવળા હોય છે કે તમારી ટુથપેસ્ટમાં મીઠું છે ? કે તમે કોલસો ઘસવાનું જાણો છો ? જેવા સવાલો આકાશમાંથી ઉતરીને પુછતા હોય છે. એમનું ચાલે તો આ સમયમાં કોયલલોકોને પણ પુછે કે તમે લોકો ટુથપેસ્ટ કેમ વાપરતા નથી ? અમે તો ચીત્રવીચીત્ર ટુથબ્રશો પણ બનાવીએ છીએ. તમારા લોકોની કારોબારીમાં ઠરાવ કરીને અમારાં બ્રશ ને પેસ્ટનો રીવાજ કરાવી દ્યો તો ભારતમાં તો અમારું જ ચલણ છે તો ભેગાભેગું તમારુંય ગોઠવી દઈએ.)

ટુંકમાં મારા ભૈ, વસંતને ખીલે તેમ ખીલવા દઈએ અને કોયલને “બોલે તેમ બોલવા દઈએ; આપણે ગામભજનમાં રહીએ.” (ગામ શબ્દ ભુલથી વાપર્યો નથી ! નેટજગતમાં રામ કે કોઈ પણ ભગવાનનું નામ લેતાં બીક લાગે છે. કેટલાકો ભગવાનનું નામ સાંભળતાં જ ટહુકવા માંડે છે.)

એક વધારાનો સવાલ : કુદરતપ્રેમીઓ ઉતરાણમાં પક્ષીઓની જે ભાવનાથી ચીંતા કરે છે તેમ કાગડાના માળામાંથી કોયલ દ્વારા ફેંકી દેવાતાં ઈંડાં અંગે કેમ વીચારતાં નહીં હોય ?! જોકે આ સવાલને રાજકીયરુપ મળી જાય તો કાગડાપક્ષ અને કોયલપક્ષ એમ બે પક્ષોને છેક સંસદ સુધી ઝઘડવાનું સરસ બહાનું મળી જાય !

– જુગલકીશોર

4 comments

  1. સરસ મૌલિક અવલોકન.કાગડો અને કોયલ એના વાન ઉપરથી વરતાતા નથી પણ એનો જવાબ જીભલડીમાં હોય છે કે કોણ કોયલ અને કોણ કાગડો. આ મતલબનો એક દુહો છે, કદાચ કાગ બાપુનો ! કાગડો ચતુર હોય છે એ કોયલને છેતરી જાય છે.

  2. વસંત કે કોયલ જે કોઈ પહેલું હોય તે,આપણે એનાથી શું લેવા-દેવા?? બંનેની  મજા માણતા રહીએ.
    બહુ સુંદર સ્મૄતિ લેખ.

  3. આંબા ડાળે ઝૂલતી કોયલ અને કોયલના ટહુકા યાદ આવે છે.
    ચાંદની વરસતી રાતોમાં કોઈ રાત નહિ કટી તેની યાદ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *