છલના–વંચનાનાં ક્ષેત્રો (મારા નીબંધો – ૧)

Posted by

– જુગલકીશોર

નોંધ : માઈક્રો શબ્દ તો નહીં પ્રયોજું, પણ મારા કેટલાક નીબંધોને ‘લઘુ નીબંધ’ કહીને રજુ કરવાનો આ ઉપક્રમ, ‘નેટગુર્જરી’ પર પ્રગટ થઈ ગયેલા અને હવે પછી બીજાય સર્જાતા જાય તેમ રજુ કરતા રહેવાની ગણતરીએ, આ સ્વરુપને મુકવાનો છે.

મારા આ નીબંધોને માનનીય શ્રી કનુભાઈ જાનીએ તથા શ્રી સલ્લાભાઈએ (લો.ભા.ના પુર્વ આચાર્ય) જોઈને સધીયારો આપેલો. તેમાંયે સલ્લાભાઈએ એને એક જ કેન્દ્ર ઉપર સ્થીર રહેતા નીબંધરુપે ગણાવીને એવા જ બીજા બેએકને એકથી વધુ કેન્દ્રમાં જતા રહેતા ગણાવીને લઘુ નીબંધમાં જરુરી એકકેન્દ્રીયતા સુચવેલી ! આ વાત મને બહુ ઉપયોગી નીવડી છે…….

સુક્ષ્મ એવા એક જ વીચારકેન્દ્ર પર રહીને વીષયને પ્રગટ કરવાની આ મથામણ મારો પ્રીય વીષય રહ્યો છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો જાણે કે પેનને ઉપાડ્યા વીના (સ્થુળ અર્થમાં નહીં !) વાત પુરી કરી દેવાની આ વાત હોઈ શકે છે !…….

હશે, જેવા છે તેવા, પણ આ નીબંધો મને ગમે છે ! ને એટલે જ આ ‘સ્વાન્ત:સુખાય’ પ્રવૃત્તીને તે અર્પણ કરીને સંતોષ લઈશ. – જુ.

**************

છળ અને કપટ બન્ને શબ્દોના અર્થો લગભગ સરખા જ છે. છતાં બન્નેને સાથે રાખીને પણ બોલાય છે. છલબલ પણ એક શબ્દ છે જેમાં છલની શક્તીને બેવડાવાઈ છે. છલ અને કપટ પણ એક જ અર્થી હોવા સાથે તેને ‘છળકપટ’માં ભેગા કરીને છલનાને, પ્રપંચને, કપટને, વંચનાને બેવડાવવાનો જ હેતુ એમાં રહેલો છે.

આ છલ અને કપટ બન્ને શબ્દોનો ભરપુર ઉપયોગ કૃષ્ણચરીત સાથે થયેલો આપણે જાણીએ છીએ, એટલે કહી શકાય કે, આ પ્રવૃત્તીનો ઈતીહાસ બહુ લાંબો છે ! કૃષ્ણે પોતાના ‘અવતાર’ દરમીયાન છલપ્રયોગો બાળપણથી લગભગ અંતસમય સુધી કર્યાં કર્યા છે. કદાચ એટલે પણ હોય, કે આપણે ત્યાં લગભગ બધાં ક્ષેત્રોમાં આ પ્રવૃત્તી આટઆટલી સહજ બની રહી હોય !

રાજકારણ તો, હવે સૌ જાણે જ છે કે, આ પ્રવૃત્તી માટેનું જ ક્ષેત્ર ગણાતું હોય તો નવાઈ જેવું નથી. રાજકારણની જોડાજોડ જ રહેલું સમાજકારણ પણ તેને અપનાવી બેસે તો તે પણ સાવ કરતાં સાવ સહજ જ ગણાય, પણ બીજાં બધાં ક્ષેત્રો માટે એમ કહી નહીં શકાય. વ્યાપારમાં ખોટું બોલ્યા વગર નફો લઈ શકાય છે તો વકીલાતમાં પણ ખોટું બોલવું કાંઈ ફરજીયાત નથી હોતું. એવા વકીલો થઈ ગયા છે જેમણે જીવનમાં ક્યારેય કોઈ કેસ ખોટો ન લીધો હોય. સત્યવાદી હરીશ્ચન્દ્રને પગલે ચાલવાનું, ઈવન આ જમાનામાં પણ સાવ અશક્ય તો નથી જ. નોકરીઓમાં પણ પગાર મેળવવાની વાત સાથે ખોટું બોલવું કે ખોટું કરવું અ–નીવાર્ય તો નથી જ હોતું. ખોટું બોલ્યા વીના નોકરી કરી શકાતી હોય છે.

પણ છલના કે કપટાઈ આગુ સે ચલી આઈ હોઈ – જાણે એટલા માટે જ – તેને વળગી પડાયું હોય છે. “છળ અને કપટ જાણે હવે યુગધર્મ બનતા જાય છે” એમ જો કહું તો મારી એ વાતમાં પણ જુઠાઈ છે, કપટ છે તેવું કોઈ કહેશે તો મને સારું લાગશે….ચાલો કોઈ તો છે, જે આવા મારા આત્યંતીક વચન/ઉદ્ગારને કપટ કહેવા તૈયાર થયું !!

રમતગમત એ આપણા દેશમાં નીર્દોશતાનું ફિલ્ડ કહેતાં ક્ષેત્ર ગણાયું છે. ક્રીકેટ જેવી રમતો પણ રમત હોવાના નાતે નીર્દોશ જ હોય તેવી અપેક્ષા મારે શા માટે ન રાખવી ? પણ છલના ને કપટ તો હવે ક્રીકેટમાં બૉલ અને બેટ કરતાંય અનીવાર્ય બની ગયાં છે ! કદાચ બૉલ નહીં હોય તોય ચાલશે પણ શકુનીઓ વીના ક્રીકેટ ? અસંભવ !!

કયું ક્ષેત્ર, આજકાલ સ્વચ્છ હશે ? ઘાસની ગંજીમાંથી સૉય શોધવા જેવો સવાલ છે આ.

પણ તોય, હજી હમણાં સુધી બે ક્ષેત્રો છલ–કપટ–વંચનાથી વંચીત ગણાતાં હતાં. એક તે ધર્મ અને બીજું તે શીક્ષણ. આ બન્ને ક્ષેત્રો માનવજીવનના ઉર્ધ્વગામી વીકાસ માટેનાં ક્ષેત્રો ગણાયાં છે. અને તેથી જ તે બન્નેને ‘પવીત્ર’ ગણાવાતાં હતાં. પણ આત્યંતીક કરુણતા તો એ છે કે, ‘પવીત્રતા’ શબ્દમાંનું પાવીત્ર્ય પણ હવે શોધવીશય બની ચુક્યું છે. “પવીત્ર એટલે શું ?” કે પછી “પવીત્ર કોને કહેવાય ?” એવો સવાલ કોઈ ‘નીર્દોશ રહી શકેલો’ બાળક પુછે તો દાખલો આપવા માટે કોઈ જગ્યા, કોઈ ક્ષેત્ર, કોઈ કાર્ય રહ્યું છે ખરું જેને ચીંધીને કહી શકીએ કે, બેટા જો, આને પવીત્ર કહેવાય !

શીક્ષણક્ષેત્રની વાત જવા દઈએ; બહુ પાનાં ભરાઈ જવાનો ડર છે. ફક્ત ધર્મક્ષેત્રની એકાદ અછડતી વાત કરીને આ છલ–પ્રકરણ પુરું કરીશું.

ધર્મક્ષેત્રે આજકાલ સૌથી ગાજતો વ્યવહાર કોઈ હોય તો તે હજારોની મેદની વચ્ચેનો કથા–વ્યવહાર છે. હજારો ભક્તજનો, ભેગાં થઈને કોઈ એક વ્યક્તીને સાંભળે છે. કોઈ વચ્ચે બોલતું નથી. આ વન–વે પ્રક્રીયા કલાકો સુધી ચાલ્યા કરે છે. કોઈ એક વ્યક્તી કલાકો સુધી ભગવાન અંગે, ઈશ્વરી તત્ત્વ વીશે, સંસારચક્રની ગતી વીશે, માનવજીવનના અંતીમ લક્ષ્ય વીશે એકધારું, સતત કહ્યા કરે છે. કથા પુરી થયા પછીનું ફોલોઅપ આમાં ન હોવાને કારણે છલનાને કોઈ પણ તીરાડમાંથી ઘુસી જવાનું સહેલું બની રહે છે. નળરાજાનો પગનો અંગુઠો નાહતી વખતે એક જ વખત કોરો રહી જાય ને કળીયુગ તેમનામાં પ્રવેશી જતો હોય છે. અહીં કથામાં તો અંગુઠો ધોવાનો કોઈ નીયમ શ્રોતા–વક્તા કોઈને માટે ફરજીયાત ક્યાં હોય છે ?

રામકથા, ભાગવતકથા વગેરે કથાઓ હવે લગભગ ઘણી ચેનલોનો ‘પવીત્ર’ વીશય બની ચુક્યો છે. પહેલાંના જમાનામાં – એટલે કે બેત્રણ દાયકાઓ પહેલાં – કથાના વીશય પર જ વક્તા – સૉરી શાસ્ત્રીજી – કથા કરતા રહેતા. ભાગવત હોય તો એના અંગે ને રામકથા હોય તો તેના અંગે જ વાતો થતી. કથાપોથીને પ્રામાણીકપણે વળગીને વીશયાંતરોને ભાગ્યે જ તક મળતી. કથાકાર કથાતત્ત્વને જ વળગીને પોતાને કથાથી દુર રાખવા મથતા.

પણ હવે એવું નથી. કથાના દસ દીવસો દરમીયાન ઘણી વાર તો સવાલ થાય કે આ શાની પારાયણ છે ?! રામકથામાં ઘણી વાર તો તુલસીદાસ ગોત્યાય જડે નહીં ! એમની એક પણ ચોપાઈ વીનાની કથા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ……

કથાકાર પોતાના અનુભવો, પોતાની આવડત, પોતાનું જ્ઞાન, પોતાના અભીપ્રાયો વગેરે પીરસવામાં એટલા મશગુલ હોય કે રામકથાના રામ કે તુલસીદાસ બન્ને ઘાસની ગંજીમાં…..!! એવું જ ભાગવત કથામાં.

કથાકારોને વક્તવ્યનો થાક તો લાગે જ એટલે વચ્ચે વચ્ચે સંગીત પણ ચાલે. ભજનોની સાથે સાથે ગઝલો તો ખરી જ પણ હવે તો ફીલ્મોનાં ગીતો પણ પ્રવેશી ચુક્યાં છે. વેદવ્યાસ કે તુલસીદાસની કને તો, સારું છે કે, આ ચેનલો જોવાની સગવડ નથી….બાકી તેમનેય આ ફીલ્મીગીતોની લત લાગી જાય, ભલું પુછવું !

શ્રોતાઓ આ આખા કથાવ્યાપાર–વ્યવહારના મહત્ત્વનાં અંગ ગણાય. શ્રોતા છે તો વક્તા છે ! તેમની કાળજી રાખવા, તેમના ખરચાઓને ન્યાય આપવા તેમને માટેની ખાસ બેઠકવ્યવસ્થા પણ આ વ્યવહારનો જ ભાગ બની રહે છે.

પણ કથામાં ઘુસી ગયેલું એક તત્ત્વ તો અજીબોગરીબ છે !! એની વાત કર્યા વીના તો આ પ્રકરણ પૂરું કરવાનો કોઈ જ અર્થ નથી. આ એક એવું તત્ત્વ છે, જેના વીના કથા જાણે કે કથા, કથા રહેતી નથી ! જ્ઞાનવાર્તાથી શ્રોતાજનોને થાક ન લાગે તેની કાળજી રાખીને હવે ક્યારેક શું, લગભગ હંમેશાં જોક્સ કહેવાનો શીરસ્તો વ્યાપક બની ગયો છે !! ને ક્યારેક તો લાગે કે આપણે ડાયરામાં બેઠા  છીએ.

છલના, વંચના, કપટ વગેરેથી શરુ કરેલી વાતનો અંત જોક્સથી લાવવા પાછળનો આ લખનારનો ઈરાદો કોઈને છળકપટ લાગે તો લાગે ! પણ –

આ છલના, છલ….ના !!

––––––––––––––––––––––––––––––––––––––––  

(પ્રમાણમાં લાંબો એવો આ લેખ ‘લલીત નીબંધ’ થવામાં થોડો ઉણો રહ્યો લાગે તો ખોટું નહીં ! પણ પ્રસ્તાવનામાં કહ્યા મુજબ તે એકકેન્દ્રી રહ્યો કે નહીં તેનો નીર્ણય વાચકો ઉપર છોડું તો કેમ ? વાચકો દડો ફટકારશે તો ગમશે જ !! )

 

 

 

2 comments

 1. સુંદર-છલના …
  જાણ હોવા છતાં દોડ્યો છું ઝાંઝવા પાછળ
  મારે જોવું હતું શું હોય છે છલના જેવું -શાયર રશીદ મીર
  સૌ મૃગજળોની આશા પર પાણી ફરી જશે
  આવો હરણની સાચી તૃષાને જગાડીએ-શૂન્ય પાલનપુરી
  પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે
  હોય જો પીનાર તો ખુદ ઝાંઝવા છલકાય છે-સૈફ પાલનપુરી
  ઝાંઝવા તો ઝળહળીને કેટલાં છળ નોતરે
  તોય હરણું હાંફતું ધસતું રહે, વિશ્વાસથી-જગદીશ ધનેશ્વર ભટ્ટ
  મૃગજળ સમાન કેમ હું રણમાં ફર્યા કરું
  કોઈ આંધળી તપાસ હશે મારી ઝંખના-‘મેહુલ’
  ભાગે છે એ રીતે મને નીરખીને ઝાંઝવા
  જાણે કે એને પકડીને હું પી જનાર છું
  કામ સોંપ્યું છે ખરા દિલથી તમે :
  ઝાંઝવાનો એક ફોટો પાડવો!-દિનેશ કાનાણી
  રણમાં ફર્યા કરવાનું પરિણામ જોઈ લ્યો
  આખર પડી ગયા અમે મૃગજળના પ્યારમાં-અદમ ટંકારવી
  શું બળ ઘટ્યું બસ આટલામાં મારી પ્યાસનું!
  મૃગજળ પિવાયું છે હજી તો આસપાસનું-જવાહર બક્ષી
  એક મુઠ્ઠી છલના લઈને.
  તૂટ્યાં-ફૂટ્યાં સપનાં લઈને.
  સંબંધોના સરવૈયામાં શૂન્ય શૂન્યના ઢગલા લઈને….
  Thai Jashe Title I Thai Jashe I Hemang Dholakia I Krup Music – YouTube
  Video for છલના▶ 6:13
  https://www.youtube.com/watch?v=6-J3Xpvpnfs
  May 11, 2016 – Uploaded by Thai Jashe!
  બધી બાજુ છલના હવે રે જવું તો જવું ક્યાં હવે રે પુકાર કોણ સાંભળે પડઘાઓ પાછા વળે એકતારા તૂટી ગયા સંબંધો છૂટી ગયા ખખડી રહ્યું ખાલીપણું ડંખી રહ્યું માણસપણું …
  જ્યાં મારી ડગર લઇ જશે.
  મારે આંસુમાં નથી નહાવું
  બધી બાજુ છલના હવે રે એ,
  અહીં થી જવું ક્યાં હવે રે એ.– કાજલ ઓઝા વૈદ્ય.
  ઝાંઝવા પાછળ ભટકનારાની શી હાલત થઈ?
  બે કદમ પાણી હતું, તરસ્યાથી દોડાયું નહીં-નાઝિર દેખૈયા
  મારી તરસને જોઈને તેં જ્યાં ઝાંઝવું મૂક્યું
  બોલી ઊઠ્યા રણવાસીઓ : તેં ઝૂરવું મૂક્યું-નાઝિર દેખૈયા
  જળને માત્ર જાણ છે તૃપ્તિ થવા વિશે
  મૃગજળને પૂછ, કેમ હું તરસ્યો થઈ ગયો– જવાહર બક્ષી
  જોઈને સૌંદર્ય મારી પ્યાસનું
  ઝાંઝવાં પણ પાણી પાણી થઈ ગયાં
  – રાજ લખતરવી
  નહીં દેખાય એવાં ઝાંઝવાં છે આંખની અંદર
  તને એ આપવા તૈયાર છું, ખોબો ભરી તો જો!
  – લક્ષ્મી ડોબરિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *