કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

Posted by

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

મહેનતનાં ખળાં તો લેવૈ ગયાં ને બેસી રહેનારાં બધું લૈ ગયાં…..

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

અંદર હતું ના બહાર આવીયું, ભીતરને ભીતરે સડી ગયું;

ગંધૈ ગંધૈને કર્યું ગોબરું….હંધું,  નક્કામું થૈ જૈ પડી રહ્યું;

તાજું હતું ને વાસી થૈ ગયું… દુધડાં બગડીને છેવટ દૈં થયાં…

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

દેનારો દૈ દૈને દુખ્ખી થતો, લેનારો સંઘરતો જાય,

સંઘરો ભેગો થતો વખારમાં, એનો મુળ ધણી કરગરતો થાય;

જાહોજલાલી ન રૈ કામની, કંજુસીયા – કામના નૈં રયા !

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

કોણ રે દાતા ને કોણ માગણાં, કોણ રે દેનાર ને લેનાર,

કોણે રે બંધાવ્યાં કોનાં ખોરડાં, કોણ એ રહસ્યનો કે’નાર ?

સમથળ હતું તે ઉપરતળ થયું, ખળભળ ખળભળ રે તળ થૈ ગયાં…

કોને રે આપ્યું, જે તમે રૈ ગયા ?!

 

લૈને આપે તે ભલો માનવી, દૈ દૈને સુખીયો દાતાર,

લૈ લૈને ભીતરે ભર્યાં કરે, રે એનો દુખીયો અવતાર;

બરકી બરકીને બધાં ભાંડુડાં સહીયારાં ભેળાં થૈ ખાય !

જેણે આપ્યું’તું એ જ દૈ ગયા !!

 

– જુગલકીશોર. (૨૩,૧૧,૧૭.)

 

5 comments

  1. ધ્રુવપંક્તીની પુરક પંક્તી સાંપ્રત સમય – રાજકારણની છાપ દર્શાવતી હતી અને એને કારણે રચનાનું લક્ષ્ય મર્યાદીત બની જતું હોવાથી તેમાં ફેરફાર કર્યો છે તે સહેજ ધ્યાને લાવું છું…..
    સમીક્ષકોનો આભાર.

  2. સરસ રચના. સુખ દુખની ચાવી..
    લૈને આપે તે ભલો માનવી, દૈ દૈને સુખીયો દાતાર,
    લૈ લૈને ભીતરે ભર્યાં કરે, રે એનો દુખીયો અવતાર;…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *