મારાં ભાષાકાવ્યો – ૩

Posted by

આ ભાષા કહો, કોની ?!

રસ્તાનો ચાલનાર બોલે, પંડીતજી, રસ્તાનો બોલનાર સાચો !
ભીડ્યાં કમાડ જરી ખોલે, શાસ્ત્રીજી, ભીતરની વાતને વાંચો  !……….પંડીતજી.

 

ગાંધીના દેશમાં રસ્તાનો ચાલનાર બોલે, તે સાચકલી બોલી,
ભાષા-સમાજમાં મોંઘેરાં મુલ એનાં વાંચો ચોપડીયું ને ખોલી !
છેલ્લે બેઠેલાંનો પાટલો પહેલો, ઓ જ્ઞાની, ગનાન જરા જાંચો !………..પંડીતજી.

 

પહેલેરું પગલું જે પાડે તે બોલી, ને  બોલીથી  બંધાતી ભાષા,
એનીયે પાછળ જે ચાલે તે વ્યાકરણ, સાદીશી વાતના તમાશા?
સહેલી વાતુંને આમ અઘરી બનાવી દૈ, પંડીતૈ મહીં ઠાલા રાચો !……..પંડીતજી.

 

ગાંધીની   વાતને   મારીમચકોડીને      ઉંધી-અધુકડી    છાપી,
પરીવર્તન-હવાને સ્વીકારનાર  બાપુની મુક્તીની વાતને કાપી;
ખળખળતી ભાષાનાં વહેણ થયાં બંધ, કોશ રહી ગયો કેવળ શો ઢાંચો !..પંડીતજી.

 

ભાષાનું તપ અને સાધનાની વાતુંનો શો મોટો આવડો ધજાગરો ?
જીવતર આખું એને અરપી દેનારાએ નાહકનો કર્યો શું ઉજાગરો ?!
સૌની જે વાત કરે, સાધક એ સાચો,   ને કુવે રહી  કુદે તે  કાચો !…….પંડીતજી.

 

કેવળ ના ભાષા, સમાજનીય દાઝ થકી શાસ્ત્રીયતા કરવી  છે સહેલી;
નીયમોના વનમાં અટવાય ભલે વીદ્વાનો, જનતાની વાત હવે પહેલી;
ગાંધીને ઘેર, વાત ‘ગાંધીનાં માનવી’ની કરનારા કોઈ કહો,  ક્યાં છો ?!…

પંડીતજી, રસ્તાનો બોલનાર સાચો ! 

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

એક ઈ–ઉની શીક્ષા !

 

એક મુરખને ટેવ ખરી, હ્રસ્વઇની તો દીર્ઘઈ કરી.

દીર્ઘ ઊ સ્થાને હ્રસ્વ ઉ ઠર્યુ, ઈઈ–ઉઉ વહેતું કર્યું.

 

ષનો શ કરવાની વાત, ઋને રુ થકી મારી લાત !

સંસ્કૃતનું વાળ્યું નખ્ખોદ, ગુજરાતીનો અવળો બોધ.

 

પંડીતો  સૌ ભેળા  થયા, ભાશાચાર્યને  ઘરે ગયા.

આનો કાંક કરો ઉપાય, આપણું સઘળું હાથથી જાય !

 

પરીશદ આખી ભેગી કરી, ઈ–ઉવાળાને શીક્ષા ઠરી.

પથ્થરથી તો હીંસા થાય, શબ્દ તણા ઘા મારી શકાય.

 

સૌ કોઈ એને મારો શબદ, ઠેકાણે આવે તો અદબ.

પથ્થર–શા શબ્દોનો વાર, ગાળ–અલંકારોનો માર !

 

લોહીલુહાણ થયો એ નર, કોઈ શીક્ષકની પડી નજર !

અટકાવી સૌને એ કહે,  સાચું સમજાવ્વાને ચહે :

 

ભાશાભુલ કર્યાનું પાપ, સૌ સમજીને પુછો આપ !

તેં જો ‘પાપ’ કર્યું ના એક, તો તું શબ્દપથ્થર લૈ ફેંક !!

– જુગલકીશોર

 

2 comments

  1. તેં જો ‘પાપ’ કર્યું ના એક, તો તું શબ્દપથ્થર લૈ ફેંક !!….

    ને પછી સભા વિખરાઈ ગઈ?!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *