મારાં ભાષાકાવ્યો – (૧)

Posted by

– જુગલકીશોર    

 

(૧) શબદ

ટેરવેથી  નીતર્યો, ઝીલ્યો  શબદ,

ને ઘડીમાં નીખર્યો, ખીલ્યો શબદ.

 

કેટલું તપ હેમચન્દ્રોનું  ભગીરથ –

ગુર્જરી–ગંગા બની રેલ્યો  શબદ.

 

પ્રાકૃતીએ   કેટલો  સેવ્યો  હશે –

ગુર્જરી  થૈ વિશ્વભર ફેલ્યો શબદ.

 

દેવભાષા  દાદીમાને  વારસે  ને,

માત પ્રાકૃત ખોળલે ખેલ્યો શબદ.

 

પંડિતોની પાઘડીએ  શોભતો જે,

કોશિયાને  ગાન જૈ ગેલ્યો શબદ.

 

ક્રૂરતા  ભાષાભગીનીઓની કશી –

‘ચાર પૈસે’ ક્હૈ શું હડસેલ્યો શબદ !

––––––––––––––––––––––––––

(૨) શબ્દ છે ભૈ !

અર્થને તો શબ્દ છળતો હોય છે;

શબ્દને શું અર્થ છળતો હોય છે ?!

 

શબ્દ છે,  એને ન ઓછો આંકવો,

બુંદમાં દરિયો ઊછળતો હોય છે !

 

શબ્દ–લીલા વાંસળીની ફૂંક, એને

રાધિકા શો  અર્થ મળતો હોય છે.

 

શબ્દ એક, અનેક અર્થો ગોપવીને

રાસલીલા મહીં  ભળતો  હોય છે.

 

શબ્દનું શાસન બધે, ને રાજ્યમાં

અર્થ  કારણરૂપ  રળતો  હોય છે.

 

શબ્દનું  તો કોચલું  એવું  કઠણ,

અર્થનો આભાસ ‘ભળતો’ હોય છે.

 

શબ્દ ખાલી પાત્રમાં ખખડે વધુ,

પાંચીકાશો બહુ ઊછળતો હોય છે.

 

શબ્દને  ખોળ્યો  ભલેને  કોશમાં,

અર્થ તો ક્યાંયે રઝળતો હોય છે.

 

શબ્દ–ડોશી  રાતભર દળતી રહે,

ઢાંકણીમાં  અર્થ  ઢળતો હોય છે.

 

ગળથૂથીમાં જનનીએ પાયો હતો,

પારકે  ખોળે  કકળતો   હોય  છે.

––––––––––––––––––––––––––

(૩) પહેલું સુખ

પહેલું સુખ જોડણીમાં ઠર્યાં,

બીજું વાક્ય, પદ સાચાં કર્યાં;

ત્રીજું વિરામચિહ્ન વાપર્યાં,

સાચું ભાષાસુખ શું વર્યાં !!

***

ખરી જોડણી લખી ખરી !

અઘરી તોયે સહેલી કરી;

વાક્યે શી સુંદરતા વરી !

વાચક સૌને હૈયે ઠરી !!

–––––––––––––––––––

(૪) ભાષાના સંતુલનની વાત

(ઉપજાતિ)

પડો ! ભલે ઝાપટ  સામટી પડો !

પડો, ભલે આફત આવી આવીને;

લડો, લડો,  આપણ   નમ્રભાવથી;

લડો, ભલે કોઈ ન  સાથ  આપતું !

 

આ  તો  હજી  એક મૂકી છ   ઈંટ –

ત્યાં માર્ગમાં લાખમ લાખ જોઈશે;

આ માર્ગ સામાન્ય ન કોઈ માનશો.

‘સામાન્ય’ એના પર ચાલશે જનો !

અસ્તીત્વનો રે, અધિકાર પામતાં –

રોકી શકે કોણ કહો,

ટોકી  શકે  કોઈ કહો  શું  એમને ?!

 

આ વાત ના માત્ર લખાણ-બોલીની,

એ  તો હવે  છે  અધિકારની  અહો !

લેવો  ખરો એ   અધિકાર   જેમનો-

ને  સોંપવો  આદર  યુકત  એમને !

 

આ  યજ્ઞ  છે,  માત  સરસ્વતીનો;

છે  શારદાની  અનંત   ભક્તિનો !

એમાં  સમિધ   થઈ  ઉગ્રતા જશે;

એમાં  થશે  ભસ્મ   બધીય   ઍંટ

પ્રજ્વાળતી, નવ્ય પ્રકાશ લાવતી.

ને  એકમેક  કરી  દેતી  બધાંયને–

ભાષા  તણી  પ્રેમળ  છાવણીમાં !

 

આ આશ  ના કેવળ, માંગ યે ના,

આ  તો બધી  તીવ્ર  અનુભૂતિની

છે  સેંકડો  વર્ષ  થકી   સવાલતી

ભાષા તણી સાચી, શુચિ, સતર્ક જે

સમાજના   સંતુલનોની વાંછના !!

 

એને   કરી   સાર્થક  આપણે  હવે

થાવું  રહ્યું સાર્થક  જીવવું  ભલા !

………………………………………….

 

 

4 comments

 1. શબદનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ !

  નિષ્ણાંતોનું કહેવું છે કે દ્વિભાષી વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે આ બંને ભાષાના તફાવત વચ્ચે સહેલાઈથી અંતર જાળવી લે છે.
  તેમજ શરીર અને તેનું મગજ આ બંને ભાષા વચ્ચે જાણ્યે અજાણ્યે સતત સંતુલન જાળવે છે

 2. શબ્દની શરૂઆતથી માંડીને તેના વિધવિધ રૂપો,મહિમા અને તેની અનુભૂતિની સુંદર અભિવ્યક્તિ. “શબદ તો ભમરી થઈને ફર્યો “અહીં.
  ખરેખર, શબ્દ ભીતરનો અભિગમ છે,હ્રદયનો આસવ છે.
  શબ્દ વિશે વધુ “હ્રદય-આસવ”અહીં https://devikadhruva.wordpress.com/2017/02/02
  વાંચો..

 3. દરેક રચના ખુબ સરસ.
  વાહ! વાહ! વિશેષ ગમી.. ૨. શબ્દ છે ભૈ !
  સરયૂ પરીખ

 4. “શબ્દ છે, એને ન ઓછો આંકવો,
  બુંદમાં દરિયો ઊછળતો હોય છે !”

  બધી જ રચનાઓ સુંદર…

  હેમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *