ભાષાકાવ્યો – ૨

Posted by

જુગલકીશોર

 

(૧) બે અફવાઓ !

 

અફવા નં. ૧

ભાષાના

ગૌરવગાનની

જાતરા કાઢ્યા બાદ

બધા જ

મહાનુભાવોએ

પોતાનાં સંતાનોને

અંગ્રેજી માધ્યમેથી

ઉઠાડી લેવાનો

નિર્ણય કરી લીધો…

છે……

અફવા નં. ૨

ગૌરવગાન

કરતાં કરતાં

કરાયેલા

કેટલાક નિર્ણયોમાંનો

એક નિર્ણય

આવો પણ છે –

 

“અમે જે છાપાં–સામયિકોમાં

લખી લખીને

કમાઈએ છીએ,

ભાષાને

સમૃદ્ધ (?) કરીએ છીએ,

તે જ ભાષાનું ગૌરવ

એ જ છાપાં–સામયિકોમાં

હણાતું રહેતું હોઈ,

હવેથી

કાં તો ત્યાં ભાષાની અશુદ્ધિ

દૂર કરીશું –

કાં તો

અમે ત્યાં લખવાનું

બંધ કરી દઈશું…”

જય હો !!

–––––––––––––––––––––––––––––––

(૨) જાતને સંબોધન !!

રે રે બકા, તું બસ માન મારું,

એમાં બકા, છે બહુ માન તારું.

 

તારું ‘બધું’ ના સમજાય કો’ને

માથું દીવાલે પછડાય છોને.

ભેજું તને દીધ કશું પ્રભુએ

પામ્યા નથી તાગ અમે હજુએ.

ભેજું બધાંનુ બહુ ખાય છે તું;

મારું કહ્યું ’લ્યા, સમજાય છે શું ?!

*–*–*–

સાહિત્યનો ‘કાર’ ગણાય છે તું

સાહિત્યનો ‘કાળ’ જણાય છે તું.

સાહિત્યનો જીવ ‘થઈશ’ જો તું

સાહિત્યનો જીવ ‘લઈશ’ તો તું !

 

શબ્દાર્થ પૂરો સમજી શક્યો ના;

અર્થાર્થને ત્યાં સમજી શકે ક્યાં ?!

જ્યાં ગદ્યનીયે ‘ગડ્ય’ ઊકલે ના,

ત્યાં પદ્યમાં કાં પડ્ય ભાઈ મારા !

 

તારું લખેલું સમજાય છે ના;

મારું કહ્યું ‘આ’ સમજાય છે, ના ?

ચોંટેલ ભાષા તણું ભૂર તુંને,

ખંખેરી દે શુર નકામું – એને.

સાહિત્યસેવા કરવી હશે તો

તારી કને માર્ગ ઘણા પડ્યા જો.

ઉચ્ચારશુદ્ધિ થકી વાંચીને તું

કરીશ સેવા ગુજરાતીની તું.

વાંચીશ સારા સહુ લેખકોને

તેનો થશે લાભ સહુ જનોને.

તું વાંચવામાત્રથી દૂર ભાગે –

સાહિત્યનો ચેપ કદી ન લાગે.

તેં જિંદગીમાં કદી કોઈ બુક

વાંચી હશે શું ? બસ, વાત મૂક !

તારી ચહીતી દ્વય બૅંક–બુક –

એ ‘પાસ બુક’, દ્વિતી ‘ચૅકબુક’ !!

આ કાવ્યનું ક્ષેત્ર ન તારું ભાઈ !

આવી ચડ્યો ભૂલ થકી તું આંહીં.

*–*–*–

બકો કહે, આંગળી એક મારી

સામે; પરંતુ ત્રણ તે તમારી

સામે; જુઓ, કેવી તકાઈ દેખું !

લાગુ પડે તે તમનેય, પેખું !!

તમે બકાને બહુ શીખ દીધી –

પરંતુ તેમાંથી તમે શું લીધી ?!

પાંડિત્ય તો હોય પરોપદેશે

પોતેય શું સાર કશોય લેશે ?!

*–*–*–

બકા તણી વાત સુણી થયું મને

આ વાત તો  લાગુ પડે તને તને !

બકો, (તું જો) ભીતર બેસી તારી;

ઉતારતો ફીલમ તારી ભારી !!

 ––––––––––––––––––––––––

(૩) ‘જુ.કા.’ ના કુકા !

(દોહરા)

ગુજરાતીનો એકડો, મીંડાં પછેં હજાર;

માતૃભાષીને સાનમાં જુભૈ દિયે વચાર.

 

પરદેશે  પહોળા થવા  અંગરેજી હોઠે ધરી;

‘તારી’ તેં આઘી મૂકી, જુભૈ ક્હે, ભારે કરી !

 

પરદેશે  તું પાંદડું, ઊડતાં  ન લાગે  વાર;

ઘરનાં નંઈ, નંઈ ઘાટનાં, જુભૈ સમજો સાર.

 

કક્કોબારખડી  બધું ઊંચે  અભેરઈએ ચડ્યું;

અંગરેજીની લા’યમાં જુભૈ ‘શું–શાં’ શું પડ્યું !

 

ભાષા–ભાષા શું  કરો,  ભાષાનું  શું જોર ?

ડોલરિયે ખીસ્સાં ભર્યાં, જુભૈ કરો ન શોર !

 

સાચુ–ખોટું સૌ લખો, ક્યાં  કોઈ પૂછનાર ?

જુભૈ, ડસ્ટર ક્યાં હવે, બ્લૅકબોર્ડ–ભૂલ લૂછનાર !

 

જુભૈ બેઠા  એકલા, લમણે  દઈને  હાથ;

ભાષાને વળગી પડ્યું ભૂર; ન કોઈ સાથ.

––––––––––––––––––––––––––––––

(૪) ‘રવ રવ’ ગૌરવગાન !

શબ્દોના સાથિયા પૂર્યા, અલકબાઈ !

સુંવાળા સાથિયા પૂર્યા;

ઉઘાડાં ભોણ કૈંક બૂર્યાં, મલકભાઈ !

ઉઘાડાં ભોણ ઘણાં બૂર્યાં.

ભાષાની જાતરાઉં હાલી અલકબાઈ !

શ્હેરુંમાં જાતરાઉં હાલી;

લીધી બળતરા ઠાલી, મલકભાઈ !

કીધી કોઠાગરમી ખાલી !

ભણતરની વાત ભલી લીધી અલકબાઈ !

ભણતરની વાત બહુ લીધી;

ગણતરની પરવા ના કીધી મલકભાઈ !

ગણતરની ના પરવા કીધી.

ઘરનાં છોરાંને અમે લીધાં અલકબાઈ !

અંગ્રેજી માધ્યમે લીધાં;

પારકાં છોરાંને જતિ કીધાં, મલકભાઈ !

પારકાં હતાં તે જતી કીધાં !

વાણીનો વેપલો કીધો, અલકબાઈ !

જાણીને વેપલો કીધો;

અઢળક ઈમાંથી લાભ લીધો, મલકભાઈ !

અઢળક–અમાપ લાભ લીધો.

મોટું થૈ છાપે છપાણું, અલકબાઈ !

કૉલમું ભરીભરી છપાણું;

કેટલુંક ભોંયે લપાણું, મલકભાઈ !

એવું હંધુંય તે લપાણું.

શબ્દોના પાંચીકા ઉછાળ્યા, અલકબાઈ !

પાંચીકે શબ્દો ઉછાળ્યા;

નાહકના લોહી બૌ ઉકાળ્યા, મલકભાઈ !

ફોગટના કાળજા બાળ્યા.

ભાષાનું ભૂર શું વળગે, અલકબાઈ !

ભાષાને ભૂર કાંઈ વળગે !

ચોપડિયે શૂર બધું સળગે, મલકભાઈ !

કાગળિયે શૂર ભલે સળગે !

રવ રવ ગૌરવગાન ગાયાં, અલકબાઈ !

ભાષાનાં ગાન બહુ ગાયાં;

પોથીમાં રીંગણાં છુપાયાં, મલકભાઈ !

પોથીપંડિત થૈ ગવાયા !

––––––––––––––––––––––––––––

(૫) “શું–શાં પૈસા ચાર” મફતમાં !

અમે તો દીઠા પંડિત જ્ઞાની રે !

નિયમ બધા ખીસ્સામાં રાખે ક્હે પોતે વિજ્ઞાની રે….અમે તો.

અઘરી પોથીમાં અઘરું, આઘું, કાળે અખ્ખર કાળું રે;

પંડિત પટારે પૂરી રાખે, ત્રણે  વરણને તો તાળું રે !….અમે તો.

શાસ્તર સઘળાં એક વેલનાં તુંબડાં; ના કોઈ ભેદ રે;

પંડિત  પંડિતે  નોંખાં  નામે, વેદના  કીધા  છેદ રે….અમે તો.

અગમનીગમની વાતું કીધી ‘અગમ’ને ઊંચો મેલ્યો રે;

ભેળાં  થઈને  ભરી  હવા, ને ફુગ્ગો  ઊંચે  ઠેલ્યો રે…….અમે તો.

લોક બધાંને નિયમે પૂર્યાં પંડિત ચૉકી–પ્હેરે રે;

છૂટછાટમાં વિધિઓ દીધી; ‘ગોરતરભાણું’ ભેરે રે…….અમે તો.

સહેલું કરી સમજાવે સંતો, સૌને રાખે સરખાં રે;

પંડિત–જ્ઞાનીને “ચાર વરણના ચૉકા” તણા અભરખા રે..અમે તો.

દેવભાષા દેવોની પ્યારી, મોંઘી માનવ માટે રે;

દીકરિયું દાદીથી દોઢી, અટપટી ઊંધે પાટે રે !… …અમે તો.

અઘરું ને અટપટું ઝાઝું એને કીધું ” શાસ્તર ” રે;

”શું–શાં” સાવ મફતમાં વ્હેંચે, ‘અજ્ઞાની’ જુ.ભૈ માસ્તર રે !!

અમે તો દીઠા પંડિત–ફાની રે !

 

 

 

 

 

 

 

 

One comment

 1. મનહરનો સૂર ગુંજે
  આ ગલીથી એ અમસ્તા નીકળે
  ને પછી ઘરઘરથી અફવા નીકળે”
  કૈલાસ
  માણસ હતો માણસ, હવે અફવા થઈ ગયો !
  શોધો લઈ ફાનસ, હવે અફવા થઈ ગયો !

  આડા અને અવળા બધા સંબંધની અહીં
  કાયમ કરી આડશ, હવે અફવા થઈ ગયો !

  ઓળખ રહી ક્યાં આદમીને આદમીની પણ ?
  આદમનો એ વારસ, હવે ફારસ થઈ ગયો !

  સ્પર્શો હજારો વાર તોયે ક્યાં કશું થતું,
  પહેલા હતો પારસ, હવે અફવા થઈ ગયો !

  કઠપૂતળી માફક નચાવ્યો રોજ તો ‘સુધીર’,
  પૂરું કરો ફારસ, હવે અફવા થઈ ગયો !
  -સુધીર પટેલ
  શૂન્યતા પડઘાય છે એવી ખબર અફવા હશે,
  તો નસેનસમાં છવાયેલું નગર અફવા હશે.

  વિશ્વ આખાનો જિગરમાં સળવળે છે વસવસો,
  રિક્તતાના વ્યાપથી મારું જિગર અફવા હશે.

  મૌન મલકાતી બધીએ મંજિલો પડઘાય છે,
  ધૂળમાં રઝળી પડી સઘળી ડગર અફવા હશે.

  લાગણી ને છળ-કપટના નામ પર રાવણ બન્યો,
  રામ કેરા રાજ્યમાં એની નજર અફવા હશે.

  આજ ઈચ્છા લેશ પણ નિશ્ચેત થઇ છે એટલે,
  મતલબી દુનિયા મહીં થઇ’તી કબર અફવા હશે.

  સ્પર્શ તારો કોક’દી તારાય મનડાંને થશે,
  તેં કદી થોડી ઘણી રાખી સબર અફવા હશે.

  –સ્પર્શ દેસાઈ
  ડમરુ -જેના ધ્વનિથી દેવભાષા સંસ્કૃત અને નૃત્યના તાલ- ધ્વનિનો જન્મ થયો છે. તે અમર છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *