કૃષ્ણને એની બહેનનું સંબોધન…..

Posted by

નંદપુત્રી અને કૃષ્ણ !

–જુગલકીશોર.   (ઉપજાતી)

 

સંતાન તું આઠમું દેવકીનું.
તું બાળ ના, કાળ કરાળ કંસનો !

લાગ્યો હશે શો ભય કંસને કે
હણ્યા બધા અગ્રજ દેવકીના !

તું આઠમો, અંતીમ; કાલસાક્ષાત્
કંપાવતો ભાઈ-બહેન બેઉને :
મામાજીનો કંપ સ્વરક્ષણાર્થે,
ને બહેન  કંપે તવ રક્ષણાર્થે !

જોઈ રહ્યું’તું જગ વાટ તારી
ઉદ્ધારવાને બસ કંસ-ધ્વંસથી;
ને કંસ જે રાક્ષસ, રાહ જોતો
રહ્યો હતો રે તવ ધ્વંસની અહો !

કેવું હતું જન્મવું તારું, ભાઈ !
જે જન્મથી કોખ ભરાય બહેનની
આનંદતી ભાઈ-બહેન સૌને;
એ કોખને નીર્લજ ક્રુરતાથી
કંસે જ પીંખ્યાં કરી સાત વાર !

તારું હતું નીશ્ચીત એ જ ભાવી;
મંજુર શું ના વીધીને હતું જે ?
કે જન્મતાંવેંત જ તારું આવવું

મારે ઘરે, રે ઘનઘોર રાત્રીએ !
નીર્ધારીયું મારુંય તે હતું જ ને
જાવા કુખે દેવકીની – તુરંગે !

તારું રહેવું અનીવાર્ય ગોકુલે;
મારું હતું દેવકી-કુખમાં ત્યાં.
તું વીશ્વને કાલ બચાવશે, ભલે-
બચાવવાને વસુદેવ-દેવકી,
આજે જ મારું ત્યહીં હોવું સાર્થ !!

વીલંબ એમાં ક્ષણનો ન પાલવે…
એવે સમે માત-સ્તનેથી લેતાં
મને, તને મુકી દીધો બીજા સ્તને…

ને એમ એ બે ક્ષણમધ્ય આપણે
કીધું મધુરું સ્તનપાન સાથમાં !!

માતા યશોદા થઈ ધન્ય જેમ ,
હુંયે થઈ ધન્ય જ ધન્ય કેટલી –
સાન્નીધ્ય પામી તવ – સ્તન્યપાને !!

તારું હજી તો અવતારકાર્ય
શરુ થવાને બહુ વાર, વીરા !
હું તો લઈ તારી વીદાય આ ક્ષણે
દોડીશ, જો આપદધર્મ કાજે.
સંતાન હું આઠમું દેવકીનું
બની, વધેરાઈશ કંસહસ્તે.

સુપુત્ર તું દેવકીનો; યશોદા
માતા થશે પાલક તારી ગોકુલે;
પુત્રી યશોદાની ભલે હું આંહી-

ખોળે જઈ દેવકીને હું ત્યાંથી
પળીશ રે સ્નેહલ મોક્ષમાર્ગે !

નીર્માયું કેવું  તવ  આવવું   અહીં ?
મારું વળી ક્ષણે જવું ત્યહીં ?! 

*********

 

4 comments

  1. નીર્માયું કેવું તવ આવવું અહીં ?
    મારું વળી એ જ ક્ષણે જવું ત્યહીં ?!
    આપણે સૌ પણ નિમિતમાત્ર…

  2. આપદ ધર્મને સમજીને, સહષ સ્વીકારી લેવાની તૈયારીનું કાવ્ય…

  3. કૃષ્ણ જીવનના અસંખ્ય સર્જનો સર્જાયા છતાં વણસ્પર્શેલ રહેલ વિષય પરનું સુંદર કાવ્ય.

    1. સારું ધ્યાન ખેંચ્યું, વિમલાજી ! આ બાબત કદાચ કોઈના ધ્યાને ન પણ ગઈ હોય !! ખુબ ખુબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *