એક ગરીબનું જીવન–ચક્ર !!

Posted by

જુગલકીશોર.

 

શીયાળે ટાઢ્યમાં ઠર્યાં ’તાં અરજણીયા, ઉનાળે તાપમાં મર્યાં.

દીવસોના દીવસો લગ વેઠ્યું કરીને હવે વૈતરણી આખરે તર્યાં.

 

છાપરાંની ચાયણીથી ગળતી રહી વેદના, ને

                  મળતી રહી એક પછી એક –

આપદાયું; છેવટ તો અબખે પડી ને પછી

                     આંગણીયે ગોઠવાઈ છેક !

હાથનાં કર્યાં જો હોય, હૈયે તો વાગે; આ તો જનમોનાં નામથી જર્યાં !…..અરજણીયા૦

 

એવા તે કેવા હરખુડા થૈ એક દી’

                   પરણ્યાના ઉપડ્યા સવાદો;

પરણી–પહટીને ઘરે બંધાવ્યાં ઘોડીયાં, ને

                   કલરવમાં સાંભળ્યા સંવાદો !

અમને આ દોઝખમાં લાવવાનાં પાપ તમે શા હારુ બાપ, કહો કર્યાં ?!”…..અરજણીયા૦

 

માગી–ભીખીને મળે સઘળું આ દુનીયામાં,

                     માગવાની કો’ને ના શરમ,

પરસેવે નીતરતા પૈસાના ગૌરવનો

                     જીવનભર ભોગવ્યો ભરમ;

ઉજળા ભીખારીનાં ભાગ્ય ફળે; અમને તો ગૌરવનાં ગાંડપણ નડ્યાં !………અરજણીયા૦

 

આઝાદી નામનું રમકડું શું મળી ગયું,

                          આઝાદી કોને રે કહીયે ?

આઝાદી, આબાદી આભાસી રહી ગયાં,

                       બરબાદી–પુર મહીં વહીયે !

ઋતુ ઋતુની બધી કઠણૈના વહેણ મહીં તણાયાં, તો મસાણે ઠર્યાં !……અરજણીયા૦

 

 

 

One comment

  1. ઋતુ ઋતુની બધી કઠણૈના વહેણ મહીં તણાયાં, તો મસાણે ઠર્યાં !
    धनानि भूमौ पशवः हि गोष्ठे, नारि गृहद्वारि जनाः श्मशाने !
    देहश्चितायाम् परलोक मार्गे, धर्मानुगो गच्छति जीवः एकः !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *