મારું સૌથી પહેલું ‘કાવ્ય’ અને તેનો અનુભવ !!

Posted by

તા. ૨૬, ૧૧, ૬૧ના રોજ ગારીયાધાર તાલુકાના રુપાવટી ગામે સમી સાંજના મન–મગજમાં કશી હલચલ થતી અનુભવી ! આ એક નવો જ ભીતરી અનુભવ હતો.

રોજીંદા ક્રમાનુસાર કેટલાંક કાવ્યો વાંચતો હતો. એમાં શીખરીણી છંદનું એક કોઈ સર્જકનું કાવ્ય મનમાં હતું, જેમાં એમણે કશુંક બનવાની મહેચ્છા પ્રગટ કરેલી…મનેય થયું કે હું પણ કેટલીક ઈચ્છાઓ આ રીતે જરુર પ્રગટ કરી શકું…..

ને પેલી આંતરીક હલચલે એ ઈચ્છાને “ઈચ્છા”ના નેજા નીચે, ને વળી એ જ મારા પ્રીય શીખરીણીના “ઢાળ”માં વહાવવા માંડી !! મનમાં હતું તે વહેવા લાગ્યું. કાગળ પર જીવનમાં પહેલી જ વાર પદ્યરુપે કશુંક ાવતરણ થઈ રહ્યું હતું. સાવ નવો નક્કોર અનુભવ !

લખાણ પુરું થયું ને તરત જ આજુબાજુ જ હાજર એવા બાપુજીને અત્યંત ઉત્સાહથી બતાવીને કહ્યું, કે જુઓ, મેં કાવ્ય લખ્યું ! હવેલીના મુખીયાજીરુપે શાસ્ત્રીય સંગીતના જાણકાર અને સાહીત્યના શોખીન એવા એમણે આખું લખાણ વાંચીને દીકરાના પરાક્રમને આંખોથી જ વધાવ્યો !

(બાપુજી પણ કાવ્યો રચતા. અમારા ગામ ઉમરાળાના મુળ વતની પુ. કાનજી સ્વામી સાથે તેમને ચર્ચાઓ કરવાનો સંબંધ હતો. બાપુજીએ સ્વામીજી અંગે કાવ્યો લખેલાં જેની જાણકારી મને ખુદ સ્વામીજી દ્વારા જ સોનગઢના તેમના ગુરુકુળે મળેલી ! વર્ષો પછી તેમના ગુરુકુળે દર્શને ગયેલા ત્યારે અમે અમારી ઓળખ મુખીયાજીના દીકરા તરીકે આપી ત્યારે એમણ કહેલું કે “હા, ઓળખું. તેઓ મારા વીશે કાવ્યો લખતા !” અમારા એ વખતના આનંદને માપવાની પારાશીશી ક્યાંથી લાવવી ?!)

મારું જીવનનું સૌથી પહેલું કાવ્ય બાપુજીની આંખોમાં તરવરતું અનુભવીને મેં બીજો હરખ વ્યક્ત કર્યો, કે “આ શીખરીણી છંદમાં છે !!”

બાપુજીએ ધગધગતી લોઢી ઉપર પાણી છાંટીને છમ્મકારો કરીને મારી વાત હવા બનાવી દેતા કહ્યું કે “ખોટી વાત ! આમ શીખરીણી ન હોય !” હું તો લેવાઈ ગયો. કહ્યું કે, “જુઓ શીખરીણીની જેમ જ ગાઈ શકાય છે !” કહે, ગાઈ તો શકાય, પણ છંદમાં ગણો હોય છે તે તારા ભણવામાં આવ્યું હતું કે નહીં ? મેં કહેલું કે હા, એ તો ભણેલા…..તરત જ એમણે મને શીખરીણીના ગણો સમજાવ્યા !

બસ ! એટલીક વાત, ને મારા જીવનમાં છંદોએ પ્રવેશ કર્યો……ને પછી તો આજે છપ્પન વરસેય એ છંદનો છંદ છુટ્યો નથી !

એ મારી પ્રથમ રચનાને કાવ્ય કહેવાની તો જરાય હીંમત નથી ! એને કાવ્યને બદલે બીજું ગમે તે નામ આપવા તૈયાર છુ ! (આજે પણ મારી રચનાઓને કાવ્ય નહીં પણ કવીતડાં જ કહીને હું મને ને કાવ્યતત્ત્વને પણ ન્યાય આપવા મથું છું !!)

તો, લ્યો, આજે એ ‘પદાર્થ’ જેણે મને આ ક્ષેત્રે રમત કરતો કર્યો તે સૌ સમક્ષ રજુ કરું છું. હસવાની સૌને સહજ છુટ છે !

–––––––––––––––––––––––––––––––––––––––

તોય બહુ –

(શિખરિણી)

 

થતી ઇચ્છા એવી, બની યદિ શકું માળમણિકા

પ્રભુભક્તો કેરા કર મહીં ફરી ધન્ય થઉં તો.

ઘસાઈને જાતે, બનવું ચંદન કાષ્ટમહીંથી –

પ્રભુ કેરા ભાલે તિલક થઈને ધન્ય બનવું.

ફર્યું પાછું તે તો મન, પવનની જેમ ઘડીમાં

અને ત્યારે ઇચ્છ્યું, ફૂલ પ્રભુતણી માળનું થવા.

 

હશે ક્યાંથી ભાગ્યે ચંદન, મણિકા, ફૂલ બનવા

ભર્યા છે વિકારો મુજ મન મહીં જ્યાં અતિઘણા.

પ્રભુ ! એ વિકારો કદીય પણ જો નાશ કરીને

બની જાઉં લીન, તુજ ચરણમાં તોય બહુએ !

રૂપાવટી તા. ૨૬, ૧૧, ૬૧.

 

 

6 comments

 1. પ્રિય જુગલકિશોર ભાઈ ,
  સરસ.
  હું કવિ નહિ થઇ શકું પણ કાવ્ય માણું છું છંદમુક્ત કાવ્ય સારા હોય છે, પણ છંદકાવ્ય/ખંડ કાવ્ય માનવાનો આનંદ અધિક છે
  શિખરિણી, મંદાક્રાંતા, શાર્દૂલવિક્રીડિત, ઉપજાતિ પ્રિય છે. દોહરા, ચોપાઈ, તોટક નો આનંદ અનેરો છે.
  લલિત, દ્રુતવિલંબિત મધુર છે
  પિંગળશાસ્ત્ર નો અભ્યાસ નહિ કરી શક્યો. તેથી બીજા ઘણા છંદો સમજાતાં નથી. [ ખાસ કરીને જગદગુરુ શંકરાચાર્ય ના સ્તોત્રોમાં ].
  શ્રી. પંકજકુમાર મલ્લિક ગઠિત ‘ મહિસાસુરમર્દિની ‘ ને સાંભળવાનો અનુરોધ કરું છું . એમાં શાર્દૂલવિક્રીડિત અને ત્રિવિસ્તુપ છંદો ને અત્યંત મધુર અને પ્રભાવશાળી ઢાળમાં પ્રસ્તુત કર્યા છે. .

  1. મહિસાસુરમર્દિની
   આ સ્તોત્ર અમે જુનાગઢ જઈએ ત્યારે એક દીકરી પાસે વારંવાર સાંભળીએ…આ દીકરી એટલે કોણ જાણો છો ? હમણાંથી યુ ટ્યુબ પર અવારનવાર જોરદાર વક્તૃત્વ આપીને “ફાયર બ્રાન્ડ ગર્લ” તરીકે જાણીતી થઈ છે તે જ !(અમારાં મોક્ષાબહેનની એ દીકરીનું નામ ભુલાઈ ગયું છે.)

   છંદો અંગે તો વાતો ખુટે જ નહીં એવો છે એ વીષય ! આભાર.

 2. પ્રભુ ! એ વિકારો કદીય પણ જો નાશ કરીને
  બની જાઉં લીન, તુજ ચરણમાં તોય બહુએ !
  ભલે યમનસભલગા ન હોય…પ્રથમ કવિ નરસિંહ મેહતા હતા એ રચનાઓ આજે પણ એટલી જ તાજી લાગે છે…..કેમ ન હોય- ભક્તિ નો રંગ જ એવો છે.કવિઓ ની દુનિયા નિરાલી હોય છે. શબ્દો ની ગૂંથણી દ્વારા જડ-ચેતન ની લાગણી ઓ ની વાચા આપવા ની એમની આવડત અદ્રિતીય છે કવિ-હૃદય જરૂરી છે.
  – જો કવિઓ ન હોત તો આપણે કદાચ ઉત્ક્રાંતિ જ ન કરી હોત !

  1. બની જાઉં લીનમાંનો ન દીર્ઘ હોવો ઘટે તે નથી રહી શક્યો…જોકે એ વખતે પીતાજીએ ધ્યાન દોર્યું હોત તો સુધારી લીધું હોત…પણ પછી તો તેને જેમનું તેમ ઐતીહાસીક જ રહેવા દીધું !! બીજી પણ ક્ષતીઓ હોય તો જણાવજો.

   સાભાર – જુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *