વસંતનું, “એપ્રીલ–ફુલ” નાનકું

Posted by

વસંતનું, “એપ્રીલ–ફુલ” નાનકું

(છંદ : ઉપજાતી પરંપરિત

 

એપ્રીલનું

ઉગ્યું પ્રફુલ્લ ફુલ

વસંતની તાજી વીદાયવેદના

ભુલાવવા

લોક મથે વીનોદમાર્ગે;

કશા નીષ્ફળ રે પ્રયાસો

એપ્રીલને આંગણ ચૈત્ર

શું રમે !

આછી વહે મર્મરતી હવાને

સંગાથ લૈ

યાદ વસંત કેરી

કાલે હવે

કોઈ કરાળ કાળશો

આવી રહેશે વીકરાળ વાયરો

એનોય તે

સ્વાગતધર્મ આકરો

બજાવવાનું સહજ પ્રયોજન,

વીનોદમાર્ગી સહુ હાથ ધારે !    

એપ્રીલનું ફુલ

લઘુક આયુષે

મથી રહે,

આગળપાછળી દુઈ

વેદનાની વચાળ

સૌને

વીનોદમાર્ગે

શું પ્રસન્ન રાખવા !! 

એપ્રીલના ભાઈ, પ્રફુલ્લ ફુલ !

તારી કને આવી

જરાક આટલી

શાતા મળી તેનું

ગણાવું મુલ

નાનકી એક કવીતડી થકી

 

જુગલકીશોર.

 

2 comments

 1. અહીં એપ્રિલના વરસાદના છાંટા પડે અને નાના બાળકો સહજતાથી કહે-
  ‘ઍપ્રિલ શાવર
  મૅ ફ્લાવર…’
  આ ફુલની વાતે યાદ આવે સ્વામી વિવેકાનંદનુ કાવ્ય જેનું અમારા વિવેકે -આનંદ થાય તેવો તરજુમો
  (મન્દાક્રાન્તા)

  તારી શય્યા હિમથકી ઠરેલી ભલે હોય, વાયુ
  ઠારી દેતો તુજ વસન હો, ને ભલે પંથ તારે
  ના કો ભેરૂ દિલ બહલવા, આભ આખું ઝળુંબે
  છો ને માથે – ગમગીની સમાં વાદળાંથી છવાયું !
  થાતો છોને વિફલ તુજ સૌ સ્નેહ, મીઠી સુવાસ
  ખાલી ખાલી સહુ વિખરતી હો, ભલે ને અશુભ
  છાઈ રહેતું સકલ શુભની ઉપરે થૈ વિજેતા !
  તો યે ના હે વિમલ મધુરા જાંબલી ફૂલ ! તારી
  ના દે ત્યાગી અસલ પ્રકૃતિ મંદ ખીલ્યે જવાની !
  કિંતુ તારી સુરભિ વણથંભી અહીં દે પ્રસારી
  મીઠી મીઠી ! દૃઢ પ્રતીત ! યાચ્યા વિના અર્પી દેજે !
  – સ્વામી વિવેકાનંદ
  (૦૬-૦૧-૧૮૯૬) વાયોલેટ એ પાશ્ચાત્ય દેશોમાં વસંત બેસે અને શિયાળો પૂરો થવાનો હોય એ સંધિકાળ દરમિયાન ખીલતું પુષ્પ છે. એ ખીલે છે ત્યારે પવનના ઠંડા સૂસવાટાઓનો એણે સામનો કરવો પડે છે. પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમવા માટે સિસ્ટર ક્રિસ્ટાઇનને પ્રોત્સાહન આપવા માટે સ્વામીજીએ આ કાવ્ય ન્યૂયૉર્કથી લખ્યું હતું. ગમે એટલી વિપત્તિ કેમ ન આવી પડે, મનુષ્યે પોતાની સજ્જન પ્રકૃતિ ત્યાગવી ન જોઈએ જે રીતે ફૂલ એની મીઠી મીઠી ફોરમ પ્રસરાવતું રહે છે, વિપુલ માત્રામાં અને માંગ્યા વિના અને કોઈપણ કામના વગર ( સ્વામી વિવેકાનંદ નાં પુસ્તકોના અનુવાદ કરાવી પ્રકટ કરવાનું ભગીરથ કાર્ય સ્વામી ભૂતેશાનંદજીના નેતૃત્વ નીચે કરેલું. અનુવાદ કરનારાનાં નામો પુસ્તકોમાં નથી આપ્યાં – – એમણે ગુપ્ત દાનની જેમ ગુપ્ત સેવા કરી છે )
  ‘એપ્રીલનું ફુલ
  લઘુક આયુષે
  મથી રહે,
  આગળપાછળી દુઈ
  એ વેદનાની વચાળ
  સૌને
  વીનોદમાર્ગે
  શું પ્રસન્ન રાખવા !! ……………
  તેમની અનુભૂતિ કદાચ આવી હોય- !
  પ્રભુના પક્ષે આવી અદ્ભુત કમાલ છે, કિંતુ આપણા પક્ષે ખૂબ શરમજનક કરુણા છે. જીવનમાં સર્જાતી ઘટનાઓ સમયે આપણે કમળ જેવા નથી બનતા, પરંતુ બની જઈએ છીએ ‘વાયોલેટ’ નામની વનસ્પતિ જેવા. ‘વાયોલેટ’ની વિલક્ષણતા એ છે કે એના પર પાણીના માત્ર એકાદ બિંદુનો પણ છંટકાવ થાય કે તુર્ત જ એ બુંદનો ડાઘ આ વનસ્પતિ પર અંક્તિ થઈ જાય. એવો જડબેસલાખ એ ડાઘ હોય છે કે કોઈ પણ ઉપાયે એ નાબૂદ ન થાય. યાવજ્જીવ એ ડાઘ એના પર પૂરેપૂરો સાબૂત રહે. આપણે ય મહદઅંશે આ ‘વાયોલેટ’ જેવા બની જઈને ઘટનાઓની અસરથી પૂરેપૂરા ઘેરાઈ જઈએ છીએ. અરે ! ક્યારેક તો એવી નાની નાની ઘટનાઓથી ઘેરાઈને રજનું ગજ કરી બેસીએ છીએ કે જેમાં સરવાળે માત્ર ને માત્ર પારાવાર નુકસાની જ આવે. કરવી છે આની પ્રતીતિ ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *