હું સાચો – તું ખોટો : (એક પ્રતીકાવ્ય)

Posted by

હું જ સાચો

 

હું સાચો, તું ખોટો

એવો ખ્યાલ જગતનો મોટો.

‘હું સાચો, હું સાચો’

એવો મુરખ કરતા ગોટો.

 

ગેરસમજનો દરીયો ભરીયો,

સાચી સમજનો લોટો;

સાચાને તો ગેરસમજથીય

સમજણ–લોટો મોટો !

 

પોતાને સાચો સૌ માને,

સામાને ક્હે ખોટો;

સામાને પણ સાચો માને

એનો ન મળે જોટો.

 

તુચ્છમનો તે ખોટો, કાચો

ઉચ્ચમનો મોટો ને સાચો !!

 

– જુગલકીશોર

(પ્રેમશંકર ન. ભટ્ટની જાણીતી રચનાના આધાર અને સૌજન્યે.)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

તું નાનો હું મોટો

એવો ખ્યાલ જગતનો ખોટો.

આ નાનો, આ મોટો

એવો મૂરખ કરતા ગોટો.

ખારાં જળનો દરિયો ભરિયો

મીઠાં જળનો લોટો;

તરસ્યાંને તો દરિયાથીયે

લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે,

કેવો ગુલાબગોટો !

ઊંચા ઊંચા ઝાડે તમને

જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો,

જેનું મન મોટું તે મોટો.

 

– પ્રેમશંકર ન. ભટ્ટ.

 

3 comments

 1. પ્રેરક વાત
  તું નાનો હું મોટો

  એવો ખ્યાલ જગતનો ખોટો.

  આ નાનો, આ મોટો

  એવો મૂરખ કરતા ગોટો.
  યાદ આવે
  મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં,
  વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા.. ?
  .. આ કાવ્યકંડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે અને એકબીજા પર આધારિત છે. તેથી કોઈને ખૂબ મોટો ગણી તેને વધુ પડતું મહત્વ આપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી.

 2. પ્રેમાનંદના મૂળ કાવ્યનો મોટો સંદેશ પ્રાથમિક શાળામાં શિક્ષક સરળતાથી સમજાવી દેતા
  ને મુખપાઠ પણ કરાવતા. આજે  આ પ્રતિક કાવ્ય વાંચતા મુખપાઠનો ગુંજારવ અને સંદેશ
  યાદ આવ્યા.  “પ્રતીકાવ્ય” ખુબ ગમ્યું.
  આભાર.

 3. શ્રી પીકેદાવડાજીએ મારા પ્રતીકાવ્યનો જવાબ પ્રતીકાવ્યથી આપ્યો છે તે સાભાર રજુ કરું છું. :

  બસ તું રાજી
  હું નાનો, તું મોટો, બસ તું રાજી ?
  તું તો મોટો દરિયો, હું મીઠા જળનો લોટો, બસ હું રાજી !
  તું સાચો, હું ખોટો, બસ તું રાજી ?
  મૂરખ સાથે વાદ વદીને, કોણ થયો છે મોટો? બસ હું રાજી !
  હું મૂરખ તું જ્ઞાની, બસ તું રાજી ?
  છતાંય ક્યારે, તારી વાત ન માની, બસ હું રાજી !
  હું નબળો, તું બળિયો, બસ તું રાજી ?
  હું છું નાનું હરણું, તું ઊંચો ઊંટડિયો, બસ હું રાજી
  જ્યાં તું રાજી ત્યાં હું રાજી, તો શાને આપણો ઝગડો ?
  તું જ્યાં જ્યાં લખે એકડો, મારે લખવો બગડો.

  -પી. કે. દાવડા
  https://davdanuangnu.wordpress.com/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *