શ્રી દાવડાજીને ૮૧મા વરસે અભીનંદન અને શુભેચ્છાઓ

Posted by

(ચાર વીસુ ને એક એટલે ૮૧ વરસ અને એક વીસુમાં એક ઓછો એટલે કે ૧૯ વરસ અર્થાત્ સોમાં ૧૯ બાકી…..આ મુદ્દા પર દાવડાજીને અભીનંદન આપવાનું સુઝી આવ્યું ને મીનીટોમાં આમ એમને શુભેચ્છા પાઠવી દીધી……પણ વળતાં દાવડાજીએ જે રીતે મારી આ રચનાને ઓળખાવી તેનો આનંદ કાવ્યની ગુણવત્તાના પ્રમાણમાં અનેકગણો વધુ હતો ! એ આનંદ હવે અહીં સૌમાં વહેંચીને એમના જન્મદીવસને પણ સૌ વાચકો વચ્ચે વધાવી લઉં છું. – જુ.)

– જુગલકીશોર

શતાયુ–શુભેચ્છાઓ !

(સોરઠા)

ચાર વીસુને એક, ઓછા તોયે સેંકડે –

એક વીસુમાં એક; પુરા કરવા પ્રેમથી !

પાંચ વીસુ પ્રોગ્રામ, રાખો હૈયે ટારગેટ,

ઠરી ન બેસો ઠામ, હાંક્યે રાખો હામથી !

આ તો અંતરીયાળ; લાંબી કીધી જાતરા,

થાકી જાય વચાળ, એવા નો હોય દાવડા !

ધીરા સો ગંભીર, ઉતાવળા સો બ્હાવરા,

ધીરા ડગના ધીર, દીલની મોજે દાવડા.

પાંચ વીસુની પાંચ કડીયું અર્પણ આપને;

શુભ–ઈચ્છાનું સાચ,  જુભૈ દે છે દાવડા !!

– જુગલકીશોર. (તા. ૧૦–૩–૧૭ )

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

૮૧ મા વર્ષની સવારે :

જેમને જોયા નથી પણ જાણ્યા છે, મળ્યા નથી પણ માણ્યા છે, એવા અનેક મિત્રોના જન્મદિવસની શુભેચ્છાઓ આપતા સંદેશાઓ વાંચીને એક સુખદ લાગણી અનુભવી. “વસુધૈવ કુટુંબકમ” શબ્દો અનેકવાર વાંચ્યા છે, ઘણીવાર ઉચ્ચાર્યા છે, પણ એનો અહેસાસ આજે થયો એવો અગાઉ ક્યારેય થયો ન હતો.

એકે એક સંદેશ લાગણીસભર અને આત્મીયતાવાળા હતા. હું બધા મિત્રોનો હાર્દિક આભાર માનું છું.  અહીં માનનીય જુગલકિશોરભાઈનો સંદેશ તમારી સૌની સાથે વાંટ્યા વગર રહી શકતો નથી.

–––––––––––––––––––––––––––––––––––––

આ દસ પંક્તિઓમાંની એકે એક પંક્તિમાં એમના શુભ સંદેશ તો છે જ, પણ બધી પંક્તિઓમાં બહુ જ ઉચ્ચ પ્રકારની સલાહ છે. બીજી પંક્તિમાં માત્ર ૧૦૦ વરસનું આયુષ્ય પુરૂં કરવાનું નથી કહેતા, પણ પ્રેમથી પુરૂં કરવાનું કહે છે. ત્રીજી અને ચોથી પંક્તિમાં માત્ર ૧૦૦ વરસ જીવવાનું ટારગેટ રાખવાનું નથી કહેતા, પણ ઠરીઠામ (નિષ્ક્રીય) થઈને બેસી ન રહેતાં, હીમ્મત રાખી કર્મ કરવાની વાત કહી છે.

પછીના સોરઠામાં કહે છે, અત્યાર સુધી તમે લાંબી મજલ કાપી છે, પણ તમે અધવચમાં થાકીને બેસી જાવ એ માયલા નથી.

પછીના સોરઠામાં કહે છે, જે ઉતાવળા હોય છે, એ ભૂલો કરે છે (એ બહાવરા હોય છે), ધીરજવાળા લોકો ગંભીર હોય છે, દાવડા પોતાની મરજી મુજબનું કરે છે, પણ ગંભીરતાથી કરે છે.

અંતીમ સોરઠામાં કહે છે, ૧૦૦ વર્ષના આયુષ્ય માટે પાંચ સોરઠામાં હું, જુગલકિશોર, સાચાદિલથી શુભેચ્છા આપું છું.

મારા ૮૧ વરસના જીવનમાં મને આવો સરસ શુભેચ્છા સંદેશ મળ્યો હોય એવું યાદ નથી. આ સોરઠા ફ્રેમમાં મઢાવીને સન્માનપત્રક તરીકે સાચવી રાખી શકાય એવા છે.

ખૂબ ખૂબ આભાર જુગલકિશોરભાઈ, તમારા જેવા મિત્રો મળ્યા હોવાથી હું મારી જાતને નશીબદાર માનું છું.

સૌ સ્નેહી મિત્રોનો ફરી એકવાર આભાર.

– પી. કે. દાવડા
https://davdanuangnu.wordpress.com/

રામકા નામ લીયેજા, તૂ અપના કામ કીયેજા…

 

5 comments

  1. બે સાચદિલ અને નિખાલસ મિત્રોનો એક બીજા પ્રત્યેનો હૃદયનો ઉમળકો અને પ્રેમ ઉભરેલો અહીં આ પોસ્ટમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ધન્ય.

    બન્નેને મિત્રોને અભિનંદન સાથે દાવડાજીને ૮૧ વર્ષની સફળ સફર પ્રસંગે ફરી ફરી હાર્દિક શુભેચ્છાઓ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *