છંદપાઠો : ૪ (યતિ અંગે વધુ)

Posted by

નેટપીંગળ :

ગયે વખતે આપણે બે ખૂબ જાણીતા છંદો જોયા. એ વખતે એક વાતનો ઉલ્લેખ થયો હતો, યતિ અંગેનો..

યતિ એટલે એક પ્રકારનું અટકવું. પંક્તિ ગાઈ શકાતી હોય ત્યારે ગાતાં ગાતાં વચ્ચે અટકવાનું આવે. આ અટકવાનું એટલે અલ્પવિરામ, અર્ધવિરામ વગેરે વિરામચિહ્નોની જેમ અટકવાનું નથી. પરંતુ મંદાક્રાંતાની પંક્તિ બોલીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ વચ્ચે અટકવાનું આવે છે,  એક નહીં પણ બે વાર : ‘રે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’માં ચાર અક્ષરો પછી અને દસમા અક્ષર પછી સહેજ અટકવાનું થાય છે. શિખરિણીમાં ‘તને મેં ઝંખી છે સતત સહરાની તરસથી’ (ઉપરનો અરધો ખંડ ઉડાડી દીધો છે).માં છઠ્ઠા અક્ષર પછી અટકવાનું અને દસમાં અક્ષર પછી પણ સહેજ અટકવાનું આવે છે. આ બધી યતિઓ છે. (શિખ.ની દસમા અક્ષરની કોમળ યતિ ગણાય છે.)
એક સાથે ચાર કે વધુ લઘુ કે ગુરુ અક્ષરોના ખંડો પડે ત્યારે યતિ આવતી હોય છે. યતિની પહેલાંનો અક્ષર હંમેશાં ગુરુ હોય છે કારણ કે તેને લંબાવવાનો હોય છે. યતિ જ્યાં આવે ત્યાં શબ્દ પૂરો થવાને બદલે શબ્દની વચ્ચે યતિ આવી જાય તો એને યતિભંગ થયો ગણાય છે.(બ.ક.ઠા. તો યતિભંગને દોષ ગણવાને બદલે યતિસ્વાતંત્ર્ય ગણે છે.) યતિની જેમ જ શ્રુતિભંગ, શ્લોકભંગ પણ થતા હોય છે પણ એ બધામાં આપણે અહીં નહીં પડીએ; આપણે તો હજી પંક્તિ જ શરુ કરવાની છે ત્યાં ભંગની વાતની ચિંતા શા માટે ?! (શિક્ષકના હાડકાંનો ભંગ વિદ્યાર્થીઓ કરી નાખે તો !)

અર્થગત યતિ : છંદનો સીધો ભાગ ન હોય એવી પણ એક યતિ છે; અર્થગત યતિ. કવિ પંક્તિમાં જે ભાવ કે વિચાર મૂકે છે તેમાં અર્થને જાળવવા (ગદ્યની જેમ જ) વિરામચિહ્નો મૂકે છે. અહીં આપણે અર્થને જાળવવા અટકવાનું હોય છે. આ અટકવાને છંદની યતિ નહીં કહેવાય.આપણે એમાં પણ નહીં ‘પડીએ’ ! (પડવાથી પણ ભંગ થાય છે-અસ્થિભંગ-!)

કેટલાક જાણીતા છંદો :


વસંતતિલકા : અક્ષરો-14. યતિ નથી.
બંધારણ : ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/+ ગા, ગા.
“લેખો વસંતતિલકા તભજાજગાગા” એને ત્રણ ત્રણ અક્ષરોમાં છોડો : લેખોવ/સંતતિ/લકાત/ભજાજ/ + ગાગા.
ઉદાહરણ : “તારે ન રૂપ નહિ રંગ સુગંધ, કૈં ના
તારે વસંત પણ ના, બસ અંગ ઓઢી…”

આ છંદ અયતિક છે પણ અર્થગત યતિઓ છે, જોઈ ?

 હું એક જાતે પંક્તિ બનાવી મૂકું છું; સૌ પણ બનાવીને કોમેન્ટમા મૂકે. આ છંદને સમજવો નથી કાંઈ સ્ હેલો.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 

શાર્દૂલ વિક્રીડિત : અક્ષરો – 19.  યતિ એક જ બાર અક્ષરો પછી. બંધારણ : મ-સ-જ-સ-ત-ત+ગા

“ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં.”

એને છોડો ;  ઉગેછે/સુરખી/ભરીર/વિમૃદુ/હેમંત/નોપૂર્વ/માં.

જાતે બનાવેલી મારી પંક્તિ : લાગે છે અહિ માસજાસતતગા શાર્દૂલવિક્રીડિતે

હવે તમે સૌ પણ બનાવીને મૂકો.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

પૃથ્વી : અક્ષર- 17. યતિ નથી. (અગેય અને પ્રમાણમાં અઘરો છંદ.)
બંધારણ : જ-સ-જ-સ-ય+લ,ગા. ”

જસૌ જસયલાગ આ નિયત વર્ણ પૃથ્વી મહીં.”  એને તમે જાતે છોડો.

ઉદાહરણ ” ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !” (આ જાણીતી પંક્તિમાં કવિએ ક્યાં છૂટ લીધી છે ? કહો.)

” પ્રિયે ! કવિત સુંદરી ! નિકટ અંતરંગે રહે.”

મારી પંક્તિ: જુઓ, કવિત આજથી શરુ કરું છું પૃથ્વી મહીં.

તમે પણ બનાવીને મૂકો.

ખાસ નોંધ : છંદનું બાહ્ય કલેવર મહેનતથી સિદ્ધ થઈ શકે પરંતુ આંતરતત્વ (કાવ્યત્વ) પ્રગટતાં વાર લાગે. અત્યારે તો છંદ શીખવા માટે મારીમચડીને પંક્તિઓ બનાવીએ, એમાં ગદ્યાળુપણું જ રહેવાનું. ભલે રહે. એમ જ ટેવાતાં જશું. પછી તો કવિતાસર્જન જ છંદના ઢાળામાં વહેશે.

 “છંદો પી લે, ઉરઝરણ વ્હેશે પછી આપમેળે !!!” (ઉ.જોશીની ક્ષમાયાચના સાથે !)


સૌને શુભેચ્છા સાથે, ઈતિ ચતુર્થોધ્યાય !

– જુગલકીશોર.

 

 

7 comments

 1. ” ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !” આ જાણીતી પંક્તિમાં કવિએ ક્યાં છૂટ લીધી છે ? કહો.
  જૂની વાસી વિચારસરણીને તોડીને નવસર્જન તરફ આગળ વધવા હાકલ કરતું એ જમાનામાં બહુ જ પ્રખ્યાત થયેલું ગીત. ‘ઘણ’ પ્રતિકની પસંદગી કવિ પર સામ્યવાદી વિચારસરણીની અસર બતાવે છે. ગીતનો લય એટલો બુંલદ છે કે વાંચકને પોતાની સાથે તરત જ ખેંચી લે છે.પ્રુથ્વી છન્દમાં લખાયેલ આ કાવ્ય અંગ્રેજી બ્લેન્ક વર્સની જેમ પ્રભાવશળી પઠન માટે છે.
  છેલ્લી બે પન્કતિ સ્રગધરા છન્દમાં છે.
  લય શબ્દ તાલ અને આવર્તન સૂચવે છે જે આ રચનામાં નથી..
  આ કાવ્યના ભાવપ્રબળ પઠનની સ્મ્રિતિ છે !

  1. પ્રથમ શબ્દ ઘણુંક માંનો ણુ ગુરુ હોવો જોઈએ જે નથી. બીજો ઘણુંક્માંનો ણું લઘુ છે ત્યાં લઘુ હોવો જોઈએ, જે છે જ.

 2. I am not familiar with Chhand Pruthavi. Also do not know how to recite.

  More ex.
  Chhand Vasnt tilaka
  Jnayaa Vasant tilaka Ta Bha Jaa ja Gou gaha

  Chhand Shardul vikridit
  SuryaashVaiyadimah Sa Jou Sa Ta Ta Gaahaa Shardul vikriditam

 3. શાર્દૂલવિક્રીડીત ઃ
  ઊગ્યો આજ રવિ લઇ શુભ ઘડી,ગૂંજી ઉઠી ગુર્જરી,
  બાંધે જે દશદિશ ગુર્જર-જનો,ગૂંથી નવો માંડવો,
  વંદે હસ્તક લૈ મૃદુ શબદના,કંકુ અને ફૂલથી,
  સંગે સૌ નતમસ્તકે શુભ વદો, કુર્યાત્સદા મંગલ‌મ.

 4. વસંતતિલકાઃ
  આ છંદને સમજવો નથી કાંઈ સ્ હેલો.’– (જુ.ભાઈ)
  તો યે મને રસ પડે રચવા તણો એ…. ( દેવિકા)

 5. ” ઘણુંક ઘણું ભાંગવું ઘણ ઉઠાવ મારી ભુજા !” (આ જાણીતી પંક્તિમાં કવિએ ક્યાં છૂટ લીધી છે ? કહો.)
  બીજાં અને આઠમાં અક્ષરમાં છૂટ લીધી છે. બરાબર?
  ***************************************
  પૃથ્વી : અક્ષર- 17. યતિ નથી. (અગેય અને પ્રમાણમાં અઘરો છંદ.)
  બંધારણ : જ-સ-જ-સ-ય+લ,ગા. ”
  લગાલ લલગા લગાલ લલગા લગાગા લગા
  જુઓ, કવિત આજથી શરુ કરું છું પૃથ્વી મહીં.” ( જુ. ભાઈ)
  ઘણો જ અઘરો, અહો દુઃખ ભરેલ રસ્તા સમો.. ( દેવિકા )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *