સ્વ. શ્રી જયાબહેન શાહે શું કહ્યું –

Posted by

લોકભારતીની સુવર્ણ જયંતિ પ્રસંગે ઉપહાર

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના પુણ્યશ્લોક શ્રી નાનાભાઈ ભટ્ટના શતાબ્દી વર્ષ પ્રસંગે ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ નામની ગ્રામદક્ષિણા મૂર્તિ અને લોકભારતીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અનુભવકથાની ૨૧ પુસ્તિકાઓ પ્રગટ કરવામાં આવેલી.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઇતિહાસમાં વળી એક શુભ પ્રસંગ પ્રાપ્ત થયો છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપનાને પચાસ વર્ષ પૂરાં થયાં છે.  સુવર્ણ  જયંતીની ઉજવણી નિમિત્તે ‘ઝાડનાં પારખાં ફળ પરથી’ શ્રેણીમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના કામનો પરિચય આપતી બીજી પાંચ પુસ્તિકાઓ તૈયાર થઈ છે, તે સમાજના ચરણે મૂકતાં આનંદ અનુભવું છું.

લોકભારતીના સ્થાપક – સંવર્ધક શ્રી મનુભાઈ પંચોળીએ શ્રી નાનાભાઈ ભટ્ટ શતાબ્દી પ્રસંગે ૨૧ પુસ્તિકાઓ ઉપહારરૂપે ગુજરાતને ચરણે ધરી હતી. સુવર્ણ જયંતી પ્રસંગે સ્વ. મનુભાઈ પંચોળીનું પાવન સ્મરણ થાય છે. તેમણે લોકભારતી ગ્રામવિદ્યાપીઠને વૈચારિક સ્તરે તેમજ ગ્રામ સમાજના ઉત્થાનમાં ટોચે પહોંચાડી. પરિણામે કેન્દ્ર સરકારના માનવસંસાધન વિભાગે લોકભારતી ગ્રામવિદ્યાપીઠને રાષ્ટ્રીય મહત્ત્વવાળી ગ્રામ ઉચ્ચશિક્ષણની સંસ્થા (The Institute of Rural Higher Education of National Importance) ગણાવીને ગૌરવ કર્યું છે.

નાનાભાઈ શતાબ્દી નિમિત્તે પ્રસિદ્ધ થયેલી પુસ્તિકાઓ માટે સ્વ. શ્રી મનુભાઈ પંચોળીએ કહેલું :

“રસોઈની પરીક્ષા ખાઈને થાય છે, તેના આકાર-પ્રકારથી નહીં. તેવી જ રીતે શિક્ષણસંસ્થાઓની કસોટી તેના વિદ્યાર્થીઓએ બહાર ગયા પછી કેટલો અને કેવી રીતે સંસારનાં અંધારાં-અજવાળાંમાં રસ્તો કાઢ્યો તે છે.

નાનાભાઈના સોમા જન્મદિવસના નિમિત્તે જે વિવિધ કામગીરી થઈ, તેમાંથી આ એક કામગીરી છે. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના ગ્રામપ્રદેશ અને પછાત સમાજની પુનર્રચના સાથે સંકળાયેલાં કેટલાંક ભાઈ-બહેનોની આ અનુભવકથાઓ છે. આમાંનાં કેટલાંક ખેતી, સહકાર, પંચાયત, શિક્ષણ, ગોપાલન સાથે સંકળાયેલા છે, સરકારી અમલદારો છે, ધારાસભ્યો છે, જેલ સુપરિન્ટેન્ડેન્ટ પણ છે.

વાચકો આ વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલાના, ઓછી કે વધુ સુઘડતાવાળા અહેવાલોમાં सूत्रे मणिगणा इव એમણે લીધેલ શિક્ષણનો દોર જોઈ શકાશે. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં, કચ્છ ઝાલાવાડમાં શિક્ષણ કે ગ્રામવિકાસકાર્યમાં પરોવાયેલાના આવા બીજા ડઝનબંધ અહેવાલો પ્રાપ્ત થઈ શકે. જે ઉપહાર ગુજરાત પાસે ધરીએ છીએ તેમાં અમારા સામર્થ્યની કોઈ વશેકાઈ નથી; પણ જે મહાત્માએ આ ગુજરાતમાં ખૂણે ખૂણે તેજ પાથર્યાં તેમના તપનો એ પ્રભાવ છે.”

અગાઉની પુસ્તિકાઓમાં ખેતી, ગોપાલન, સહકાર, પંચાયત, શિક્ષણ, સકારી અમલદારો, ધારાસભ્યો, જેલ સુપ્રિન્ટેડન્ટની અનુભવકથાઓ હતી. આ પાંચ પુસ્તિકાઓમાં પણ ક્ષેત્ર વૈવિધ્ય જોઈ શકાશે.

શ્રી હીરજીભાઈ ભિંગરાડીયા (ખેતી – ગ્રામોત્થાન), શ્રી અર્જુનભાઈ ગોપાણી (સરકારી વહીવટ), શ્રી જુગલકિશોર વ્યાસ (મજૂર શિક્ષણ પ્રવૃત્તિ), શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી (શિક્ષણ), શ્રી હસમુખભાઈ પટેલ ( ખેતી ઉત્પાદન રૂપાંતરણ પ્રક્રિયા) વગેરે સૌએ પોતપોતાના ક્ષેત્રે નમૂનેદાર કામગીરી કરી છે અને તેનું સરસ બયાન કર્યું છે તે વાચકો પ્રમાણી શકશે. સૌ લેખકોને અભિનંદન.

આ પુસ્તિકાઓના સંપાદનની જવાબદારી ઉમળકાભેર સ્વીકારી અને તેને સરસ ઘાટ આપ્યો તે માટે શ્રી પ્રવિણભાઈ શાહ અને શ્રી મોહનભાઈ દાંડીકર અભિનંદનના અધિકારી છે. પ્રકાશન વ્યવસ્થા માટે ભાઈ મેહુલ ભટ્ટ અને પ્રૂફ રીડીંગ માટે નીતિનભાઈ ભીંગરાડીયાને પ્રેમપૂર્વક યાદ કરું છું.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠના સામાજિક પ્રદાનને મૂલવવામાં આ પુસ્તિકાઓ શિક્ષણ, ગ્રામપુનરુત્થાન અને નરવા સમાજજીવનમાં રસ લેનારા સૌને ગમશે એવી આશા છે.

– જયાબેન શાહ

લોકભારતીનાં મૅનેજિંગ ટ્રસ્ટી; પૂર્વ અધ્યક્ષ – ખાદીગ્રામોદ્યોગ બોર્ડ.

 

One comment

  1. ગ્રામદક્ષિણામૂર્તિ અને લોકભારતીના ગ્રામપ્રદેશ અને પછાત સમાજની પુનર્રચના સાથે સંકળાયેલાં કેટલાંક ભાઈ-બહેનોની આ અનુભવકથાઓ છે. આમાંનાં કેટલાંક ખેતી, સહકાર, પંચાયત, શિક્ષણ, ગોપાલન સાથે સંકળાયેલા છે, સરકારી અમલદારો છે, ધારાસભ્યો છે, જેલ સુપરિન્ટેન્ડેન્ટ પણ છે
    પ્રેરણાદાયી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *