દુંદાળા દેવ ગણપતિ !

Posted by

     

ઓરડા લીંપાવો, ઓશરિયું લીંપાવો,

પરથમ ગણેશર પધરાવો રે –

મારા ગણેશર દુંદાળા.

પૃથ્વી ફરતે ફરવાને બદલે  માતા પાર્વતીને જ ફરતા સાત આંટા મારીને જેમણે ભાઈ કાર્તિકને હરાવી દીધા એ તો ખરું જ પરંતુ એને કારણે “બધા જ શુભ પ્રસંગોમાં તારી પુજા પહેલી થશે” એવું વરદાન પણ મેળવી લીધું એવા ગણપતિને કોણ નથી ઓળખતું ?

પણ આજકાલ આ જગતમાં ભગવાનના નામમાત્રથી ભડકી જનારા લોકોનો એક વર્ગ ઉભો થયો છે. જોકે ભગવાનની વીભાવના સામેનો જંગ તો સદીઓ જુનો છે. પણ હવે જે જંગ જામ્યો છે તેમાં વીજ્ઞાનને આગળ કરીને ભગવાનને દેશવટો આપવાની ઝુંબેશ ચાલે છે.

એવામાં મારા જેવા આમ ભગવાનરુપ દેવોની વાત માંડવા બેસે તો શી દશા થાય તે સમજી શકાય તેવું છે. ને છતાં આ જ શીર્ષક નીચે મારે મારી કલ્પનાના, મારી વીભાવના મુજબના એક દેવને અહીં બેસાડવા છે !! મારા વાચકોને વીનંતી કે દેવો અંગેની મારી આ ભક્તીને ન્યાય આપવા પ્રયત્ન કરે…..

*****   *****   *****

આ એક એવા દેવ છે, જેમની મુર્તી કે ચીત્ર કલાકારો મનફાવે તેમ બનાવી શકે છે ! ગણપતીદાદા પાંદડાંને ગોઠવીનેય બનાવાયા હોય ને શાકભાજીમાંથી પણ બનાવાયા હોય !  અક્ષરોને ગોઠવીનેય ગણપતીજીને પ્રગટ કરી શકાય. અરે, ક્યારેક આદુંના ગાંઠીયામાં સુંઢ જેવો આકાર દેખાતો હોય તો એનેય ગણપતી બનાવી શકાય ! ભોળા ભગવાન એવા શંકરના આ પુત્રને ગમે તે રીતે દર્શાવો, ને ભક્તી કરો ને….દાદો તો સૌને આશીર્વાદ દેવાના જ !

પણ વાત આટલેથી અટકતી હોય તો તો ઘણી ખમ્મા, પણ ગણેશ પરમેશરને કોઈ પણ ધંધાની શરુઆતમાં, ધંધા પર બેસતાં દીવસના આરંભે એમને યાદ કરીને લાભ–શુભ મેળવી લેવાનો લોભ સર્વસામાન્ય ને સર્વમાન્ય ગણાય ! પણ મજાની વાત તો એ છે કે, ચોર ચોરી કરવા જાય ત્યારે પણ પહેલાં ગણપતીને સમરવાનું ભુલે નહીં !! પણ આનાથીય એક વાત તો એવી છે કે બાત મત પુછો !

પહેલાના જમાનામાં ગામ કે નાના કસબાઓમાં મકાનો માટીનાં હતાં. દીવાલો માટીની જ હોય. ચોર ચોરી કરવા જાય ત્યારે બારણું તોડવાની એને જરુર જ નહીં….સીધું દીવાલમાં જ મોટું ફાંકું – ભગદળ પાડીને ચોર ઘરમાં ઘુસે…આ ફાંકું પાડવાનું સાધન ત્રીશુળનો એક પાંખીયો કાઢી નાખ્યો હોય તેવું – કહો કે દ્વીશુળ – હોય છે. છોકરાવના કંપાસબોક્સમાં વર્તુળ દોરવા માટેનું પરીકર જે કામ કરે તે કામ આ દ્વીશુળ દ્વારા થાય ! માણસ જઈ શકે તેવડું બાકોરું એનાથી પડે…..હવે આ સાધનનું નામ જાણીને કદાચ આંચકો લાગે તો નવૈ નૈં ! પણ શું કરીએ, નામ જ એવું છે બોલો – ગણેશીયો !!! (એને ખાતરીયું – ખાતર પાડવાનું સાધન – પણ કહે છે.)…બોલો, ચોરી કરવાના સાધનમાંય ગણેશ પરમેશર બીરાજે.

પણ મારે તો વાત કરવી છે મારા દેવોમાંના પરથમ પે’લા સમરાતા દેવ ગણેશજીની !

આપણા દેશમાં સદીઓ પહેલાં ગણરાજ્યો હતાં. આ રાજ્યવ્યવસ્થા બહુ સફળ થયેલી. એની વાત ‘દર્શક’ની ઉત્તમ નવલકથા ‘દીપનિર્વાણ’માં છે. આપણા દેશમાં આવી ઉત્તમ સફળ રાજવ્યવસ્થા કદાચ પછી નથી આવી. આ ગણ એટલે સમુહ. ગણ એટલે કુટુંબ, ટોળી, સમાજ કે રાજ્ય.

આ સમુહનો, ગણોનો વડો એટલે ગણપતી ! લોકશાહી ગમે તેટલી સારી કેમ ન ગણાઈ હોય પણ જ્યાં સુધી એનાથી સારી બીજી વ્યવસ્થા ન આવે ત્યાં સુધી જ લોકશાહી સારી ગણાય !! આજે લોકશાહીની શું દશા છે તે કયાં અજાણી છે ! લોકશાહીમાં ગણ–પતી કોઈનો બેસાડેલો હોય છે. કોઈના દ્વારા ઉપકૃત થયેલો ગણપતી તે હોય છે. એનું પતીત્વ કોઈને ગીરવી રખાયા જેવું જ જાણે કે હોય છે.

ગણરાજ્યોમાં સાવ આવું નહોતું.

મારા ગણપતીદાદો એક ઉત્તમ નાયક છે. ઉત્તમ વડા છે. ગણપતીનાં લક્ષણો બતાવવાં કે યાદ રખાવવાં ન પડે તે માટે એમનું શરીર જ એવું પ્રતીકાત્મક છે કે સૌને ખબર પડી જ જાય….. મોટું સમદર પેટ; મોટા, સૌની વાત સાંભળી શકે તેવા કાન; ઝીણામા ઝીણી વીગતો જાણવા તત્પર એવી આંખો, બહુ રખડવાનો, દુનીયામાં પ્રજાના પૈસે ફરવાનો જેમને શોખ નથી એવા અદોદળા શરીરી આ દાદો, લગભગ બેઠાડું વ્યક્તીત્વ ધરાવે છે…..(એમની ચપળતા અલબત્ત ઓછી નથી તે યાદ અપાવવાની ભાગ્યે જ જરુર છે !!) એમનું વાહન પણ દાદાને પ્રજાની સુખાકારી માટે બધે જ લઈ જઈ તેવું…..અને નાક ? હાથીના નાકથી મોટું નાક (આબરુ) તો બીજા કોનું હોઈ શકે ? આવા આ ગણનાયકનું નાક, એમની પ્રતીષ્ઠાનું કેવું સચોટ દર્શન કરાવે છે !

આ દેશના અત્યંત ઉંચી કોટીના શીક્ષકોએ – જેને સૌ ઋષી કહે છે – આ દેશની પ્રજાને શીરાની જેમ ગળે ઉતરી જાય એવી વાર્તારુપે, પ્રતીકાત્મક ભાષા અને શૈલીમાં આ બધું સમજાવ્યું છે. નહીંતર ગણપતીજીના જન્મની ને એવી બધી વાતોમાં ક્યાંય ઠેકાણું દેખાતું નથી. હાથીનું મસ્તક બાળકને કઈ રીતે ચોટે ?! એની સાઈઝનો ફેર જ ખોટો પડે. (જોકે આપણા હરખપદુડા આગેવાનો દુનીયામાં જઈને કહેતા ફરતા હોય છે કે અમારે ત્યાં હજારો વરસ પહેલાં સર્જરી હતી !)

 

ગણોના નાયક એવા દેવને માટે ગણેશજીનું સ્વરુપ એ રીતે જોઈશું તો તે સ્વરુપ, જગતની સમાજ–રાજ્યવ્યવસ્થા માટેના આદર્શ નાયક, બહુમુખી પ્રતીભા ધરાવતા દેવરુપે આપણી સમક્ષ મુકાયું છે ત્યારે એ મુર્તીને કોઈ વૈજ્ઞાનીક ધોરણોથી માપવાને બદલે ઉપરોક્ત ભાવનાથી સમજીએ તો મને નથી લાગતું કે આ જમાનાને પણ કોઈ વાંધો હોય !!

એમની એક પૌરાણીક વાત પણ યાદ કરીને અચ્યુતમ્ કરીએ.

વેદવ્યાસને મહાભારત લખવાની પ્રેરણા થઈ ત્યારે થાકી જવાય એટલો મોટો ગ્રંથ શી રીતે લખાશે, એની ચીંતા થઈ ત્યારે ગણપતીજી સાંભર્યા હતા. ઘેરબેઠાં, બેઠાંબેઠાં કામ થતું’તું એટલે વાંધોય નહોતો ! એટલે એમણે હા પાડી દીધી…. પણ શરતેય રાખેલી કે હું વચ્ચે રીસેસ નહીં લઉં ! ક્યાંય અટકવાનું થશે તો કોન્ટ્રાક્ટ કૅન્સલ ! વ્યાસજી પણ ચતુર હતા….આવડો મોટો ગ્રંથ એટલે કથા, પાત્રો, પ્રસંગો, સંવાદો, કાવ્યનાં નાજુક ને નમણાં તત્ત્વો વગેરેને જાળવવાનાં હતાં, ઉપરાંત ઉપદેશ – હેતુપુર્તી વગેરેને ખ્યાલમાં રાખવાનાં હતાં ! એટલે એમણેય દાદા પાસે વીનંતીભરી શરત મુકેલી કે હું જે બોલું એ બધું આપે સમજીકારવીને જ લખવાનું ! લહીયાની જેમ ઢસડી મારવાનું નહીં !

અને જુઓ, આ બન્ને મહાનુભાવોના દૈવી પ્રયત્નોએ ભારતને “મહા–ભારત” એવો મહાગ્રંથ મળ્યો. આ મહાકાવ્યમાં વેદવ્યાસજીની પ્રતીભા અને ગણેશજીની અલૌકીક વીવેચના શક્તી જોવા મળે છે જેણે હજારો વરસ સુધી લોકોને અંદરુની તાકાત અને કેટલીય બાહ્ય વ્યવસ્થાઓ આપી છે !

તો, વાચકમીત્રો, સૌને શ્રી ગણેશ !!

 

One comment

  1. પશ્ચિમના દેશોમાં સમાજના સ્તરે એમણે ધર્મને વ્યક્તિગત બનાવી દીધો આથી ન કેવળ વિકાસ થયો વિજ્ઞાન પણ વિકસ્યું. ગાંધીજી લંડનમાં જાય છે, ત્યારે ત્યાં મૅડમ બ્લેવેેટ્સ્કીની થિયોસૉફીની મોટી મૂવમેન્ટ ચાલતી હતી. ત્યાં ગાંધીને અવારનવાર પૂછવામાં આવતું કે આટલા બધા ઈશ્વર તમારી પાસે ? એમની પાસે કોઈ જાતનો જવાબ ન હતો. અને એમણે એમની આત્મકથામાં લખ્યું છે કે હિંદુધર્મ વિશે સામાન્ય માણસ, સામાન્ય હિંદુ જે થોડું ઘણું બા-બાપુજી પાસેથી મેળવતો હોય છે, એ સિવાય મારી પાસે બીજું કંઈ હતું નહીં. વળી અમર્ત્ય સેન એમના પુસ્તક Identity and Violenceમાં સરસ સમજાવે છે. એક વ્યક્તિની એક જ આઇડેન્ન્ટિટી નથી હોતી. ધર્મની આઇડેન્ટિટી સૌથી મોટા ગ્રુપની હોવાથી એ સહેલાઈથી બીજી આઇડેન્ટિટિઓને દબાવી દે છે. આપણાં લોકોને પોતાના સ્થાપિત હિતો પોષવા માટે અગડંમ બગડંમ સમજાવી પોતાનો સ્વાર્થ સાધી રહ્યા છે.આપણા લોકો હંમેશા સ્થૂળ રીતે જ દરેક કહેવાતી ધાર્મિક પ્રવૃતિ કરતા રહે છે અને આવા લોકોના બાહ્યાચારો જ સમગ્ર સમાજને અવળે રસ્તે દોર્યા કરે છે. એટલું જ નહિ કહેવાતા સાધુ-સંતો પણ પોતાના સ્થાપિત હિતો આજ પધ્ધ્તિ અપનાવી પોષે છે અને આપણા દેશનો મોટા ભાગનો સમાજ અબુધ અજ્ઞાન અને અંધશ્રધ્ધાળુ હોય આવં બધું ચાલ્યા કરે છે
    આપે ખૂબ મહત્વની આ વાત- સ્વરુપ, ‘જગતની સમાજ–રાજ્યવ્યવસ્થા માટેના આદર્શ નાયક, બહુમુખી પ્રતીભા ધરાવતા દેવરુપે આપણી સમક્ષ મુકાયું છે ત્યારે એ મુર્તીને કોઈ વૈજ્ઞાનીક ધોરણોથી માપવાને બદલે ઉપરોક્ત ભાવનાથી સમજીએ તો મને નથી લાગતું કે આ જમાનાને પણ કોઈ વાંધો હોય !!’
    સાચી વાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *