છંદો શીખવા છે ? (NET-પીંગળ : 1)

Posted by

—જુગલકીશોર.

પ્રાસ્તાવીક : કવીતામાં લયનું બહુ મહત્ત્વ છે. લય એ પદ્યનું અનીવાર્ય અંગ છે. એટલું જ નહીં, લય તો ગદ્યની પણ શોભા છે ! લય વાણી સાથે અવીનાભાવી સંબંધે જોડાયેલો છે.

છંદશાસ્ત્ર આ લયના  નીયતરૂપ દ્વારા એક વ્યવસ્થા ઉભી થતી હોવાનું કહે છે. આપણા છંદશાસ્ત્રને પીંગળશાસ્ત્ર કહ્યું છે, કારણ કે તેનો આરંભ પિંગળમુની દ્વારા થયો હતો.  એમણે જ સૌથી પહેલાં છંદોની શાસ્ત્રીય છણાવટ કરી હતી. ‘ પિંગળ’ શબ્દને આ રીતે પણ ઓળખવામાં આવે છે : પિં=પિંડ ; ગ=ગુરુ અને લ=લઘુ.

ઉમાશંકર જોશીએ કહ્યું છે તેમ કાવ્ય એ કાનની કળા છે. એ ફક્ત વાંચવાનો વીષય નથી.’ધ્વની’ એ કાવ્યની અંદર રહેલા સુક્ષ્મ અર્થને સમજાવવા માટે પ્રયોજાતો શબ્દ છે.કાવ્યની અંદર રહેલો છુપો અર્થ પ્રગટે એને પણ ધ્વનીત થયો ગણાય છે.આ ધ્વનીત થતો અર્થ જ રસમાં રુપાંતરીત થઈને “બ્રહ્મસ્વાદસહોદર” કે “વિગલિતવેદ્યાંતર” આનંદ આપી જાય છે.

પરંતુ કાવ્યના પઠન દ્વારા કાનને જે મધુર અનુભવ થાય છે તે કાવ્યના શબ્દોની પસંદગી,એનો લય વગેરે દ્વારા થતા બાહ્ય ધ્વનીને કારણે હોઈ પઠન કાવ્યની મધુરતા વધારનારું બની રહે છે.એક જ કવીતાની પંક્તી-પંક્તીએ અલગ અલગ લયનો અનુભવ પણ થતો હોય છે ! એને પામી કે ઓળખી શકાય તો કવીતાને આપણે સાચા અર્થમાં ઓળખવાનો આરંભ કર્યો ગણાય !

કવીના મનમાં ઉભરતો ભાવ જ્યારે અવતરવા મથે છે ત્યારે જ એ કોઈ લયને પસંદ કરી લે છે.કવીની અનુભુતી અભીક્યક્ત થવા પ્રવૃત્ત હોય છે ત્યારે જ એ ભાવને અનુરુપ છંદની શોધ અને પસંદગી કરી લે છે ! (છંદમાં ન હોય તેવા કાવ્યમાં પણ લય તો હોય જ છે,જે કાવ્યના સર્જનની સાથે પ્રગટતી ઘટના છે)એટલે સીદ્ધ કવીને છંદ કદી બંધનરુપ લાગતો નથી.(જોકે કાવ્યના સર્જનમાં પીંગળના છંદો અનીવાર્ય ગણાતા નથી.કાવ્યનો પોતાનો લય એ જ એનો છંદ.) આપણે 200 ફુટના રસ્તા ઉપર પણ વ્યવસ્થીત ચાલી શકતા નથી જ્યારે બજાણીયો તો દોઢ ઈંચના દોરડા ઉપર કેટકેટલી લીલાઓ કરેછે !
કવીને પણ એ જ રીતે છંદનાં બંધનો શબ્દલીલા કરવા માટે નડતર બનતાં નથી.છંદની નીયત થયેલી વ્યવસ્થામાં પણ તે ભાવ અને અર્થની લીલાઓ જગાવી જાણે છે,બલ્કે વધુ નીખરી ઉઠે છે.

છંદ :   કાવ્યની પંક્તીમાં શબ્દોની પસંદગી જેમ એક વીશીષ્ટ લય આપે છે તેમ નીયત થયેલા છંદોની વ્યવસ્થા પણ આપોઆપ વીશેષ લયને જન્માવે છે.( એ શબ્દોની ગુંથણીમાંથી કવીતાનો વીશેષ ભાવ-કે વીચાર પણ-પ્રગટાવવો એ કવીતાનું મહત્ત્વનું પાસું છે પણ એનો વીચાર અહીં અપ્રસ્તુત છે.)

જેમ વાક્યનું એકમ પદ/શબ્દ છે તેમ શબ્દનું એકમ (આમ તો સાક્ષાત્ વાણીનું પણ ! )અક્ષર ગણી શકાય. સ્વરની મદદથી અથવા કહો કે સ્વરના જોડાણથી જ વ્યંજનનું ઉચ્ચારણ કરી શકાય છે.આવા સ્વરયુક્ત વ્યંજનનો એક એકમ તે અક્ષર કે શ્રૃતી..છંદોમાં આ શ્રૃતીનું માપ કે એની લંબાઈને ગણતરીમાં લેવામાં આવે છે.જલદી ઉચ્ચારાતા અક્ષરોને લઘુ અને લાંબો ઉચ્ચાર માગતા અક્ષરોને ગુરુ કહેવાય છે.દા.ત.અ અને આ; ક અને કો; સ અને સ: આ બંને ઉચ્ચારોના ભેદને લઘુ અને ગુરુ શબ્દથી ઓળખાય છે. બારાક્ષરીમાંના અ, હ્રસ્વ ઇ; હ્રસ્વ ઉ;કોમળ અનુસ્વાર અને ઋ (જે હવે ઉપયોગમાં લગભગ નથી) એટલા અક્ષરો લઘુ છે.જેની માત્રા એક ગણાય છે.બાકીના આ;દીર્ઘ ઈ;દીર્ઘ ઊ; એ;ઐ;ઓ;ઔ;અં અને અ: આ બધા અક્ષરો ગુરુ ગણાય છે.અને તેની માત્રા બે ગણાય છે.લઘુ અક્ષરને જો કાવ્યમાં લંબાવીને ઉચ્ચારવો પડે કે એને ગુરુ અક્ષરની જગ્યા પર યોજવામાં આવે કે ગુરુ અક્ષરને લઘુ તરીકે યોજવામાં આવે અને એક માત્રાના સમયગાળામાં ઉચ્ચારી દેવામાં આવે ત્યારે એને છંદનો ભંગ થયો કહેવાય છે. આપણે જાણીએ છીએ કે હીન્દી મુશાયરાઓમાં કવીઓ લઘુ શ્રૃતીઓને કારણ વગર લંબાવી લંબાવીને રજુ કરે છે ત્યારે કાનને તે જચતું જ નથી.આવા છંદભંગો કાવ્યના સૌંદર્યને પારાવાર નુકસાન પહોંચાડે છે.

જોકે હ્રસ્વ ઇ અને હ્રસ્વ ઉ ને કવીઓ ઘણીવાર ગુરુ તરીકે પ્રયોજીને છંદને સાચવવા કરે છે કે પછી દીર્ઘ ઈ તથા દીર્ઘ ઊને લઘુ તરીકે પ્રયોજતા જોવા મળે છે.પરંતુ એકંદરે આ છુટછાટ સહ્ય ગણાય તેવી હોય છે અને કવીને તે મળતી રહી છે.ઉપરાંત બે એક સ્થાનો એવાં પણ છે કે જ્યાં લઘુ અક્ષર આપોઆપ ગુરુ બની જતો હોય! ખાસ કરીને જોડાક્ષરની આગળનો અક્ષર લઘુ હોય તો પણ ગુરુ  જ ગણાય છે.જેમ કે ‘પર્ણ’ માં પ લઘુ હોવા છતાં પછીના જોડાક્ષરના થડકારાને લીધે તે પ દીર્ઘ બની જાય છે. શક્તિનો શ ; ભસ્મનો ભ ; રક્ષાનો ર વગેરે લઘુ હોવા છતાં જોડાક્ષરના થડકારાને લીધે ગુરુ ઉચ્ચાર માગી લે છે. બીજો પણ એક નીયમ એ છે કે પંક્તી કે ચરણ પુરું થાય ત્યારે છેલ્લો અક્ષર પણ લઘુ હોય તો ય ગુરુ જ ગણાય છે ! ( એક પંક્તી પુરી કરીને બીજી પંક્તી પર જતાં જે સમય લાગે છે તેને લીધે છેલ્લો અક્ષર આપોઆપ લંબાઈ જઈને ગુરુતા ધારણ કરી લે છે.)

છંદમાં દરેક અક્ષરનું નીશ્ચીત સ્થાન હોય છે.જ્યાં લઘુનું સ્થાન હોય ત્યાં જ તે આવી શકે; બીજી રીતે કહીએ તો ત્યાં  તે  જ ચાલી શકે, ગુરુ નહીં.છંદોમાં અક્ષરોના નીશ્ચીત સ્થાનને સમજવા માટે છંદોનું બંધારણ સમજવું જરુરી છે અને એ માટે ગણોની ઓળખ મેળવી લેવી જરુરી છે. એ બહુ જ સહેલું અને રસ પડે એવું, મઝાનું છે. પણ તે હવે પછીના હપ્તે !

 

 

One comment

  1. જીવનમા લયનુ ખાસ મહત્વ છે
    મંત્રો પણ લયમા ગવાય ત્યારે પ્રસન્નતા અનુભવાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *