કાવ્ય–પદારથ અંગે અલપઝલપ !

Posted by

– જુગલકીશોર

પંદર લીટરના તેલના ડબ્બામાંનું તેલ, બીજા કોઈ પહોળા મોઢાના વાસણમાં રેડાતું હોય ત્યારે તેલની જે ધાર થાય છે તે જોઈને કાવ્યનો લય સાંભરી આવે ! તેલની ધાર જેવો લય કાવ્યમાં હોય ત્યારે એને માણવાની મજા ઓર હોય છે. એ જ ધાર સહેજ ઉંચેથી રેડવામાં આવે ત્યારે તેમાં કેટલાક વળાંકો દેખાય છે. કાવ્યમાંનો વક્રોક્તી ગુણ મારા જેવાને તેમાં દેખાય તો તે સાવ નાખી દીધાની વાત નથી !

વક્રોક્તીને કાવ્યનો આત્મા કહેવાયો હતો. વક્રોક્તી એટલે તીરછી કે કાંક બાંકી રીતી ! સાવ સીધેસીધું કહેવાય તો શી મજા ?! કૃષ્ણને બાંકે બીહારી કહ્યા તે એમની ત્રીભંગી મુદ્રાને કારણે ! વાંસળી વગાડતા કૃષ્ણ તાડના ઝાડની જેમ ઉભા રહીને જ વગાડતા હોત જો વાંસળી તો તો પછી થૈ જ રહ્યું !! આંટી મારેલા પગ પછી કેડનેય વળાંક આપીને પાછી ડોકનેય વાંકડો આપીને ઉભેલો વાંસળીવાળો કહાન જ બાંકે બીહારી કહેવાય ભાઈ !!

કાવ્યમાં કશું ક એમ જ વક્રતાથી મુકાયલું હોય તો જ કાવ્ય જરા હટકે લાગે ! આ હટકેવાળું એ જ વક્રોક્તી એમ કહી શકાય.

ક્યારેક આકાશેથી મેઘો ધોધમાર વરસતો હોય ત્યારે કોઈ ચારણી છંદમાં લલકારી રહ્યું હોય એવું લાગે. ને ઝરમર ઝરમર વરસતા વર્ષાજલનાં છાંટણાંની સાથે જ જો પવનની લહેરખીય ભેગી વાતી હોય તો ઉર્મીકાવ્ય–શો સ્પર્શ ન થાય તો જ નવાઈ. ઉમાશંકરભાઈએ કહ્યું ’તું કે “કવિતા તો કાનની કળા છે !” તે વાત આ કર્ણમંજુલ વર્ષાધ્વનીને સાંભળીએ તો કેવી સાચ્ચી લાગે ?!

ઘણી વાર ગામને ચોરે બેસીને અનુભવીઓના – ઉમાશંકરભાઈએ કહેલી “સૌરાષ્ટ્રની મર્માળી ભાષા”માં કહેવાતા મરમથી ભર્યાભર્યા ટુચકાઓ સાંભળેલા તેને આજના સમયે કહું તો, એમાં હાઈકુ કે અખાના છપ્પા કે પછી કબીરની કેટલીક સાખીઓય સાંભરી આવે !!

શબ્દ, પછી તે કાવ્યમાં હોય કે પ્રકૃતીની વીશેષ રચનાઓ, જેવી કે વર્ષા, મુશળધાર વરસાદ, વાવાઝોડાં, વૃક્ષોના ભાતભાતના અવાજો, પક્ષીઓના કંઠેથી વહેતાં ગાન વગેરેમાં હોય, પણ આ બધા ‘શબ્દ’ આપણા માનવજીવનમાં ઘણી વાર કાવ્યમય બની રહેતા હોય છે. યાદ છે, નાનપણમાં ગામડે રહેતા ત્યારે ઘરે ગાય હતી; એક બકરી પણ. ગૌચરમાંથી ધણ ગામમાં આવે ને ગાય ઘરે રહેલી વાછડીને સંભળાવવા જે હમ્ભા વહેવડાવે તે ફક્ત એની વાછડી માટે જ નહીં, ઘરનાં સૌનેય માટે અનેરો કર્ણપ્રીય શબ્દ બની રહેતો !

કાવ્યને સ્પર્શ ન હોય, ગંધ ન હોય, સ્વાદ પણ ન હોય. છતાં વાચકોમાંનાં કોઈનેય જો, ક્યારેકેય, કોઈ ઉચ્ચ સાહીત્યના ભાવન વખતે આ ત્રણેય ઈન્દ્રીયોમાંની કોઈ ને કોઈ ઈન્દ્રીય સતેજ થઈ જતી અનુભવાઈ હોય તો મારી વાતને ટેકો કરજો !!

આપણા કાવ્યશાસ્ત્રમાં સમગ્ર સાહીત્યને એટલે કે ગદ્ય–પદ્ય બન્નેને ‘કાવ્ય’ શબ્દથી ઓળખાવાયું છે. આ કાવ્યનો ‘શબ્દ’ આપણી પંચેન્દ્રીયને સ્પર્શનારો હોય છે.

સર્જકની કક્ષા અનુસાર આ બધું ભાવકને પ્રાપ્ત થાય. પણ એને માટેની એક બીજી પણ શરત છે કે કાવ્યનો ખરો રસ માણવા માટે ભાવકની પણ કક્ષા હોવી જોઈએ. કાવ્ય પાસે જતાં પહેલાં કેટલીક તૈયારી હોય તે જરુરી છે ! ઉત્તમ સર્જનોને માણવા માટે પણ એક પ્રકારનું ધ્યાન ધરવાનું હોય છે. એકાગ્ર, એક ચીત્ત બનીને કાવ્ય પાસે જવું પડે છે. ઉત્તમ કાવ્યો એમ ને એમ મળી જતાં નથી. એને પામવાની પણ સાધના હોય છે. કાવ્યશાસ્ત્રમાં ભાવકનાં પણ ગુણો–લાયકાતો બતાવાયાં છે.

અલંકારો અને પ્રાસ વગેરે કાવ્યનાં બાહ્ય લક્ષણો છે તેમ ધ્વની, રસ વગેરે આંતરીક તત્ત્વો ગણાવાયાં છે. કાવ્યનો લય પણ બાહ્ય અને આંતરીક હોય છે. છંદો એ કાવ્યનો બાહ્ય લય બતાવે છે પણ શબ્દોની ગોઠવણી ઉપરાંત તેમાં ભાવક–વાચકને ખેંચી જનારો અર્થનો પણ એક લય હોય છે.

આપણે સૌ કાવ્યના આ પ્રદેશમાં વીહરતાં–વીચરતાં હોઈએ છીએ ત્યારે આ કાવ્યપદારથને સાચા અર્થમાં પામીએ એવી માતા ‘સરસતી’ને પ્રાર્થના !!

––––––––––––––––––––––––

તા. ૦૭/૦૬/૧૭

8 comments

 1. જુગલકિશોરભાઈ,
  સુંદર લેખ લખાયો છે! વાંચવાની મજા એટલે આવી કે કાવ્યાસ્વાદ હવે વધારે મીઠો લાગશે. કવિની શબ્દોની કરામતનો અને મનમાખણ પાછળનો શ્રમ વગેરે જાણી એ કૃતિ માણવાની મજા વઘી જશે! ઉત્તમ કવિઓની ઓળખ પણ મળશે! આ લેખ કાવ્યમંદિરનો પ્રસાદ બની જશે. આભાર સાથે અભિનંદન.-‘ચમન’

  1. આભાર. ભાષાની જેમ જ સાહીત્યસ્વરુપો અંગે પણ અહીં મુકાતું રહ્યું છે…..ભાષા બાબતે વાચકોમાં રસરુચી બહુ નથી…..સાહીત્ય બાબતેય જો કાંઈ કામ થાય તો તે આનંદ–સંતોષની બાબત બની રહેશે……સાભાર – જુ.

 2. वक्रोक्तिरेव वैदग्ध्यभंगीभणितिरुच्यते।
  अनौचित्यादृते नान्यत् रसभंगस्य कारणम।
  औचित्योपनिधबंधस्तु रसस्योपनिषत् परा।

  1. આભાર, દીદી. તમે પણ ક્યારેક આ બધાં સાહીત્યનાં અંગોને ગુજરાતી વાઘા પહેરાવીને સૌ સમક્ષ મુકો તો ?

 3. ” કાવ્યનો ખરો રસ માણવા માટે ભાવકની પણ કક્ષા હોવી જોઈએ. કાવ્ય પાસે જતાં પહેલાં કેટલીક તૈયારી હોય તે જરુરી છે ! ઉત્તમ સર્જનોને માણવા માટે પણ એક પ્રકારનું ધ્યાન ધરવાનું હોય છે. એકાગ્ર, એક ચીત્ત બનીને કાવ્ય પાસે જવું પડે છે. ઉત્તમ કાવ્યો એમ ને એમ મળી જતાં નથી. એને પામવાની પણ સાધના હોય છે”
     આ કેળવી શકાય તો સાચા અર્થમાં કાવ્ય સમજી અને માણી શકાય. મા સરસ્વતિ આવી ધ્યાન- સાધના કરી શકવાની શક્તિ આપે એ પ્રાર્થના.

 4. ઉત્તમ કાવ્ય​. ગદ્ય રચના જ પદ્યમય​.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *