કેળવણી અંગે મનનીય લેખ !

Posted by

– શ્રી ભરત નાનાભાઈ ભટ્ટ

 

કેળવણીના બે અવિચળ સ્તંભો

કેળવણીની બે લાક્ષણિકતાઓ અંગે કેળવણીજગત સાથે સંકળાયેલ સૌનું મન સ્પષ્ટ થઈ જવું જોઈએ. પરંતુ એ બે લાક્ષણિકતાઓને સમજવા પૂર્વે કેળવણીનો અર્થ તાજો કરી લેવો જરૂરી છે. આથી દિશા સચવાઈ રહેશે તેમજ માર્ગ નિઃસંશય બનશે.

કેળવણી એટલે વિષયશિક્ષણની સાથે સાથે જીવનશિક્ષણ પણ આપતી પ્રક્રિયા. જે વિદ્યાર્થી માટે જ્ઞાનસજ્જતા સાથે ચારિત્રસજ્જતાને જોડે તે કેળવણી. વિષયશિક્ષણ જેવી રીતે વિદ્યાર્થીને ગણિત, ભાષા, ઇતિહાસ વગેરેમાં સમૃદ્ધ કરે છે તેમ કેળવણી તેને રોજિંદા વ્યવહારમાં, ધર્મ-નીતિ-સદ્‌ગુણોના સર્વ કલ્યાણકારી માર્ગે ચાલવા સજ્જ કરે છે.

પ્રાચીનકાળમાં આપણે ત્યાં આશ્રમોમાં ઋષિમુનીઓ શિષ્યોને ભણાવતા ત્યારે તેને બે પ્રકારનાં વિશેષણ-પદવી આપતા : ૧. વિદ્યાસ્નાતક, ૨. વ્રત સ્નાતક. ઋષિઓ પોતાના આશ્રમોમાં જ્ઞાન આપવાની સાથે  સાથે શિષ્યોમાં ચારિત્રનું નિર્માણ થાય તેવો પ્રયાસ કરતા. આશ્રમમાં રહી જે શિષ્ય કેવળ વિદ્યા-વિષયમાં નિપુણ બને તે વિદ્યાસ્નાતક. તે વિદ્યા-જ્ઞાન થકી ચોખ્ખો-સ્નાત થયો ગણાય. વ્રત સ્નાતક એટલે વિદ્યા ઉપરાંત વ્રત અર્થાત્‌ નિયમ, નીતિ, ધર્મ પાળનારો. જે પોતાના શીલ થકી પણ નિર્મળ થયો છે તેવો. વાસ્તવમાં વિદ્યાસ્નાતક એટલે વિદ્યાવાન અને વ્રતસ્નાતક ચારિત્રવાન. વેદ-ઉપનિષદમાં આવતાં પાત્રોમાંથી ઉપમન્યુ એ વિદ્યાવાન ગણાય અને આરુણિ એ ચારિત્રવાન ગણાય. બંને ધૌમ્ય ઋષિના શિષ્યો. આરુણિના સંદર્ભમાં ધૌમ્ય ઋષિ કહે છે તેમ ચારિત્રવાનની વાણી જ પછી વેદ-વિદ્યા બને છે. આ રીતે ચારિત્રમાં જ પછી જ્ઞાન સમાઈ જાય છે. વિદ્યાસ્નાતક તે અપૂર્ણ સ્નાતક; વ્રત સ્નાતક તે પૂર્ણ સ્નાતક.

કેળવણીના આવા આશયોને મૂર્તિમંત તેમજ સાર્થક કરવા હોય; કેળવણીના આવા વિરલ સ્વરૂપને સાકાર કરવું હોય તો તેની બે સનાતન લાક્ષણિકતાઓને સ્વીકારવી જોઈએ, સમજવી જોઈએ, મૂર્તિમંત કરવી જોઈએ તથા સાચવવી જોઈએ. તે બે લાક્ષણિકતાઓ હવે જોઈએ.

(૧) કેળવણી સ્વયંભૂ પ્રક્રિયા છે :

કેળવણી ઘડતર તે વ્યક્તિની અંદરથી જન્મ લે છે. તે સ્વજન્મા છે, આત્મજન્મા છે. કેળ, સુરણ જેવી વનસ્પતિની માફક તે પોતે જ પોતાને જન્મ આપે છે.

ચારિત્ર, મૂલ્યનિષ્ઠા, સજ્જનતા, સુટેવ, સચ્ચાઈ, સમતા, સમજદારી વગેરે કોઈ ગુણો ઉપરથી રેડી શકાતા નથી. નદી યા ઝરણાની માફક; કૂંપળ, ફળ કે ફૂલની માફક તે અંદરથી જ ફૂટે છે – પ્રગટે છે. બનાવટી ફૂલોની માફક, કુત્રિમ છોડની માફક તેને આપણે આકાર નથી આપી શકતા. તે સ્વયંસ્ફૂટ છે અને સ્વયંકિત છે. કુંભ પણ તે છે અને કુંભકાર પણ તે છે.

આવું જ વિદ્યાર્થીના સંસ્કાર-ઘડતર-ચારિત્રનું સમજવું. જ્ઞાન તથા ચારિત્રનું વિદ્યુત જેવું છે. તેમાં જેમ ધન તથા ઋણ પ્રવાહ ભેગા થવા જોઈએ તો જ અજવાસ થાય. તેમ અહીં પણ ઉપરથી જ્ઞાન-સંસ્કાર માટે પુરુષાર્થ થાય તથા અંદરથી અભિમુખ એવી સત્ત્વશીલતા તેને સ્પર્શે-આવકારે.

ઘઉંનો છોડ તો જ ઊગે છે જો આપણે બીજને ઉપજાઉ જમીનમાં વાવ્યું હોય. ગમે તેવું ઉત્તમ બીજ સારાં જમીન-ખાતર-પાણી-માવજત વગર નજીવું પરિણામ આપે. ગુરુનાં તપ-તેજ અસાધારણ હોય તો પણ તેના ચારિત્રને ઝીલવાની ક્ષમતા શિષ્યમાં હોવી જરૂરી છે.

આમ વિચારીએ તો કેળવણી એ કૃષિકર્મ છે. પરંતુ તફાવત એ છે કે ખેડૂત નિવડેલું બીજ જ પસંદ કરી શકે છે. શિક્ષકને વિદ્યાર્થી અંગે આવો મૂળભૂત અધિકાર ન મળી શકે. ઉપરાંત માનવઘડતર માટે સારા-નબળાનું વર્ગીકરણ પણ કેળવણીમૂલ્યોથી વિરુદ્ધ છે. શિક્ષકે તો પ્રભુઆસ્થા દ્વારા માનવમાત્રની સારપમાં વિશ્વાસ રાખવાનો છે, ઉત્તમ આપવા મથ્યા રહેવાનું છે. ખરેખર તો શિક્ષક તથા ગુરુની ભૂમિકા માત્ર નિમિત્ત-માધ્યમ બનવાની જ છે અને ગણાવી જોઈએ. કેળવણીનું, કેળવણી માટે મથનારાઓનું કર્તવ્ય કેવળ વિદ્યાર્થી માટે સર્વાંગી વિકાસનાં દ્વારો ખોલી આપવાનું જ છે. તેનાં અંદર-બહારનાં વિઘ્નોને અનાવૃત કરવાનું જ છે.

જ્ઞાન, ચારિત્ર, નીતિમત્તા વગેરે જેવી ઘણી બાબતો અનુભૂતિજગતનો વિષય છે. તે સૂક્ષ્મ, અપ્રગટ અને નિર્ગુણ દુનિયા છે. તે કદી બતાવી ન શકાય. તે તો વર્તનમાં, વ્યવહારમાં, વલણમાં પ્રગટ થાય-પ્રતીત થાય. જેવી રીતે ગળપણ કે વાત્સલ્ય દર્શાવી યા દેખાડી નથી શકાતાં પણ અનુભવી શકાય છે. તેવું જ માનવીય ઉંચાઈના આ સર્વ માનદંડોનું છે. અર્થાત ચારિત્રઘડતર થયું કે નહીં તે પ્રતીત કરી શકાય, દેખાડી યા માપી ન શકાય.

આથી એ પણ સ્પષ્ટ છે કે મૂલ્યનિષ્ઠાનું નિર્માણ, ચારિત્રનું  ઘડતર, ગુણોનું સંવર્ધન વગેરેનું માપન-મૂલ્યાંકન ન હોય. એ પરીક્ષાનો પ્રશ્નોત્તરી દ્વારા ચકાસવાનો, સવાલ-જવાબ થકી મૂલવવાનો વિષય નથી. જે પોતે સૂક્ષ્મરૂપ છે, અપ્રગટરૂપ છે, ભાવરૂપ છે તેનું માપન ભૌતિક રીતિથી માપીશું તો માતાના દૂધને પ્રયોગશાળામાં  બનાવવા જેવો વ્યર્થ-નિર્જીવ આયામ તે ગણાશે. તો આપણે માનવોની જડ મૂર્તિઓ તૈયાર કરીશું અને કેળવણીનો સર્વનાશ નોતરશું.

(૨) કેળવણી એ ઉપસ્થાન પ્રક્રિયા છે :

કેળવણી અંગેની આ બીજી અનિવાર્ય શરત છે. ઉપ એટલે નજીક યા પાસે. ઉપસ્થાન અથવા ઉપસ્થિતિ એટલે નજીક હોવું, પાસે હોવું. એકબીજાની સન્મુખ હોવું જરૂરી છે. કેળવણી એ વિધેયક તેમજ દૃષ્ટિ પૂર્વકના સહવાસ દ્વારા થતી પ્રક્રિયા છે. જેવી રીતે કુંભકાર તથા કુંભનું; નવલકથાકાર તથા નવલકથાનું સ્થળકાળની દૃષ્ટિએ અભિન્ન હોવું અનિવાર્ય છે તેવી રીતે શિષ્યરૂપી કુંભનું તથા ગુરુરૂપી કુંભકારનું સન્મુખ હોવું અતિ આવશ્યક છે.

કેળવણી એ બે ચેતના વચ્ચેની એવી ચૈતસિક પ્રક્રિયા છે જેમાં તે બંને વચ્ચેનું દૂરત્વ વિઘ્નકર્તા તથા સન્મુખ હોવું વિઘ્નહર્તા છે. માતા કાંઈ પત્ર દ્વારા, ફોન મારફતે કે ઇ-મેઇલથી પોતાના સંતાનને વાત્સલ્ય મોકલી શકે ?

ચારિત્રનિર્માણનું, જીવનઘડતરનું, એટલે કે કેળવણીનું શ્રેષ્ઠ માધ્યમ પ્રેમ છે. જેવી રીતે ગુણ તેવી રીતે પ્રેમ પણ દેખાડી શકાય તેવી ચીજ નથી; તે પણ અનુભૂતિની વસ્તુ છે. આવી અનુભૂતિ કે પ્રતીતિ માટે રૂ-બ-રૂ હોવું અનિવાર્ય છે. આ બધી જીવનવિદ્યા છે, તે બધી જીવીને બતાવી શકાય, આચરણ વડે જ સમજાવી શકાય. આચરણ દ્વારા પ્રગટતા ઉદાત્ત જીવનના મર્મોને જાણવા તથા સમજવા માટે ગુરુની પાસે રહેવું પડે.

ભગવાન રામથી આરંભીને મહાત્મા ગાંધી સુધીના ઉત્કૃષ્ઠ જીવનકલાકારોના જીવનમાંથી વિદ્યાર્થી જેટલું નહીં પામી શકે તેટલું તેની સામે સરળ, સાદું, નમૂનારૂપ જીવન જીવતા શિક્ષક પાસેથી પામી શકશે. ટોલ્સટોય કે ‘કલાપી’નો પુસ્તકપ્રેમ વિદ્યાર્થી માટે એટલો પ્રેરક નહીં બને જેટલો તેના શિક્ષકનો પુસ્તકપ્રેમ! મહાપુરુષોના પ્રસંગો ન જ કહેવા તેવી વાત નથી, તેમાં જ ઇતિશ્રી ન ગણી લેવાય !

કારણ ? કારણ સ્પષ્ટ છે – હજારગણું સાંભળવાથી જે નથી સમજાતું તે હજારમાં ભાગનું જોવાથી સમજાય છે. મોટી, અંધારી ગુફામાં મશાલનાં મોટાં મોટાં ચિત્રો દોરવાથી અજવાળું નહીં થાય; ત્યાં તો નાનો પરંતુ પ્રકાશિત દીવો જોઈશે.  સારી રસોઈ ૧૦ ગ્રંથો વાંચવાથી નહીં આવડે ! તે તો માતા સાથે રસોઈ કરતાં કરતાં અંગભૂત બનશે.

વિદ્યાર્થીઓ માટેનાં, સંતાનો માટેનાં પ્રેમ, વાત્સલ્ય, હિતચિંતન, અગ્રતાક્રમ વગેરે થકી કેળવણીનો આશય સિદ્ધ થાય છે. શરત એટલી છે કે તે ભાવો અંગે કયાંય બોર્ડ મારવાની જરૂર નથી. તે ભાવો ગુરુ, શિક્ષક, વાલીના જીવનમાંથી તેમના રોજિંદા આચરણમાંથી પ્રગટવા જોઈએ.

અહીં એ બાબત પણ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે આવાં બધાં ગુણો યા વલણો એ ‘પરફોર્મિંગ આર્ટ’ (અભિનય કલા) નથી. ગુણો-વલણોમાં વાત્સલ્ય કે પ્રેમનો દેખાવ-દંભ ન ચાલે! પ્રેમાળપણાની નીતિ ન હોય; તેની તો અનુભૂતિ જ હોય.

દરદી માટેનાં ડૉકટરનાં કે નર્સનાં પ્રેમ, સદ્‌ભાવ, આત્મીયતા એ તેમનાં કાર્ય-જવાબદારી સાથે સંકળાયેલી પોલિસી છે, નીતિ છે. સારા આશયથી થતો એ ખરેખર તો અભિનય છે. તે દરદીની સારવારનો ભાગ છે, તેનું મહત્ત્વ દર્દી માટે છે. બીજી બાજુ ગુરુનો, શિક્ષકનો શિષ્ય-વિદ્યાર્થી માટેનો પ્રેમ સહજ હોય, અનુભૂતિજન્ય જ હોય. તેમાં અભિનય ન હોય,  ગુરુની ચેતનામાંથી ફૂટતો એ દુર્દમ્ય પ્રવાહ હોય. તે કેવળ શિષ્ય માટે ન હોય; તે ગુરુના પોતાના કાજે પણ હોય. કારણ કે ગુરુ ઇચ્છે કે ન ઇચ્છે તેનાથી શિષ્યને પ્રેમ કર્યા વગર રહેવાય જ નહીં. આ રીતે વત્સલ ગુરુ કે શિક્ષક એ ખેડૂત કે ડૉકટરસમ નથી, તે પિતા કે માતાસમ છે.

માતાનું વાત્સલ્ય જેમ કેવળ સંતાનને જ પ્રસન્ન નથી કરતું, તે ખુદ માતાને પણ પ્રસન્નતા અર્પે છે. ગુરુનો શિષ્યપ્રેમ પણ આવો હોય છે. જે ગુરુ યા શિક્ષકમાં શિષ્ય-વિદ્યાર્થી માટે આવો ઉત્કટ, સ્વયં સ્ફૂરિત પ્રેમભાવ  હશે તેનાં પ્રેમ તથા આચરણમાં સર્વનું કલ્યાણ જ હશે.

કેળવણીની સંસ્થાઓએ, શિક્ષકોએ પોતાના ચિત્તમાં કોતરી લેવું કે વિદ્યાર્થી સારો ઘડાયો કે કેળવાયો છે તો તેનો સૌથી પહેલો તથા સૌથી વધુ યશ વિદ્યાર્થીને જ જાય છે. નિમિત બનવા સિવાયની કશી જ વિશેષ ભૂમિકા ન હોવાની નમ્રતા તથા આસ્થા સંસ્થામાં, શિક્ષકમાં હોવી જોઈએ.

બીજું કે જે કાંઈ તેના ઘડતર માટે, સર્વના કલ્યાણ માટે તેને આપવાનો આપણો પુરુષાર્થ તેમ જ હેતુ છે તે આપણા પોતાનામાં સવાયું હોવું અનિવાર્ય છે. આથી શક્ય તેટલું આચરણથી જ શીખવો, જીવન દ્વારા જ શીખવો. તેના સંપર્કમાં રહો, તેની નિકટ રહો, તેની સાથે રહો તેમજ સ્વયં પારદર્શક બનો. અને હા, આ સર્વ દ્વારા વિદ્યાર્થીનું જેટલું ઘડતર તથા કલ્યાણ થશે તેનાથી સવાયું આપણું થશે તેમ ચોક્કસ માનવું.

પરિવર્તન એ જીવનનું બીજું નામ છે, છતાં કેળવણીના આ બે સ્તંભો વૈદિકકાળથી ગાંધીયુગ સુધી અચળ રહ્યા છે. સરસ્વતી માતાના ચરણે બેસીને એમ કહેવાનું મન થાય છે કે અનાગતના વૈદિકયુગ કે ગાંધીયુગ સુધી તે અચળ રહેશે.

કેળવણી એ જ ચરિતાર્થ કરી શકશે જેને કેળવણીનું કામ કર્યા વગર ચેન નહીં પડે ! તથા જેને પોતાના આ કાર્યનું અન્ય કોઈ ભૌતિક વળતર સ્વપ્નમાં પણ નહીં સાંભરે !

(સૌજન્ય : કોડિયું, સપ્ટે. ૨૦૧૩)

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

મંદાર’, ૩૬/૧, બીમાનગર, સેટેલાઇટ રોડ, અમદાવાદ. ફોન : ૦૭૯ ૨૬૭૩૩૦૬૭

 

2 comments

  1. ‘કેળવણી એ જ ચરિતાર્થ કરી શકશે જેને કેળવણીનું કામ કર્યા વગર ચેન નહીં પડે ! તથા જેને પોતાના આ કાર્યનું અન્ય કોઈ ભૌતિક વળતર સ્વપ્નમાં પણ નહીં સાંભરે !’આદર્શ વિચાર.અમલ દુષ્કર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *