મિહિર નામે એક જણ –

Posted by

આજે એક અલગારીની રખડપટ્ટી અને આખરે તેણે પોતાને ગંતવ્યે પહોંચીને આદરેલી કામગીરી – એ બન્નેની વાત એક સાથે મુકી રહયો છું. મિહિર પાઠક એનું નામ. નાનપણથી જ એને શીક્ષણક્ષેત્રે કશુંક નવું કરવાની ધખના. ફોર્મલ એજ્યુકેશનમાં શક્ય તેટલા ફેરફારો કરીને ઘણે અંશે બુનીયાદીને મળતું આવે એવું માળખું ઉભું કરીને એમાં પ્રાણ રેડી દેવાની ઝંખના. આ માટે પોતાનું લગભગ સર્વસ્વ છોડવાની તૈયારી ! માતાપીતાનો તો સ્વાભાવીક જ રાજીપો ન હોય છતાં સૌને પોતાની વાત સમજાવતાં સમજાવતાં એક માર્ગ પકડ્યો છે. આરંભમાં જ મેં એમને શક્ય અંધારાંની વાત કરીને બીવડાવ્યો પણ હતો. પણ ‘મિહિર’ને તો પ્રકાશવાનું જ હોય; અંધારાની બીક એને ન હોય…..એના તરફથી મળતા રહેતા સંદેશાઓને આધારે મેં એને લખેલું :

“છેવટે તમે ધાર્યું કર્યું ! ખબર નથી કે તમારા માતાપીતાના સંદર્ભે મારી વાત કેવી ગણાય પરંતુ તમારું કામ બે રીતે મહત્ત્વનું છે. એક તો આ બુનીયાદીને મળતી પદ્ધતી નવેસરથી અપનાવવા-પ્રચારવા જેવી છે અને બીજું કે તમે કુટુંબનો વીરોધ છતાં કામ હાથ પર લીધું છે. આ બન્ને બાબતોને કારણે તમારી પીઠ (અંદરખાને મારો પણ વીરોધ, તમારા કુટુંબના સંદર્ભે હોવા છતાં) થપથપાવવી જોઇએ…..

શ્રી દર્શકે પણ કુટુંબને એમની જરુર હતી ત્યારે જ ચળવળમાં ભાગ લેવાનું કરેલું ને વિવેકાનંદનું પણ એમ જ થયેલું.

તમારા કાર્યને ટેકો આપવા ઉપરાંત ત્યાંનાં બાળકોને ધન્યવાદ અને ગામના વહીવટકારોનો આભાર પણ માનું છું. તમને ખુબ ખુબ અભીનંદન. હું તમારું આ નાનકડું લખાણ બ્લૉગ ઉપર મુકીશ.”

એમનો જવાબ આવેલો. એ પોતાના નીર્ણયે મક્કમ.

આજે અહીં એમનો પોતાનો, એમણે જ આપેલો પરીચય કે જે સહૃદયીઓને સંબોધીને છે તે મુકવાનો આનંદ છે…..તો બીજી એક લેખ–કડી તેમના વીચારો દર્શાવે છે.

બન્નેને મારા વાચકો માણે ને નાણે ને સાથે સાથે મિહિરને શક્ય તે તે રીતે પ્રમાણે તે લોભે રજુ કરું છું. આશા છે કે સૌને ટીપ્પણી દ્વારા ને સીધા જ એમનો સંપર્ક કરીને આ કાર્યને મુલવવા ઈચ્છા જાગશે. – જુ.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

કેમ છો મિત્રો ?

કોઈ આજે 9થી 5ની નોકરીમાંથી એક દિવસની શાંતિ મેળવીને આરામ ફર્માવતા હશે, કોઈ પોતાના ફેમેલી સાથે તો કોઈ મિત્રો સાથે ‘વીકએન્ડ’ ગાળવા કોઈ હિલસ્ટેશન કે રિસોર્ટ માં હશે, કેટલાક નસીબદાર લોકો તો આજે પણ ઓફીસનું કામ કરતા હશે 🙂 અને હા, કોઈક મારા જેવા પણ હશે જે સાવ અલગ દુનિયામાં રજા, વિકેન્ડ, ફેમેલી, પ્રમોશન, રાશન, સંબધો, જવાબદારીઓ, દુનિયાદારીથી ખુબ દૂર… અલબત્ત અનોખા રસ, સમર્પણ અને કમિટમેન્ટ સાથે બેઠા હશે.

હું અહીંયા ધરમપુરના ડુંગરોમાં આદિવાસી બાળકો સાથે કામ કરું છું. અહીંયાં હું 6થી 8 વર્ષનાં બાળકો કઇ રીતના શીખે છે તે એક્સપ્લોર કરી રહ્યો છું. અહીંયાં પહેલા ધોરણનો કલાસ એટલે કોઈ “ચલ બેસી જા”, “એકડા લખી કાઢ”, “કક્કો ઘૂંટી કાઢ” એવું નહીં. બાળકની ઉંમર પ્રમાણે તેના શારીરિક, બૌધિક, ઈમોશનલ વિકાસની તરેહ પ્રમાણેની પ્રવૃત્તિઓ અહીં છે, જેમાં બાળકને સ્વતંત્રતા, પ્રેમ, હુંફ, પ્રોત્સાહન આપવામાં આવે છે. ભાષા અને ગણિત શીખવવા માટે સંશોધિત પદ્ધતિઓ વાપરવામાં આવે છે. અહીં બાળકો શિક્ષકના ખભે ચઢી જાય, સાથે ગીતો ગાય, વાર્તાઓ થાય, તળાવવમાં નાહવા પણ જાય અને તારા જોવાય તે..

મિત્રો હું કોલેજ છોડીને, મારા મમ્મી – પપ્પાનું દિલ દુભાવીને આ જંગલમાં રહેવા આવ્યો છું. જ્યાં કોઈક વાર લાઈટ ન હોય, પાણીની તકલીફ તો કોઈ વાર સાપ – વીંછી. અહીં આવ્યો ત્યારે છ મહિના સુધી તો પપ્પા વાત જ ન કરે 🙁

અહીંયાં બધા શિક્ષકો પણ આવી નવી પદ્ધતિને સહકાર ન આપે. બાળકો ક્લાસમાં દોડતાં હોય, કૂદતાં હોય એ આ જૂનવાણી શિક્ષકોને ક્યાંથી ગમે ? અને આ જુવાનિયાની મજાક ઉડાડવાની તો મજા પણ પડે.

મિત્રો, હું અત્યારે એવા સ્ટેજ પર છું કે તમારા બધા પ્રેમની ખૂબ જરૂર છે. મને અને મારા કામને સમજી શકે એવા ખૂબ ઓછા લોકો છે. મારે એવી કોમ્યુનિટીની જરૂર છે જે જજ ન કરે. મારી વાત સાંભળે. તેઓ મારા ઇમોશનને અને હું તેમના ઇમોશનને સમજુ. સાથે મળી ‘અંદરની ખોજ યાત્રા’ માં આગળ વધીએ..

ભલે તમે શિક્ષણ કે બાળકો સાથે સંકળાયેલા ન હોવ, ભલે તમે મને મળ્યા ન હો તેમ છતાં એક માણસને એક નવી ઉર્જાની, પ્રેમની અને હુંફની જરૂર છે. તમે જ્યાં હોવ ત્યાંથી મારા સુધી પહોંચાડશો એ જ અભ્યર્થના.

કોઈને થોડા કે વધુ દિવસો માટે અહીં કુદરતના ખોળે રહેવા આવવું હોય, બાળકો સાથે કામ કરવું હોય તો મોસ્ટ વેલકમ 🙂

– મિહિર પાઠક

મોબાઈલ : 09537068736 / વોટ્સએપ : 8401683131 / mihirism1995@gmail.com

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

એક પિતા કહશે,

“બારમી તારીખે મારી દીકરીને પેલી યુસીમેથ્સની એક્ઝામ આપવા જવાનું છે. એટલે રજા મુકવી પડશે.”

હાયર મિડલ ક્લાસ પરિવારોથી માંડી  મિડલ ક્લાસ પરિવારો માં પણ અત્યારે આમ કુમળાં બાળકોને ‘મેન્ટલ મેથ’ના કલાસમાં મોકલી; 4 ડિઝિટ અને 6 ડિઝિટના આંકડાના સરવાળા – બાદબાકી કરતાં જોઈ, સર્ટિફિકેટ મેળવી હરખાતા થવાનો ટ્રેન્ડ ચાલ્યો છે.

મિત્રો, એક વાત સાવ ચોખ્ખી અને ચટ છે : એરથમેટિક (સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર) એ ‘ગણિત’ એટલે કે મેથેમેટિક્સનો એક ભાગ છે સંપૂર્ણ ગણિત નહીં. નાની ઉંમરમાં ફક્ત ઝડપી ગુણાકાર કે સરવાળા આવડી જવાથી તમારાં બાળકો ગણિતના માસ્ટર થઇ જશે એવું બિલકુલ નથી. ગણિત લોજીક્સ, રિઝનિંગ, અંદાજો, સાબિતીઓ અને ધારણાઓ પર ટકેલું છે. કેલક્યુલક્સ, ટ્રીગોનોમેટ્રિ, જિયોમેટ્રી ખુબ ઊંડા શાસ્ત્ર છે.

મેન્ટલ મેથ એક એલગોરીધમ છે, જેમ કોમ્પુટર પ્રોગ્રામ કરીએ એમ મગજને પ્રોગ્રામ કરવાની ટ્રીક છે. 8 – 9 વર્ષનાં બાળકોને મેન્ટલ મેથ માં ‘મેન્ટલ’ બનાવવા મોકલવાને બદલે ડેવલેપમેન્ટલી અપ્રોક્રિએટ પ્રવૃતિઓ કરાવવી જોઈએ. બાળક પ્રશ્નો પૂછતો થાય, નવા લોજીક શોધતો થાય, આકારો – આકૃતિઓ સાથે મથતો થાય, વ્યવહારમાં આવતા ગણિત સાથે નાતો જોડતો થાય એવા એક્સપોઝર આપવા જોઈએ. હવે તો IIT જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એરિથમેટિક પર ખૂબ ઓછો ભાર અપાય છે. બાળકને આ ઉંમરે આ મેન્ટલ મેથ તેમના કોગ્નેટિવ ડેવલપમેન્ટ માટે ઘણા ખરા અંશે હાનિકારક છે. ફક્ત દેખા – દેખી કે ફેન્સી માટે બાળકના ખરા વિકાસને અવરોધશો નહીં.

મિત્રો, શાળામાં ભણાવાતો દરેક વિષય સીધે સીધો આપણા જીવનમાં વપરાય તે જરૂરી નથી. આ વિષયો તેનું કોન્ટેન્ટ આપણા ઓવરઓલ ડેવલોપમેન્ટ માટેના સ્ટિમ્યુલેશન છે. જેમકે વિજ્ઞાન ‘અવલોકન શક્તિ’, ‘તર્કશક્તિ’, કાર્યકારણ સિદ્ધાન્ત વગેરે ક્ષમતાઓની ખીલવણી માટે શીખવું જોઈએ એવી જ રીતે ભાષા, ગણિત, સમાજ શાસ્ત્ર દરેકના ચોક્ક્સ હેતુ છે. આ તો આપણી શિક્ષણ વ્યવસ્થાના ભોગે બાળકો સાથે બધું પહોંચતું નથી. વાલીઓ જાગૃત થાય અને પોતાના બાળકના ‘લર્નિંગ’ની જવાબદારી પોતે સ્વીકારે તો ઘણું બધું શક્ય છે. ફક્ત કલાસીસની ફી ભરી છૂટી નથી જવાનું..

શું આપણે આપણા બાળક માટે થોડો સમય ન કાઢી શકીએ ? બાળકો સાથે શું પ્રવૃત્તિ કરવી કેવી રીતે કરવું એ બધા માર્ગદર્શન માટેના ઘણા રસ્તા નીકળશે. આવો આપણાં બાળકોના ખરા વિકાસ માટે થોડો સમય કાઢીએ.

#learnlabs

 

2 comments

  1. શ્રી મિહિરભાઈ ની વાત આપના બ્લોગ પર મુકવા બદલ ધન્યવાદ . આ વાંચતાં આવીજ એક બીજી વ્યક્તિ યાદ આવી, તે શ્રી મહેન્દ્ર ભટ્ટ, એક હોશિયાર મિકેનિકલ એન્જીનીયર જે ખેતીવાડી નાં ઓજારોને કેમ ખડૂત વધારે અનુરૂપ બનાવવાં તેના પર કાર્યરત હતા. ભાવનગર માં શિશુવિહાર પાસે તેમનું ઘર હતું, અને લોકભારતી સાથે પણ સંકળાયેલા હતા. તેઓ શ્રી ની બાબતમાં આપણે કઈ જાણ હોઈ તો લખવા વિનંતી છે.

  2. ભાઈ મિહિર જેવા ભેખધારી – મિશનરી ભાવના વાળા – યુવકો કે યુવતીઓ સમાજમાં મળે તો પણ કેટલા ! ધન્યવાદ ઘટે છે મિહિરભાઈને કે જેઓ ધરમપુરના ડુંગરોમાં આદિવાસી બાળકો વચ્ચે જઈને – સાથે વસીને પાયાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *