મોરારિબાપુએ ભાર વિનાના ભણતરને યાદ કર્યું

Posted by

નલિન પંડિત                                                                                    (પૂર્વ શિક્ષણ નિયામક GCERT)

 

હું હાલમાં મુંબઈમાં દીકરાનાં ઘરે છું. નવરાત્રી છે, હળવાશ છે અને મનને શાંતિ છે. આવા પાવન સમયે ભોપાલમાં ચાલી રહેલી પૂજ્ય મોરારિબાપુની રામકથા સાંભળી. ખૂબ સ્પર્શી ગઈ.

કથામાં મોરારિબાપુએ શિક્ષણ અંગે કેટલીક ચોટદાર વાતો કરી. –

૧. ભાર વિનાના ભણતરને યાદ કર્યું.   ૨. ભારેખમ દફતરની વાત કરી.   ૩. રાગ માલકોશ અને રાગ દરબારીનું સમૂહમાં ગાન કરાવ્યું.  ૪. ગુજરાતી ભાષાને નબળી અને અઘરી બનાવતી હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈની વાત કરી.  ૫. ચારે બાજુ ફેલાઈ ગયેલા ભ્રષ્ટાચારની વાત કરી.  ૬. ‘હે, યુવાનો તમે મને નવ દિવસ આપો, હું તમને નવજીવન આપીશ.’ તેવી હૃદયસ્પર્શી અપીલ કરી.

પૂજ્ય મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી કહેલા આ કથનમાં ભારોભાર વેદના ભરેલી અનુભવી..

કથા નિરાંતે સાંભળી. મૌનનો સહારો મળ્યો. લાંબો સમય આંખો બંધ કરી વિચારમાં પડ્યો રહ્યો. રામકથામાં પૂજ્ય મોરારિબાપુએ ભાર વિનાનું ભણતર યાદ કર્યું તે ખૂબ ગમ્યું.

આજે તો ભાર વિનાનું ભણતર, પાર વિનાનું ભણતર બની ગયું છે. આજનું શિક્ષણ જીવન અને કૌશલ્યથી સાવ વિમુખ બની ગયું છે.

ગુજરાતમાં ભાર વિનાના ભણતરે પ્રાથમિક શિક્ષણમાં ઘણી સફળતા મેળવી. પરંતુ માત્ર સરકારી શાળાઓમાં જ. આ પદ્ધતિ અને તેના ઉપર થયેલાં અણમોલ સંશોધનોની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાયેલી. જોકે ખાનગી શાળાઓમાં સરકારનું નિયમન લગભગ શૂન્ય હોવાના કારણે તે યોગ્ય રીતે પ્રવેશી ન શક્યું.

સરસ રીતે ચાલતા આ ભણતરને ઉચ્ચ અધિકારીઓએ અણસમજમાં પછાડ્યું. પરિણામ ઊલટું આવ્યું.

શિક્ષણના એક ઉચ્ચ અધિકારીને, ભાર વિનાનું ભણતર એ શબ્દ બહુ ગમી ગયેલો. તેણે તેનો ઊપયોગ પોતાની સત્તામાં આવતાં માધ્યમિક શિક્ષણ માટે કર્યો. ત્યાં પણ ઊલટું જ પરિણામ આવ્યું. ભાર વિનાનું શિક્ષણ પાર વિનાનું બની ગયું અને વગોવાયું. બાળકો આપઘાત કરવા મજબુર બન્યાં. કરોડો બાળકોનું અને સમગ્ર ગુજરાતનું અહિત થયું.

ચાલાકીપૂર્વક ઘુસાડેલા પાર વિનાના શિક્ષણનો ભાર દફતર ઉપર પડ્યો. ભારેખમ દફતર બાળકનાં પગના તળિયાથી માંડી તાળવા સુધી પારાવાર નુકસાન પહોંચાડી રહ્યું છે. આ ચિંતા દેશના ૧૫૦૦૦ જેટલા બાળરોગ નિષ્ણાત ડૉક્ટરો કરી રહ્યાં છે. પણ સાંભળે કોણ ? દફતરનું વજન, બાળકના વજનના દસમાં ભાગનું હોવું જોઈએ. આટલી અમસ્તી હકીકત નીતિ ઘડવૈયાઓ સમજી શકતા નથી.

પૂજ્ય બાપુએ રાગ માલકોશ અને રાગ દરબારીની મજા કરાવી. આજે તો શિક્ષણમાં સંગીતનું સ્થાન જ રહેવા દીધું નથી. સંગીત વિનાનું શિક્ષણ એ ટહુકા વિનાના મોર સમાન છે. સંગીત વિદ્યાર્થીઓમાં માનવીય મૂલ્યોનું સ્થાપન કરે છે. સંગીતની આ મહાનતા અને ગહેરાઈ છે. તે સત્ય, પ્રેમ કરુણાની જન્મદાત્રી છે. તેની પાલક છે. સંગીત એ હૃદયનું શિક્ષણ છે. શાળાઓમાં પ્રાર્થના પણ સંગીતનો જ એક મહત્ત્વનો ભાગ છે. આજે સારી પ્રાર્થના કરતી શાળાઓને ગોતવા જવી પડે તેમ છે.

શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓમાં સત્ય, પ્રેમ, કરુણાનાં સ્થાપન માટે સંગીત ઉપરાંત કલા, કાવ્ય, રમત, સંસ્કૃત અને પ્રવાસનું પણ એક આગવું સ્થાન છે. આજે તો આપણું શિક્ષણ ઊલટી દિશામાં જ ફંટાઈ ગયું છે. આજના ગોખણીયા શિક્ષણ થકી માનવ નહિ માત્ર રોબોટ પેદા કરી રહ્યાં છીએ.

પૂજ્ય મોરારિબાપુએ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈના કારણે હાસ્યાપદ બનતા શિક્ષણની અસરકારક વાત કરી. સત્ય હકીકત એ છે કે ભલભલા સાહિત્યકારો પણ હ્રસ્વ ઇ અને દીર્ઘ ઈની ભૂલભૂલામણીના ગોટે ચડે છે. તેઓએ પણ સાચી જોડણી લખવા માટે શબ્દકોશનો સહારો લેવો પડે છે. આમાં વિદ્યાર્થીઓ બિચારો શું કરે? આપણી માતૃભાષા નબળી પડી રહી છે તેનું આ પણ એક મુખ્ય કારણ છે.

પૂજ્ય બાપુએ વેદનાપૂર્વક ભ્રષ્ટાચારની વાત કરી. ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. રાજકુમારીની જેમ દિવસે ના વધે તેટલો રાત્રે વધે છે અને સહુ કોઈ ભોગ બની રહ્યાં છે. સહુ લાચાર છે. કાયદા છે પણ તેના ચુકાદા માટે કોર્ટમાં વર્ષો લાગી જાય છે. સમાજને લૂણો લાગી રહ્યો છે.

વિશ્વમાં આજે ફિનલેન્ડ, નોર્વે, સિંગાપોર જેવા કેટલાયે દેશ ભ્રષ્ટાચારથી લગભગ લગભગ મુક્ત છે. ત્યાં  વિશ્વ કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ છે. શિક્ષણમાં ભારતનું ક્યાંયે સ્થાન નથી. આ દેશોમાં શિક્ષણ તેની માતૃભાષામાં જ છે. ભ્રષ્ટાચારથી મુક્ત રહેવામાં માતૃભાષા કેટલી મૂલ્યવાન છે તે આ દેશો પાસેથી શીખવા જેવું છે. વેપારી માનસધારી સંચાલકોની માયાજાળ આપણને રામરાજ્ય તરફ જવામાં અડચણરૂપ બની રહી છે.

આમ છતાં ગુજરાત એક બાબતે જરૂરથી ગૌરવ લઇ શકે તેમ છે. વિશ્વમાં શિક્ષણક્ષ્રેત્રે અગ્રણી દેશોનું શિક્ષણ અને લોકભારતી સણોસરાના શિક્ષણની વચ્ચે ગહેરો સંબંધ છે. ઘણું સામ્ય છે. આ એક સત્ય છે. લોકભારતી ગાંધીબાપુના બુનિયાદી શિક્ષણનું સર્વ શ્રેષ્ઠ સ્થાન છે. પૂજ્ય નાનાભાઈ અને દર્શકની તપોભૂમિ છે. ગુજરાત નસીબદાર છે કે ગુજરાતમાં કઈં નહિ તો આશરે બસો ત્રણસો જેટલી બુનિયાદી શિક્ષણની સારી સંસ્થાઓ છે. રામરાજ્યનો માર્ગ અહીં સમાયેલો છે.

બાપુ, આપ યુવાનો માટે નવજીવન બક્ષે તેવી શિબિર યોજવાનું વિચારી રહ્યાં છો. આ વાત ખૂબ જ સ્પર્શી ગઈ.

આ શિબિરમાં પૈસો નહિ પણ સેવા જેનો મંત્ર છે તેવાં યુવા સંચાલકો અને શિક્ષણશાસ્ત્રીઓ, યુવા બહેનો, માતૃભાષા સંસ્કૃત અને સંસ્કૃતિ જેનો શ્વાસ છે તેવા યુવા સંત મહાત્માઓ, ભ્રષ્ટાચારથી મુક્ત રહી શકેલા અલ્પ અધિકારીઓને આ શિબિર સ્પર્શી જાય તો રામસેતુ બની જાય.

પૂજ્ય મોરારિબાપુને લોકભારતી સણોસરા અને પૂજ્ય ગાંધીબાપુ બહુ જ પ્રિય છે. બાપુની યુવા શિબિર લોકભારતીમાં યોજી શકાય તો સોનામાં સુગંધ ભળશે. પ્રાર્થના કરું છું.

શ્રી કિશોરલાલ મશરૂવાળા જેવા મહાન ચિંતકે કહ્યું છે કે આપણે યુગોથી આપણા મૂળભૂત તત્વને  ગુમાવી બેઠા છીએ. આપણે મન, ઘરકી મુરગી દાલ બરાબર છે. આજે પણ આપણે ગુલામી માનસથી જીવી રહ્યાં છીએ. ત્યારે બાપુની શિબિર વિશ્વ માનવ માટે ઝંખતી આપણી માનવતાસભર સંસ્કૃતિને જરૂરથી ઉજાગર કરશે.

પૂજ્ય મોરારિબાપુને એક વિનંતી છે. બાપુ, આ શિબિર પછી આ નવયુવાનોને ફિનલેન્ડ જેવા અગ્રણી દેશોની યાત્રાએ લઇ જઈ શકાય તો વધુ સારું. જ્ઞાન સાથે અનુભવ ભળશે. ગુજરાતના દોઢ કરોડ વિદ્યાર્થીઓનું અને ગુજરાતનું મંગલ થશે.

રામનવમી. તા. ૦૫-૦૪-૨૦૧૭   

 

3 comments

  1. સરસ વાત. સૌથી સરસ વાત – સેવા ભાવના જગવવાની વાત.
    આશા રાખીએ કે,લોક હૃદયમાં અને ઉચ્ચ સ્થાને બીરાજેલા ગુજરાતના બૌદ્ધિકો અને વગદાર માણસો પણ આ ભાવનાને બીરદાવે – અપનાવે.
    કદાચ… નવી ક્રાન્તિનો આતશ પ્રજ્વળી ઊઠે.

  2. ભાર વિનાના ભણતર…મનનીય લેખ
    અહીં બેકપૅકનું વજન બાળકની શક્તિ પ્રમાણે હોવું જોઇએ તે પણ તપાસ થાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *