આપણાં બાલમંદિરો

Posted by

શ્રી નલીનભાઈ પંડિત

આપણાં બાળકો મોટાં થઈને આપણી સાથે રહેશે કે આપણાંથી જુદાં રહેશે, આપણાં બાળકો આપણને પ્રેમ કરતાં હશે કે નફરત કરતાં હશે તે ભાવિ ભાખવું સહેલું થઈ ગયું છે. બાળ મનોવિજ્ઞાન અને દાક્તરીવિદ્યા તેમ જ શિક્ષણ અંગે થયેલાં સંશોધનોના તારણ દ્વારા એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ બંને બાબતમાં આપણું ભાવિ દુઃખદ બની રહેશે. આ હકીકતની સ્પષ્ટતા કરવા-કરાવવા આ પત્ર આપશ્રીને પાઠવી રહ્યા છીએ.

આ દુઃખદ ભાવિ આપણે ભોગવવું પડશે કારણ કે બાળકેળવણીના આર્ષદૃષ્ટા, ગુજરાતના અનન્ય બાલશિક્ષક અને રાષ્ટ્રીય કક્ષાએ સર્વસ્વીકૃત એવા ગિજુભાઈ બધેકાની કેળવણી પદ્ધતિને કોરાણે મૂકીને, આજે મોટાભાગનાં નર્સરી-કે.જી. ચાલી રહ્યાં છે.

ગિજુભાઈ વઢવાણ કૅમ્પ (સુરેન્દ્રનગર)માં વકીલ હતા. પોતાના દીકરાના શિક્ષણની તેમને ફિકર હતી. એ માટે તેમણે મેડમ મૉન્ટેસોરીની બાલશિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો. તેમાં તેમને બાળકેળવણીની અપાર શક્યતાઓ દેખાણી. વકીલાત છોડી તેઓ ભાવનગર આવ્યા, દક્ષિણામૂર્તિમાં જોડાયા, શરૂમાં ગૃહપતિ અને પછી માઘ્યમિક શાળાના આચાર્ય તરીકેની કામગીરી કરી. મોટાં બાળકોની કેળવણીના અનુભવે તેમને લાગ્યું કે આ તો બધું ધૂળ ઉપર લીંંપણ છે. એટલે તેમણે નાનાં-અઢીથી પાંચ વર્ષની ઉંમરનાં બાળકોની કેળવણી પર ઘ્યાન કેન્દ્રિત કર્યું. અને મૉન્ટેસોરી પદ્ધતિનો આધાર લઈ, તેમાં ભારતીય સંસ્કૃતિનાં અંશોનો સમાવેશ કરી, પોતાની આગવી કહી શકાય તેવી બાળકેળવણીની પદ્ધતિ નિર્માણ કરી. અને એ મુજબનું બાલમંદિર ભાવનગરમાં ઈ.સ.૧૯૨૦માં શરૂ કર્યું.

જેનાં મૂળિયાં ભારતીય સંસ્કૃતિમાં હોય અને જેમાં વિશ્વના નામાંકિત બાળકેળવણીકારોના અનુભવ સામેલ હોય તેવી ગિજુભાઈની બાળશિક્ષણની પદ્ધતિ અદ્‌ભૂત સફળતાને વરી. એ પદ્ધતિમાં તેમણે બાળકોની અંતર્નિહિત શક્તિઓના વિકાસ માટેની અનેકવિધ પ્રવૃત્તિઓ વિકસાવી. એ પદ્ધતિમાં એમણે બાળકોની સ્વતંત્રતા અને સ્વયંસ્ફૂરણાને મહત્ત્વનું સ્થાન આપ્યું. બાળકોને માર, ભય, લાલચ તેમ જ સ્પર્ધામાંથી બચાવીને તેમણે આત્મગૌરવ બક્ષ્યું. તેઓ બાળકની મૂછાળી મા બન્યા. બાળકોના ગાંધી કહેવાયા. અને બાલસાહિત્યનું વિપુલ સર્જન કરીને બાળસાહિત્યના બ્રહ્માનું બિરુદ પામ્યા. તેમની બાળકેળવણીની નૂતન પદ્ધતિ આસપાસનાં રાજ્યોમાં પ્રશંસા પામી. એ કેળવણીથી શિક્ષકોને દિક્ષિત કરવા બાલઅધયાપન મંદિર શરૂ કર્યું. તેમાં દિક્ષિત થયેલા અનેક શિક્ષકોએ ઠેરઠેર બાલમંદિરો શરૂ કયાર્ં. આ બાલમંદિરોમાં કેળવાતાં બાળકો ફૂલગુલાબી બાળપણને માણતાં થયાં.

આજની નર્સરી કે કે.જી.ની સ્કૂલો ગિજુભાઈની પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી કેળવણીનો છેદ ઉડાડી, બાળકોના બાળકપણને મુરઝાવે તેવી પુસ્તકિયા કેળવણી થોપી રહી છે. રમવા, ખેલવા, કુૂદવા, ખૂલવા અને ખીલવાની ઉંમરે તેઓ સુંદર પાટલીઓ પર ટાંકણીથી ખાડેલા પતંગિયાની જેમ ખોડાયેલાં રહીને ગોખણિયા જ્ઞાનની પીડાથી પિલાઈ રહ્યાં છે. તેમને આ બંધન ગમતું નથી, પણ તેઓ પોતાની વેદના કોને કહે ? તેમનું કોણ સાંભળે ? તેઓ નાનાં છે – માસુમ છે એટલે તેઓ વાલીઓનો કે ભણતરની આ ગોખણિયા સિસ્ટમનો વિરોધ કરી શકતાં નથી, પણ તેમના અજ્ઞાત મનમાં વિદ્રોહનાં બીજ વવાઈ રહ્યાં છે. ભવિષ્યમાં આ પેઢી બળવાખોર બનીને આપણી સામે આવવાની છે. આપણે પછી એનો પ્રતિકાર નહીં કરી શકીએ. એ ન બને તે માટે અત્યારથી ચેતીએ અને તેમને ગોખણિયા શિક્ષણથી બચાવીએ.

બાળકના તંદુરસ્ત અને માનવીય મૂલ્યોથી રસાયેલા ઘડતર માટે બાલમંદિરો, કે.જી. કે નર્સરી સ્કૂલો સંપૂર્ણપણે બાલમનોવિજ્ઞાન આધારિત પદ્ધતિથી જ ચલાવવાં જોઈએ. બાલશિક્ષણમાં મનોવિજ્ઞાનના અભિગમની અવજ્ઞા બાળકોને ભય અને ટેન્શનથી સતત દબાણ હેઠળ રાખે છે. એનાથી બાળકનું જીવનજળ સતત સુકાતું રહે છે, જીવનજ્યોત ઝાંખી બનતી જાય છે.

બાલમંદિરો તેમ જ નર્સરી સ્કૂલો માટે ગુજરાત સરકારે ૧૯૯૬માં શિક્ષણનીતિ ઘડીને બહાર પાડી છે. પરંતુ આજનાં મોટાભાગનાં બાલમંદિરોમાં કે બાલશિક્ષણની અન્ય સંસ્થાઓમાં તેનો અમલ થતો નથી. ઊલટાનું સરકારી નીતિથી વિપરિત રીતરસમો અને પદ્ધતિઓ જ ઠોકી બેસાડવામાં આવી રહી છે. આવી સંસ્થાઓમાં –

દફતરો જોવા મળી રહ્યાં છે !

દફતરમાં પુસ્તકો અને અન્ય સામગ્રીનો બેસુમાર ભાર હોય છે !

બાળકોને ગૃહકાર્ય (હોમવર્ક) આપવામાં આવી રહ્યું છે !

બાળકોની લેખિત-મૌખિક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે !

ટ્યૂશન પ્રથા જોવા મળી રહી છે ! બાલશિક્ષણમાંથી માતૃભાષાનો છેદ ઊડી ગયો છે !

ટાઈ અને યુનિફોર્મ અનિવાર્ય બની રહ્યાં છે !

ફરીફરીને ભારપૂર્વક જણાવીએ કે આ બધું બાળમનોવિજ્ઞાન, દાક્તરી વિદ્યા અને સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ-નિયમોથી વિરુદ્ધમાં ચાલી રહ્યું છે.

આ દૂષણને કારણે બાળકોનો વિકાસ અવરોધાઈ રહ્યો છે. બાળકો શિક્ષણ પ્રત્યે નફરત કરવા લાગ્યાં છે; એટલું જ નહીં, તેઓ તેમનાં માતા-પિતા, વાલી, શિક્ષક અને સંસ્થા પ્રત્યે પણ અંદરથી નફરત કરવા લાગ્યાં છે.

ભારેખમ દફતરથી થતું નુકસાન :

દફતરનાં વજન માટે એક વિશ્વમાન્ય સૂત્ર છે : ‘દફતરનું વજન (વધુમાં વધુ) બાળકના ખુદના વજનના દસમાં ભાગનું હોય.’

મૂળભૂત રીતે બાલમંદિરમાં દફતરની કોઈ જરૂરિયાત જ નથી અને છતાં અહીં ભારેખમ દફતરોના બોજ સાથે બાળકો બાલમંદિરો, કે.જી. કે નર્સરીમાં જતાં જોવા મળી રહ્યાં છે. ભારેખમ દફતરના બોજથી બાળકોને થતા નુકસાન વિષે ભાવનગરના નામાંકિત બાળરોગ નિષ્ણાંતો શું કહે છે તે જાણીએ :

બાળકોનાં કરોડનાં હાડકાંઓના કુદરતી વળાંકો ખભે વધારે ભાર લાદવાથી બગડી જાય છે.

કરોડના વચ્ચેના, નીચેના મણકાઓ પર આની ખૂબ જ અસર વરતાય છે. કરોડની આજુબાજુના સ્નાયુઓ ખેંચાણ અનુભવે છે. એમાં લાંબા સમયનો દુઃખાવો થઈ શકે છે. હાડકાંને જોડતા સાંધાઓ તેમ જ પાંસળીઓના સાંધાઓ અને કુર્ચાની પટ્ટીઓને કાયમી નુકસાન થઈ શકે છે. ખભાના સ્નાયુ તેમ જ હાડકાંને નુકસાન થવાથી ખભાના હાડકાને પણ ઈજા પહોંચે છે.

કરોડરજ્જુની આસપાસના સાંધાઓનું હલનચલન બગડે છે. જેને લીધે લાંબા ગાળે અસરકારક રીતે વળવું, ફરવું વગેરે ક્રિયાઓને અસર થઈ શકે છે.

બે મણકા વચ્ચેની ગાદી-ડીસ્કના પ્રવાહીને નુકસાન થઈ શકે છે. તેથી ભવિષ્યમાં નાની ઉંમરે ગાદીની તકલીફો થઈ શકે છે. સ્પોન્ડિલાઈટિસ કે સ્પોન્ડિલોલિસ્થેસિસ નામની પરિસ્થિતિઓનો નાની ઉંમરે સામનો કરવાનો આવી શકે છે. પગના સાંધાનો તેમ જ કરોડના, થાપાના સાંધાઓમાં ઓસ્ટિઓ આર્થાઈટિસ નામનો રોગ થઈ શકે છે.

૬૦% બાળકો કમરદર્દની ફરિયાદ કરે છે.

જો બાળકોની કરોડરજ્જુ દબાય તો એને ચાલવા-બેસવામાં તથા ઝાડા-પેશાબમાં તકલીફ થાય છે. આ બધાં લક્ષણો અતિ ગંભીર છે.

(ડૉ.એસ.જી.રાઓલ, ડૉ.આઈ.કે.વીજળીવાળા, ડૉ.જયેશ પંડ્યા, ેડૉ.કે.કે.ગઢિયા, ડૉ.વિજય ધોળકિયા, ડૉ.એન.ડી.સુચક, ડૉ.નરેશ ગોહિલ, ડૉ.સજ્જાદ લાખાણી, ડૉ.મિતેશ મોદી, ડૉ.આનંદ ગોધાવાલા)

બેહદ ગૃહકાર્યથી થતું નુકસાન :

ગૃહકાર્ય માટે પણ એક વિશ્વમાન્ય સૂત્ર છે : ગૃહકાર્ય = ધોરણ૧૦ મિનિટ. બાળક જે ધોરણમાં ભણતું હોય તેને ગુણ્યા ૧૦ મિનિટ જેટલું જ ગૃહકાર્ય અપાય, જેમાં બધા જ વિષયો આવી જાય. આનાથી વધુ ગૃહકાર્ય એ માત્ર બાળમજૂરી જ છે; જે બાળકના ફુરસદના સમયની પ્રવૃત્તિઓને તથા કુટુંબપ્રેમને અવરોધે છે.

બાલમંદિર, કે.જી. કે નર્સરીમાં ગૃહકાર્ય હોઈ જ ન શકે. આમ છતાં ભારેખમ ગૃહકાર્યના બોજ હેઠળ બાળક દબાઈ રહ્યું છે ! આવા ગૃહકાર્યથી થતાં નુકસાન વિશે ડૉ.આઈ.કે.વીજળીવાળા શું કહે છે તે જાણીએ :

૭૦% બાળકોમાં માથાનો દુઃખાવો જોવા મળે છે.

૧૩% બાળકોમાં આ દુઃખાવો હંમેશાંનો બની જાય છે.

ર૦%થી રપ% કારણ વિના રડી પડે છે.

૧૪%થી પ૮% બાળકોમાં ઊંઘ ન આવવાનો વ્યાધિ જોવા મળે છે.

પ૦%થી વધુ બાળકો લઘુતાગ્રંથિથી પીડાય છે.પોતાની ઉપરનો વિશ્વાસ ગુમાવી બેસે છે, પોતાની જાત પ્રત્યે નફરત કરવા લાગે છે.

ર%થી ૧૧% બાળકોને આત્મહત્યા કરવાના વિચારો આવે છે.

માનસિક તણાવ વધે છે. બેભાન થઈ જવાની શક્યતા રહે છે. ચક્કર આવવાની શક્યતા રહે છે.

પેટમાં દુઃખાવાની ફરિયાદ રહે છે.

ભૂખ મરી જાય છે, અપૂરતા પોષણનો ભોગ બને છે. શ્વાસમાં તકલીફ થઈ શકે છે.  હાથ-પગ ઠરડાઈ જવાની કે ખેંચ આવવાની તકલીફ થઈ શકે છે.

ભયંકર સપનાં આવે છે. ભણવાનું ગમતું નથી.

ગેરકાયદેસર પરીક્ષાઓ :

કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ મુજબ તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓમાં, પહેલા અને બીજા ધોરણમાંથી પરીક્ષા નાબૂદ કરવામાં આવી છે, ત્યારે બાલમંદિરો કે નર્સરી કેન્દ્રોમાં પરીક્ષાઓ કેવી રીતે હોઈ શકે ?

પરીક્ષા તણાવ ઊભો કરે છે, બિન તંદુરસ્ત સ્પર્ધાઓ ઊભી કરે છે, બાળક-બાળક વચ્ચે સૂક્ષ્મ હિંસા જન્માવે છે. આવા હિંસક માનસવાળાં બાળકો થકી રચાતાં કુટુંબ, સમાજ કે રાજ્ય ક્યારેય શાંતિ પામી શકે નહિ.

ટ્યૂશન :

બાલમંદિર-નર્સરીમાં બાળકોને ટ્યૂશનની કોઈ જરૂર જ નથી. આ ટ્યૂશનનો ભાર અને ટ્યૂશનમાં બરબાદ થતો સમય બાળકના બાળપણને કચડી રહ્યાં છે. મા-બાપો ગેરમાર્ગે દોરવાઈને પોતાનાં વ્હાલાં બાળકોને હોંશે હોંશે ટ્યૂશનમાં ધકેલી રહ્યાં છે. આથી બાળકોને તો નાની ઉંમરે-રમવાના સમયે ભણભણ કરવું પડે છે. રમવાની ઉંમરે ટ્યૂશન દ્વારા અપાતો બોજ બાળકના વિકાસને અવરોધે છે. કળીમાંથી ફૂલ ખીલે જ કેવી રીતે ?

હવે તો અંગ્રેજી માઘ્યમનાં બાલમંદિર-નર્સરીમાં જતાં બાળકોની મમ્મીઓ પણ ટયૂશનમાં જવા લાગી છે !! બાળકના ‘અઘરા’ અભ્યાસમાં મદદરૂપ થવા મમ્મીએ ટ્યૂશનમાં જવું પડે, તે અભ્યાસક્રમ કેવો ભારે હશે ! મમ્મીને ભીંસ પડે તો બાળકનું શું થતું હશે ?

આ ઘેલછાભર્યા ઘાતક વાતાવરણને તોડવાની તાતી જરૂરિયાત છે.

માતૃભાષાનો દ્રોહ :

બાળકના ઘડતરમાં મા, માદરે વતન અને માતૃભાષાનું અનેરું, મોંઘેરું અને બહુમૂલ્ય યોગદાન છે. આ ત્રણેની તોલે કોઈ આવી જ ન શકે. માતૃભાષા એ માનું ધાવણ છે. તેના વિના બાળકનું સર્વાંગી ઘડતર શક્ય જ નથી. જ્યારે આજે તો અંગ્રેજી ભાષા નહીં પણ અંગ્રેજી માઘ્યમની બોલબાલા છે. અંગ્રેજી માઘ્યમ દ્વારા અધકચરો વિકાસ થાય છે, પણ શબ્દોની માયાજાળમાં તેની અસલિયત ઢાંકી દઈ, માત્ર ઝળઝળાટનો આભાસ ઊભો કરવામાં આવે છે.

અંગ્રેજીની સારી માહિતી ધરાવતાં અને ઘરમાં અંગ્રેજી બોલચાલ વાચનને મહત્ત્વનું સ્થાન આપી વ્યવહાર ચલાવતાં મા-બાપ કે પછી ગુજરાત બહાર નોકરી-ધંધા માટે જનાર મા-બાપ પોતાનાં બાળકને અંગ્રેજી માઘ્યમ દ્વારા ભણાવે તે સમજી શકાય તેવું છે. પણ જે ઘરમાં અંગ્રેજીનું જરા પણ વાતાવરણ ન હોય તેવાં મા-બાપ માત્ર દેખાદેખીથી કે સ્ટેટસ સિમ્બોલ માટે બાળકને અંગ્રેજી માઘ્યમ દ્વારા ભણાવી રહ્યાં છે, તેઓ બાળકને પારાવાર નુકસાનપહોંચાડી રહ્યાં છે. ભાવિને દુઃખદ બનાવી રહ્યાં છે.

‘ટાઈ’ – ગુલામી માનસનું પ્રતીક :

દેશને આઝાદ થયાને છ દશકા વીતી ગયા. ગુજરાતે તાજેતરમાં જ સ્વર્ણિમ ગુજરાતની ઊજવણી પૂરી કરી, તેમ છતાં આપણું માનસ કેવું ગુલામ બની ગયું છે તેનો ‘ટાઈ’ એ નાદાર નમૂનો છે.

અંગ્રેજો ‘ટાઈ’ પહેરે, કારણ તેઓનું વતન ઈંગ્લાંડ. ભારે ઠંડોગાર દેશ. ત્યાં વાતા ઠંડાગાર પવનો છાતીમાં સોંસરવા લાગે તો માંદગીમાં પટકાઈ પડાય. આવી માંદગીથી બચવા અંગ્રેજો ‘ટાઈ’ પહેરે. તેઓને માટે ‘ટાઈ’ પહેરવી તે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. અંગ્રેજ શાસકો ભારતમાં હવા-મહેલમાં રહેતા અને ગરમીની મોસમમાં ઠંડાં સ્થળોએ સ્થાનાંતર કરતા. એટલે ‘ટાઈ’ એ અંગ્રેજોના પોષાકનું સહજ અને સ્વાભાવિક અંગ હતું.

પરંતું આપણો ગુજરાત તો ગરમ પ્રદેશ છે. ઉનાળામાં ગરમ પવન અને બળબળતી લૂ લાગે. ગરમીથી ત્રસ્ત હોઈએ ત્યાં પવનની લ્હેરખીનો સ્પર્શ થાય ત્યારે હાશ અનુભવાય. આવા ગરમ ગુજરાતમાં બાળકો ‘ટાઈ’ પહેરે ત્યારે તેને ગરમી કેવી લાગતી હશે ? કેવી અકળામણ થતી હશે ?

હવે તો એ.સી. ચેમ્બરમાં બેસતા મોટાભાગના અધિકારીઓએ પણ  ‘ટાઈ’ પહેરવાનું છોડી દીધું છે. નામદાર હાઈકોટર્ે પણ ઉનાળાની ગરમીમાં વકીલોને ‘ટાઈ’ અને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ આપી છે. આમ છતાં ગુજરાતની કેટલીયે શૈક્ષણિક સંસ્થાઓ સ્ટેટસ સિમ્બોલ તરીકે બાળકોને ફરજિયાત રીતે ‘ટાઈ’ પહેરાવે છે. અને ‘ટાઈ’થી બાળકોના શરીરને થતા નુકસાનને નજરઅંદાજ કરે છે. (શું તેઓ ‘હાઈકોર્ટ’ના કોઈ ફરમાનની રાહમાં છે ?)

હવાને શરીરમાં જતી રોકતી, શરીરમાં ખંજવાળ પેદા કરતી, પરસેવાથી અકળાવતી, બાળકોને ભણવામાં બેઘ્યાન અને બેચેન બનાવતી ‘ટાઈ’ એ આપણા માટે તો અવૈજ્ઞાનિક જ છે. બાળકોને કૃત્રિમ બંધનમાંથી મુક્ત કરવા માટે ઝૂંબેશ ચાલવી જોઈએ.

આમ સમગ્ર રીતે જોતાં લાગે છે કે આજનાં મોટાભાગનાં બાલમંદિરો તથા કે.જી.-નર્સરી સ્કૂલોમાં ભણતાં ભૂલકાઓનું બાળપણ ખતમ થઈ રહ્યું છે. બાળપણ એ સમગ્ર જીવનનો આધાર છે. ‘જેવું બાળપણ-તેવું જીવન’ એ મનોવૈજ્ઞાનિક તથ્યછે. આ બધું જાણવા-સમજવા છતાં સર્વત્ર ફેલાયેલી મોહમયી માયાજાળમાં આપણે સૌ ફસાઈને, બાળકના જીવન સ્રોતને આપણે રસવિહીન બનાવી રહ્યાં છીએ.

કર્મનો સિદ્ધાંત એમ કહે છે કે જેવું કર્મ કરીએ તેવું ફળ પામીએ. જેવું વાવીએ તેવું લણીએ. ન્યૂટનનો નિયમ પણ જણાવે છે કે આઘાત અને પ્રત્યાઘાત સમાન અને સામસામા હોય છે.

આજે આપણે બાળકનું બાળપણ છીનવી રહ્યાં છીએ તો બાળક મોટું થતાં આપણો બુઢાપો છીનવી શકે છે. આજે આપણે બાળકની સૂક્ષ્મ હિંસા કરી રહ્યાં છીએ, તો બાળક મોટું થઈ કુટુંબ અને સમાજ પ્રત્યે હિંસા આચરી શકે છે. બાળકમાં તણાવ, ભય અને સ્પર્ધા થકી ઉદ્‌ભવતા,દ્વેષ અને વેરભાવના આવતીકાલના સમાજમાં સર્વત્ર વ્યાપી જશે. આવો સમાજ સુખ-શાંતિથી કેવી રીતે જીવી શકે ?

ભવિષ્યમાં –

બાળક કુટુંબથી દૂર રહેવાનું પસંદ કરશે.

બાળક કુટુંબ, સમાજ અને માદરે વતનને પ્રેમ નહીં આપી શકે.

આમ જે દુઃખદ ભાવિ ઘડાઈ રહ્યું છે, તેને અટકાવવું જ રહ્યું.

હા, આ માટે, અને બાળકોના સર્વોત્તમ વિકાસ માટે, ભારતના ઉત્તમ બાળકેળવણીકાર આપણા ગિજુભાઈ બધેકા મથ્યા હતા, ઝઝૂમ્યા હતા અને જીવનની ભવ્ય આહૂતિ આપી હતી. આપણે એ પ્રયત્નોને એળે જવા નથી દેવા.

કેવાં કેવાં સ્વપ્નો સેવ્યાં ’તાં ગિજુભાઈએ…

બાળકો માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી સ્થાપવાનું એમનું સ્વપ્ન હતું. (સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.)

બાળકો માટે બાળ વિશ્વકોશ રચવાનું એમનું સ્વપ્ન હતું. (સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.)

બાળકો આત્મગૌરવ મેળવે અને સ્વતંત્ર વાતાવરણમાં વિકસે તેવું તેમનું સ્વપ્ન હતું.

બાળકો પ્રવૃત્તિ દ્વારા જીવનશિક્ષણ મેળવે તેવું તેમનું સ્વપ્ન હતું.

બાળકો સ્વયંસ્ફૂરણા, સ્વાતંત્ર્ય અને સ્વાવલંબન વડે કેળવાય તેવું તેમનું સ્વપ્ન હતું.

એમનાં એ બધાં સ્વપ્નાં આપણે જવા નથી દેવાં. એને ઊજેરવાં છે, પોષવાં છે અને સાકાર કરવાં છે.

એમણે તો પ્રત્યક્ષ રીતે કામ કરીને એમનાં સ્વપ્નાં સેવી બતાવ્યાં, સાકાર કયાર્ં. પોતાના મિશનનો ફેલાવો કરવા શિક્ષણપત્રિકા શરૂ કરી, અને ‘નૂતન બાલશિક્ષણ સંઘ’ની સ્થાપના કરી. આ બંને પ્રવૃત્તિઓ અદ્‌ભૂત સફળતાને વરેલી.

ગિજુભાઈનું બાલશિક્ષણનું કામ આગળ ધપાવવા આજે પણ ‘નૂતન બાલશિક્ષણ સંઘ’ કાર્યરત છે. ગુજરાતના ૧૩ જિલ્લાઓમાં તેની શાખાઓ કામ કરી રહી છે. ગિજુભાઈનો બાલશિક્ષણનો પ્રચાર-પ્રસાર કરવામાં આ શાખાઓ સક્રિય છે.

પણ હાલના સમયમાં આટલું પર્યાપ્ત નથી. અનેક વિચારશીલ વાલીઓ આ કામ સાથે જોડાય તો જ ગિજુભાઈએ પ્રબોધેલી બાળકેળવણી ફરી કાર્યાન્વિત કરી શકીએ અને તો જ મુરઝાઈ રહેલા બાળપણમાં નવી મહેક-ચમક ભરી શકીએ.

આ માટે સરકારશ્રી પાસે બાલમંદિર-નર્સરી માટેની શિક્ષણ નીતિ છે. નગરે નગરે શિક્ષણ સમિતિઓ છે. શિક્ષણ વિભાગ હેઠળ સચિવો, નિયામકો, ગેઝેટેડ અધિકારીઓ, શાસનાધિકારીઓ, નિરીક્ષકો અને કો-ઓર્ડિનેટરોની મોટી ફોજ છે. ધારે તેવું પરિણામ લાવી શકવા શિક્ષણ વિભાગ સક્ષમ છે.

આમ, ગુજરાત પાસે બધું જ છે. ગુજરાતનું ભાવિ આપના હાથમાં છે. હવે જરૂર છે, આપની પ્રબળ ઇચ્છાશક્તિની, ઘર ઘરમાં ગિજુભાઈના વિચારો પહોંચાડે તેવા, આપના પ્રબળ શંખનાદની.

ગુજરાતમાં માસુમ ભૂલકાંઓ મુક્તિની રાહમાં છે. એમને એમનાં સ્વપ્નો મુજબ જીવવા અને વિકસવા માટે કશુંક કરવા હવે આપણને કોની રાહ છે ?

(તા.ક. આ પૈકીની કેટલીક હકીકતો ધોરણ ૧ર સુધી પણ લાગુ પડે છે !!)

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

નૂતન બાલશિક્ષણ સંઘ,  શ્રી દક્ષિણામૂર્તિ બાલ અઘ્યાપન મંદિર, ગિજુભાઈ બધેકા માર્ગ, પરિમલ,

ભાવનગર – ૩૬૪ ૦૦૨

 

One comment

  1. આપણાં બાલમંદિરોમા પરીવર્તન આવ્યું છે તે આવકાર્ય છે જ. તેમાંથી ધંધાધારી વિચાર સાથે પ્રબળ ઇચ્છાશક્તિની, ઘર ઘરમાં ગિજુભાઈના વિચારો પહોંચાડી બાળકોને સ્વપ્નો મુજબ જીવવા અને વિકસાવે તે પણ જરુરી છે ખાસ કરીને ડાયાસ્પોરા બાળકોમા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *