ગાંધીજી વીશે આપણે કેટલુંય નથી જાણતા !!  ગાંધીગાથા : (૧)

Posted by

ગાંધીજીએ ભારતમાં પ્રવેશ પછી એક વરસ સુધી ભારતયાત્રા કરેલી, ને આ દેશ વીશે જે ત્રણ તારણો આપ્યાં હતાં તે જાણવા જેવાં છે :

૧) સાચું ભારત ગામડાંમાં વસે છે.

૨) લોકો અભણ છે પણ અબુધ નથી; સમૃદ્ધ–સંસ્કૃતિના વારસદાર છે.

૩) સુશિક્ષિત લોકો પણ આઝાદી ઇચ્છે છે પણ મનથી ગુલામ છે. એમના મનને બદલવું પડશે. 

એ દીવસોમાં આઝાદીના આંદોલન સંદર્ભે જે મુખ્ય વીચારધારા હતી તે તિલક વગેરેની, “શઠમ્ પ્રતી શાઠ્યમ્” (જેવા સાથે તેવા)ની હતી. ગાંધીજીએ ‘શઠમ્ પ્રતિ સત્યમ્’ કહીને વીચારધારામાં બદલાવ મુક્યો. 

જલિયાંવાલા બાગના પ્રસંગ પછી કોંગ્રેસનું અધીવેશન મળ્યું ત્યારે લોકમાન્ય તિલકજીએ કોંગ્રેસનું બંધારણ ઘડવાની વાત મુકીને આગ્રહ રાખ્યો કે આ બંધારણ ગાંધીજી જ ઘડે !! 

૧૯૨૦માં કલકત્તામાં આને માટે ખાસ સંમેલન મળ્યું જેમાં એ બંધારણ પાસ થયું. પણ મજાની વાત એ છે કે જુના બંધારણમાં “બંધારણના માર્ગે સાંસ્થાનિક દરજ્જો” અપાવવાનો ઉદ્દ્શ હતો તેને બદલે ગાંધીજીએ તૈયાર કરાવેલા બંધારણમાં “સ્વરાજ મેળવવાનો” ઉદ્દેશ મુકાવ્યો હતો ! 

એ સીવાય પણ, જોવા જઈએ તો – 

કોંગ્રેસ કે જે વરસે એક જ વાર નાતાલમાં મળતી અને ઠરાવો કરીને પુરી થતી હતી તેને બદલે આખું વરસ કામ કરતી થાય તેવા અનેક કાર્યક્રમો ગાંધીજીએ તેમાં મુકાવ્યા ! ઉપરાંત કોંગ્રેસને લોકાભીમુખ બનાવીને લોકો સાથે જોડાયેલી બનાવી. જીલ્લા કક્ષાએ ને નગર કક્ષાએ તેની શાખાઓ કરી ! ત્રણેક મુખ્ય કાર્યો હાથ પર લીધાં. જોકે સૌથી પહેલો કાર્યક્રમ જ ૧૯૨૦ના ઓગસ્ટની પહેલી તારીખથી અસહકારની ચળવળથી શરુ કરવાનો હતો પણ આગલા દીવસે તિલકજીનું અવસાન થતાં કેટલાક ફેરફારો થયા જેમાં – 

૧) એક કરોડ રુપીયાનું તિલક–સ્મારક ફંડ ઉભું કરવાનું,

૨) વીસ લાખ રેંટીયા ચાલુ કરવાનું તથા

૩) એક કરોડ નવા સભ્યો – ચાર આનાની ફીથી – નોંધવાનું નક્કી થયેલું.

*****   *****   ***** 

સરદાર ગાંધીજી સાથે જોડાયા તે પહેલાં તેઓ ગુજરાત ક્લબમાં બ્રીજ રમાતા. તેમના બે સાથીદારો મહાદેવભાઈ અને નરહરિભાઈ ગાંધીજીને મળવા અવારનવાર જતા ને સરદાર “ગાંધીસાહેબ”ની ગતીવીધી નીહાળ્યા કરતા ! તેમને થયું કે આ ગાંધીસાહેબ પાસે જે જુવાનીયાઓ જાય છે તે બધા જ સાત્ત્વીક પ્રકૃતીના હોય છે ! આવું કેમ ? બીજી બાબત તેમને લાગી તે રાજકીય માણસોની કથની ને કરણી વચ્ચે મોટી ખાઈ હોય છે જે આ સાહેબમાં નથી ! ત્રીજી બાબત એ હતી કે એ સમયમાં યુવાનો યોગ દ્વારા મુક્તી અને દેશસેવામાં ખપી જવામાં માનતા;  જ્યારે આ માણસમાં બન્ને બાબતોનો સરસ સમન્વય હતો ! પછી “ખેડા સત્યાગ્રહમાં હું એમની સાથે રહીશ” એવું નક્કી કરીને તેઓ ગાંધીજીની સાથે થયા. 

કૃપલાનીજીને જે આકર્ષણ થયેલું તેનું કારણ તેમણે બતાવ્યું છે કે, “સ્વદેશીનું ભાષણ ફૂંકનારા વિદેશી કપડાં પહેરતાં જ્યારે આ તો સ્વદેશી જ પહેરવાનો આગ્રહ રાખે છે !” 

બીજી કેટલીક બાબતો એ જમાનામાં સૌને આકર્ષતી તે ત્રીજા વર્ગના ડબામાં મુસાફરી. ગાંધીજી ભારત આવ્યા ત્યારે તેમનું જે સન્માન થયેલું તે સભાના પ્રમુખ ઝીણાથી લઈને સૌ ગુજરાતીઓ અંગ્રેજીમાં બોલેલા જ્યારે સન્માન થવાનું હતું તેમણે પોતાની વાત ગુજરાતીમાં કહેલી !! 

*****   *****   ***** 

૧૯૨૯માં લાહોરમાં નેહરુના પદે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. તેમાં “મુકમ્મિલ આઝાદી”નો ઠરાવ થયો. સવિનય કાનુનભંગનાં પગલાં લેવાનું નક્કી કરીને એ પગલાં માટે ગાંધીજીને અધીકાર સોંપાયો….ને પહેલું જ કામ બાપુએ વાઈસરૉયને લાંબો પત્ર લખવાનું કરીને રણશીંગું ફુંક્યું !! જુઓ એ પત્રની બાબતો: 

“તમારે આઝાદી આપવી છે એમ તમે કહો છો પણ તમારી દાનત લાગતી નથી. તમે આટલું કરી દો, આમાંથી કાંઈ કરી બતાવો, તો તમારી દાનત પુરવાર થાય.” પછી ઉદાહરણો સાથે અગીયાર માગણીઓ મુકી ! એમાં, દારુનીષેધ, હુંડીયામણનો નીયત દર, મહેસુલમાં ન્યાય, મીઠાના કરની નાબુદી, લશ્કરનું ખર્ચ ઘટાડવું, પગારો ઘટાડવા, સ્વદેશી કાપડને રક્ષણ, વિદેશી પર જકાત, દરીયાઈ વેપારમાં સરળતા, રાજકીય કેદીઓની મુક્તી, ગુપ્તચર ખાતાની નાબુદી કે એના પર અંકુશ અને આત્મરક્ષણ માટે હથીયારના પરવાના આપવા !! (એ સમયની દેશની તાતી જરુરીયાતનો કેવો પડઘો પડે છે આ ૧૧ માગણીઓમાં !!) 

આ આખો લાંબો પત્ર સાવ સરળ ઉદાહરણો સાથે લખેલો. વાઈસરૉયને પત્ર લખ્યો અને એમાં એમનું જ ઉદાહરણ લખીને એમને કેવું માથામાં માર્યુ છે તે જોવા જેવું છે ! 

એ વખતે વાઈસરૉયનો પગાર માસીક રુ. ૨૧૦૦૦ ઉપરાંત ભાડાં–ભથ્થાં. ઈન્ગ્લેન્ડના વડાપ્રધાનનો પગાર એ વખતે મહીને માત્ર ૫,૪૦૦ ! ગાંધીએ લખ્યું : 

“દેશના સરેરાશ માણસની દૈનિક આવક અહીં બે આના, ત્યારે આપની ૭૦૦ રુપીયાથીયે વધારે ! ત્યાંના મુખ્યપ્રધાનને દૈનીક ૧૦૦ !!” પછી લખે છે, “આમ પગારરુપે પાંચ હજારથીયે વધુ હીન્દીઓની કમાણી આપ ઉપાડો છો, જ્યારે ઈન્ગ્લેન્ડનો વડો પ્રધાન માત્ર નેવું અંગ્રેજોની કમાણી ઉપાડે છે !” (આ પત્ર પછી એક અંગ્રેજ યુવાનના દ્વારા હાથોહાથ પહોંચાડેલો !!)

આ આંદોલનના કાર્યક્રમમાં મીઠાની વાત ચોથા ક્રમે હતી, પરંતુ કોઈનેય કલ્પના  આવે તે પહેલાં ગાંધીજીએ મીઠાના સત્યાગ્રહની વાત સૌથી પહેલાં ઉપાડીને – એક અંગ્રેજી કાર્ટુન મુજબ કહીએ તો – બાપુએ સુતેલા સીંહના દુઝતા ઘાવ ઉપર જ મીઠું ભભરાવેલું !! 

પરંતુ એ બધી વાતો માતૃભાષાનાં પાનાં ઉપર એક પછી એક, હવે પછી !

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

(સૌજન્ય : મુ. નારાયણભાઈ દેસાઈની ગાંધીકથાની સરસ નોંધ પ્રાધ્યાપક કનુભાઈ જાનીએ લીધી હતી. તેમાંથી વીગતો લેવાઈ છે.) 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *