દાંડીયાત્રાનું અદભુત આયોજન અને સંચાલન !!  

Posted by

(મીઠાનો સત્યાગ્રહ – ૩)

નોંધ :  ગાંધી આશ્રમમાંના સંગ્રહસ્થાનમાં મુકેલું વીદેશી કલાકારનું એક કાર્ટુન યાદ આવે છે. ઘવાયેલો બ્રીટીશ સીંહ બેઠેલો છે જેના દુઝતા ઘાવ પર ગાંધીજી ચપટી મીઠું ભભરાવતા નજરે ચડે છે…..એક અંગ્રેજી વાક્ય પણ જાણીતું થયેલું : A PINCH OF SALT ROCKS AN EMPIRE.

આ આંદોલનમાં ગાંધીજીની દુરંદેશીતા, વ્યવસ્થીત અને સંપુર્ણ આયોજન ઉપરાંત દરેકે દરેક બાબતોની ઝીણવટભરી કાળજીનાં દર્શન થાય છે. આજનો આ અંક મુ. શ્રી ના.દે.ની ગાંધીકથાની પ્રાધ્યા. શ્રી કનુભાઈ જાનીએ લીધેલી ને ‘કોડિયું’માં પ્રગટ થયેલી નોંધને આધારે તૈયાર થયો છે. આશા છે કે આજથી બરાબર સત્યાશી વરસ પહેલાં આરંભાયેલી આ યાત્રા મારાં વાચકોને ગમશે જ. – જુ.

–––––––––––––––––––––––––––––––––––––––––––

ગુજરાત વિદ્યાપીઠથી એક અરુણ ટુકડી, ગુલામરસુલ કુરેશીની આગેવાનીમાં, કૂચ જ્યાં પહોંચવાની હોય ત્યાં અગાઉથી પહોંચી જાય. ત્યાં ઉતારા વગેરેની વ્યવસ્થા કરે, અને ગામ અંગેની માહિતી પણ એકઠી કરી રાખે. વસ્તી કેટલી, સ્ત્રી–પુરુષ–બાળકોની સંખ્યા, શાળા કેવી, અસ્પૃશ્યો કેટલા, રેંટિયા–ખાદી, મીઠાની સરેરાશ વપરાશ, મહેસૂલ, ગાય–ભેંસ વગેરે ઢોર, દારૂપીઠાં, ગામના મુખ્ય પ્રશ્નો વગેરે નોંધી રાખે. મીઠું કેટલું વાપરે છે, ને તેનો ટેક્સ કેટલો ભરે છે તેનો હિસાબ ગણી રાખે, જેથી યાત્રીઓ આવે કે તરત તેમને એ ગામની ઘણી જાણકારી મળી જાય, ખાસ તો ગાંધીજીને.

ખેડા, જે મહારાજનો મુલક તેમાં પહોંચ્યા. કનકાપુર પાસે દવાણ ગામે એક વૃદ્ધા ૧૦૫ વરસનાં ! એમણે ગાંધીજીને પોંખ્યા. ચાંલ્લો કરીને કહે, “તમે તો મહાતમા !” ગાંધીજી કહે, “મને તો મહાતમા શબ્દની બૂ આવે છે. પણ આપ આશીર્વાદ આલો.” એટલે બોલ્યાં, “સવરાજ લૈને વે’લા આવજો.” ગાંધીજી કહે, “એ લીધા વિના હું પાછો નહીં આવું.” પછી ભટ ગામની સભામાં એમણે, એમને નામે જે જાણીતું થયું છે તે ઉચ્ચારણ કર્યું :

“સ્વરાજ વિના આશ્રમનું દર્શન હું કરવાનો નથી. કાગડા–કૂતરાને મોતે મરીશ પણ પાછો નહીં ફરું.”

એ પછી ગાંધીજી અમદાવાદ આવેલા પણ આશ્રમમાં પગ નહોતો મૂક્યો. એમની કલ્પનાનું સ્વરાજ નહોતું મળ્યું માટે.

એક બીજી વાત. કૂચ નીકળી ત્યારે સાબરમતી આશ્રમમાં શીતળાના વા ચાલે. ચાર બાળકો એમાં સપડાયેલાં. પ્રાર્થના ચાલુ હતી ત્યારે જ, ખરેજી પ્રાર્થના કરાવતા હતા ત્યારે જ, એમના ઘરેથી સમાચાર આવ્યા : “વસંત (એમનો પુત્ર જેને ભારે શીતળા નીકળેલા) ગુજરી ગયો.” ખરેજી કહે, હું પ્રાર્થના પૂરી થયે આવીશ. ગાંધીજીએ કહેલું, “તમારું નામ યાદીમાં છે. પણ હવે તમે ન આવો. રોકાઈ જાવ.” ખરેજી ઘૅર ગયા. તો એમનાં પત્ની કહે, “આખો આશ્રમ મારું કુટુંબ છે. હું એકલી નથી. તમે જાવ !”

પાંચમી એપ્રિલે ગાંધીજી પહોંચ્યા દાંડીએ. સરોજિની પણ હતાં. દાંડીમાં એક મુસ્લિમ, શેઠ સિરાજુદ્દિન વસીને ત્યાં ઉતારો રાખેલો. આગલી રાતથી દાંડીમાં માણસો આવેલા. છઠ્ઠીએ તો માનવમહેરામણ ઊભરાય. દેશવિદેશના ખબરપત્રીઓ, ફોટોગ્રાફરો વગેરે પણ હતા. બાપુએ સમુદ્રસ્નાન કર્યું. વૈષ્ણવજનવાળી પ્રાર્થના થઈ અને બરાબર સાડા છએ વાંકા વળીને જેવી મુઠ્ઠી ભરી કે સરોજિની સહિત સૌનો પુકાર ઊઠ્યો :

“નમક કા કાનૂન તોડ દિયા !”

ને પછી વન્દે માતરમ્ નારા ઊઠ્યા. કોઈએ ગાંધીજીને ન પકડ્યા. હવે ? મીઠું તો ગમે ત્યાં પકવી શકાય. દરિયાકાંઠે, કે ગામડે કે શહેરમાં. અરે, દરિયાનું પાણી લાવીને ઉકાળીને બનાવાય. ઘરમાં પાણીમાં મીઠું નાખીને ઉકાળીનેય બનાવાય. વહાણમાંય પકવાય ને ભૂમિ ઉપર પાણી પાથરીને પકવાય. કાગળમાંય પકવાય. એવો કાર્યક્રમ સૌ માટેનો જાહેર કર્યો. સાથે સાથે એમણે સરકારને પત્રથી જણાવ્યું, હવે હું તમારા મીઠાના અગર પર હલ્લો લઈ જઈશ – ધારાસણા.

ગાંધીજીએ મીઠું ઉપાડ્યા પછી તો દેશમાં ઠેરઠેર આ કાયદો તૂટવા લાગ્યો. મુઠ્ઠી ખોલાવવા માટે મારપીટ થતી છતાં લોકો ન છોડતા. હજારોને જેલ મળી. આખા દેશમાં આ ચળવળ ફેલાઈ. ધારાસણા પર હલ્લાની વાત સાંભળીને સરકાર મૂંઝાણી. ગાંધીજીએ પોતે ધારાસણા જતાં  પકડાય તો આ હલ્લો ચાલુ રાખવાની જવાબદારી અબ્બાસસાહેબને સોંપી. એમનું નામ જાહેર કર્યું.

(હવે ટુંકમાં,મારા શબ્દોમાં…….“ચોથીપાંચમી મેની વચલી રાતે એકસઠ વરસના ગાંધીને પકડવા બે મોટી બસો ભરીને સૈનીકો આવેલા ! ખુબ જ તોછડું એવું વર્તન કર્યું. કરાડી ગામથી પકડીને નવસારી લઈ ગયા. પેશાવરથી મુંબઈ જતા ફ્રન્ટીયર મેલને એક ફાટક પાસે રોકીને એમાં ચડાવ્યા. મુંબઈ સેન્ટ્રલે ન ઉતારતાં બોરીવલી ઉતારીને ત્યાંથી યરવડા પહોંચાડ્યા…..દેશમાં જાણ થતાંની સાથે ઠેરઠેર હડતાલો પડી.સભા–સરઘસો ચારેકોર….મુંબઈનું સરઘસ બે લાખ લોકોનું હતું !!અમેરીકન છાપાંઓમાં અહેવાલો આવ્યા. દેશ આખામાં અહીંસક બળવો ફાટી નીકળ્યા જેવું વાતાવરણ થઈ ગયું…..નક્કી થયા મુજબ વડોદરાના નીવૃત્ત ન્યાયમુર્તી અબ્બાસસાહેબે નેતૃત્વ લઈને સરકારને જાણ કરી…..૭૬ વરસના એ જૈફવયીએ હલ્લો ચાલુ રાખ્યો……

હવે પછીની વાત બહુ જાણીતી છે. ધારાસણાના સત્યાગ્રહમાં પોલીસે કરેલા દમનનું ચીત્રાંકન ગાંધી ફીલ્મમાં થયું છે. પણ તે કદાચ પુરતું ન ગણાય તેવો અમાનુષી અત્યાચાર થયેલો હતો !!……પણ એની વાત હવે પછી……– જુ.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *