નમક સત્યાગ્રહની કેટલીક પ્રેરક વાતો (ભાગ – ૨)

Posted by

(‘કોડિયું’ ફેબ્રુ.ના અંકમાં પ્રગટ થયેલી – પ્રા. કનુભાઈ જાની દ્વારા લેવાયેલી ગાંધીકથાની નોંધને જેમની તેમ મુકવાનો લોભ રોકી શકાય તેમ નથી ! આદરણીય નારાયણભાઈ દેસાઈને યાદ કરીને, કોડિયુંના સૌજન્યે તે રજુ કરું છું. – જુ.)

ગતાંકથી આગળ :

“સરદારને સ્થળ પસંદ કરવા મોકલ્યા. બધે ફર્યા. કોઈના આગ્રહબે વશ ના થયા. બીજી અનેક દૃષ્ટિની સાથે વ્યહૂરચનાની દૃષ્ટિએ સુરતના જલાલપોર તાલુકાના દાંડી ગામની પસંદગી કરી. આખા ગુજરાતમાં એ છેવાડાનું ગામ. ત્યાં જવા માટે બધા મુખ્ય તાલુકામાંથી પસાર થવું પડે. વળી કાઠિયાવાડના રજવાડાંના કે ગાયકવાડી મુલકોને શક્ય તેટલા પ્રમાણમાં ટાળી શકાય.

રૂટ પણ સરદારે નક્કી કરવાનો હતો. ખેડાવાળા કહે, અહીંથી જ મીઠું પકવો ને ! સરદાર કહે, દરિયો લાવો ને ! સરદારે માત્ર રૂટ જ પસંદ કરવાનો ન હતો. ત્યાં ત્યાગ બલિદાન માટેનું એક વાતાવરણ ખડું કરી દીધું હતું. એમણે સવિનયભંગના સૂર્યોદય પહેલાંના અરુણોદયનું કામ કર્યું હતું. એ રૂટ પર સરદારે વધુમાં વધુ લોકસંપર્ક કર્યો. ભાષણો આપે, લોકજાગૃતિ લાવે. રાસ, ને દાંડી, ને બધે ફર્યા. સૌ એમને સત્કારે. જમાડે. સૌને કહે, અહીં ગાંધીજી આવશે. દાંડીમાં તો દાંડિયારાસ લેવાયા !

આખે દાંડીમાર્ગે સવિનય ભંગની સમજ આપવા સાથે નિર્ભયતાનું વાતાવરણ ઊભું કર્યું. સરકાર મૂંઝાઈ. સરદારનું કનકાપુરમાં ભાષણ ગોઠવાયેલું. તે પહેલાં જ સરકારે એ વિસ્તારમાં એક માસ સુધી ભાષણો કરવા પર પ્રતિબંધ લાદ્યો. પાસે જ રાસ ગામ. ત્યાં સરદાર ભોજન લેવા રોકાયા. લોકટોળું એકઠું થઈ ગયું. કલેક્ટર હાજર હતા. લોકોએ બોલવાનો આગ્રહ કર્યો. કલેક્ટર કહે, બોલશો તો તમને પકડવા પડશે. સરદાર કહે, તો તો હું બોલીશ જ. ને બોલ્યા કે ધરપકડ. ત્રણ માસની સજા. આ વાત બધે ફેલાઈ ગઈ. ગાંધીજી કહે, સરદારનો શો ગુનો હતો તે હું સમજી નથી શક્યો. પણ એમના જેવાને જેલની આટલીક જ સજા ! સાત વર્ષની આપવી’તી ને !

નવજીવનના બે પત્રકારો, મહાદેવભાઈ અને સ્વામી આનંદ સરદારને જેલમાં મળવા ગયા.  મેં તો (ના.દે.) સરદારનો ખોળો ખૂંદ્યો છે. એ લાગે લોખંડી પણ એમનું હૃદય તો નવનીત જેવું. પેલા પત્રકારોએ પૂછ્યું, “તમને અહીં ખાવાપીવાનું સરખું મળે છે ને ?” કે તરત સરદાર તાડૂક્યા, “ખાવાપીવાનું પૂછો છો ? ત્રણ મહિના તો હવા ખાઈને કાઢીશ !” આ ખમીર હતું સરદારનું.

કૂચનો કાર્યક્રમ નક્કી થયો. દિવસ નક્કી થયા. ૭૯ જણા કૂચ માટે પસંદ કરાયા. પ્રયાણ બારમી માર્ચે (૧૯૩૦) પ્રભાતે નક્કી. અગિયારમી ને બારમી વચ્ચેની એ રાત. મીરાંબહેન (મિસ સ્લેડ, ૧૯૨૫થી ગાંધીજી સાથે, ત્યાગમૂર્તિ, બ્રિટિશ નૌકાઅધિકારીની વિદૂષી પુત્રી સંગીતજ્ઞ, મિસ મેડલીન સ્લેડ). એમણે પોતાની આત્મકથા લખી છે. એ દિવસ (રાત)નું વર્ણન છે. અમદાવાદ ઉપરાંત અનેક ગામોમાંથી હજારો માણસો આવ્યા હતા. ગાંધીજીને રાતમાં ગમે ત્યારે પકડશે એવી બીક હતી. બધાં આખી રાત જાગ્યાં. રાત આખી આશ્રમમંડળ પણ જાગતું હતું. માત્ર એક જ માણસ ઊંઘતો હતો – મોહનદાસ કરમચંદ ગાંધી ! બરાબર ચાર વાગ્યે ઊઠ્યા – પ્રાત:કર્મો ને પ્રાર્થના થયાં. એક વિશાળ આંબલીનું ઝાડ હતું. એની નીચેથી કૂચ છ વાગ્યે નીકળવાની હતી.

પૂછ્યું, કેટલા વાગ્યા ? જવાબ : પાંચ ને ત્રીસ. ગાંધી : છ વાગ્યે નીકળવાનું છે ને ?હું ઓગણત્રીસ મિનિટ સૂઈ જાઉં ?

નેહરુ પણ ત્યાં જ હતા. સત્યાગ્રહીઓનો ગણવેશ “ખાદી એ જ યુનિફોર્મ.” એ નક્કી હતું. નેહરુ કૂચથી રોમાંચિત હતા. એ તો ખાદીના બિલ્લા બનાવી લાવ્યા હતા. બધાને આપી દીધા પછી એક બિલ્લો ઊંઘતા ગાંધીજીને ખ્યાલ ન આવે તેમ એમની ચાદરે પણ લગાડી દીધો. નીકળવાને બરાબર એક મિનિટ હતી ત્યાં ગાંધીજી જાગી ગયા. કમ્બલ સાથે છેડછાડ થયેલી જોઈ. અંદરની ઘડી ઉલટાવી નાખી જેથી ‘બેજ’ ના દેખાય…..

અમારામાંથી જે મોટા હતા તેવા છોકરોનાં મનમાં રંજ હતો કે પોતે અઢાર વર્ષના નથી તેથી પસંદ ના થયા. અમેય કૂચ તો સાથે સાથે કરી’તી. અમે ઉત્તર દિશામાં હાથમાં ઝંડા લઈને ગયેલા. ત્યારે પસંદગીની બાબતમાં જેમ છોકરાઓને રંજ હતો તેમ. તેનાથીયે વધારે રંજ તો થયો’તો બહેનોને. તેઓને ન લીધી તેની ગંભીર ચર્ચા થઈ. એક પણ બહેન ૭૯માં નહિ ! એ તે કેવું ? બહેનો બાપુને મળવા ગઈ. “બાપુ, અમારામાંથી કોઈ બહેન આપને યોગ્ય ન લાગી ?” ગાંધીજી કહે, હું જાણતો’તો કે તમે આવો પ્રશ્ન પૂછશો. અંગ્રેજો સ્ત્રીદાક્ષિણ્યમાં માને છે. એ કૂચમાં આગળ સ્ત્રીઓને જુએ એટલે કહેશે કે ગાંધીએ બહેનોને આગળ રાખી ! પણ તમારું નામ અનામતમાં રાખ્યું છે. અહિંસામાં બહેનો વધુ શ્રદ્ધેય છે.વધારે અઘરાં કામો હશે ત્યારે બોલાવીશ.

બરાબર છ ને દસ મિનિટે હૃદયકુંજમાંથી ગાંધીજી નીકળ્યા. સાથે ભાવનગરના દીવાન પ્રભાશંકર પટ્ટણી, મહાદેવભાઈ દેસાઈ અને પ્યારેલાલ હતા. ત્યારે અમદાવાદની વસ્તી ચાર–પાંચ લાખની. એમાંથી ઓછામાં ઓછા ચોધા ભાગના – એક લાખ જેટલા એમને વળાવનારા હતા ! આ સરકારી આંકડા છે. એમાં આસપાસનાં ગામોનાં પણ હતાં. *****

ત્રીજો ને આ દાંડીકૂચનો છેલ્લો અંક બરાબર બારમી તારીખે !!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *