રેંટીયો : ‘દીન તણો રે દાતાર !!’ ગાંધીગાથા – (૨)

Posted by

ઓરિસ્સાના બોલગઢમાં ગાંધીજી એન્ડ્રુઝ સાથે બેઠા હતા એવામાં એક દરીદ્ર આવેલો. પીઠથી સાવ વળી ગયેલો. મેલી લંગોટી જેવી પોતડી ને ડરતો ડરતો આવ્યો. મોંમાં એક તરણું લઈ, સાષ્ટાંગ દંડવત કરી, તરણું પાછું માથે ખોસી જતો’તો. ગાંધીજી શરમાયા. જાણ્યું કે તે અંત્યજ હતો. છ માઈલ ચાલીને આવેલો ! આવા દેહે આટલું બધું ચાલીને મારી ઝુંપડીએ આવ્યો ! આ માત્ર દર્શન નથી. આનો ને મારો કશોક સંબંધ છે, એવો અહેસાસ ગાંધીને થયો.

પુછ્યું, કેમ આવ્યા છો ? જવાબ : દર્શને. ગાંધીજી : દર્શને ? તો કંઈક દક્ષીણા આપશો ને ?

એણે પોતડીમાં વીંટેલો એક પૈસો કાઢ્યો.

ગાંધીજી કહે, મારે પૈસો નથી જોઈતો. બીજું કંઈક સારું જોઈએ છે……

કહે, શું ? તો ગાંધીજીએ માગ્યું વચન. “હવેથી હું કદી મુડદાલ માંસ ખાઈશ નહીં.”

પેલો કહે, મારે નાતને પુછવું પડશે. ગાંધીજીએ કહ્યું પુછીને આવજે….બીજે દીવસે આવીને કહે, “હું એમ કરીશ !!” (યાદ આવે છે ? ગીતાજીનું પેલું અર્જુન કહ્યું વચન ? “करिष्ये वचनं तव !” ? –જુ.)

ગાંધીજીએ નાનામાં નાના માણસને ત્યાગની પ્રેરણા આપી છે જેમાં ખર્ચ કરવો ન પડે ને છતાં ખરાબ ટેવો નીકળતી જાય !

ત્રાવણકોરના મંદીર સત્યાગ્રહની સફળતા પછી ગાંધીજીની યાત્રા ગરીબ પ્રદેશોમાં થવા લાગેલી. આ જ ઓરિસ્સામાં કસ્તુરબા પણ સાથે હતાં. બાપુ કાગળો લખાવતા હોય કે મુલાકાતો દરમ્યાન કસ્તુરબા ઝુંપડીઓમાં સૌને મળવા  નીકળે.

એક ઝુંપડીમાં ત્રણ બહેનો રહે. એમને પુછ્યું : જાણો છો, ગામમાં કોઈ મહેમાન આવ્યા છે ? બહેનો કહે, હા. એ મહાત્મા છે. પ્રાર્થના કરે છે, ઉપદેશ આપે છે.

બાએ પુછ્યું : તો તમે આવશો ? બહેનો ચુપ ! વારંવાર પુછવા છતાં ત્રણેયની ચુપકીદી. કહે, કેમ બોલતાં નથી, તો કહે, “કહેવાય એવું નથી !” મને કહેવામાંય તમને વાંધો છે ? બોલો તો ખરાં.

ત્યારે માંડ શબ્દો નીકળ્યા : અમારા ત્રણેય વચ્ચે એક જ સાડલો છે !!

કસ્તુરબાને બહુ જ લાગી આવ્યું. બાપુને કહે, આજે તો આવું જોયું. બાપુના મનમાં કશુંક ઠસી ગયું. કંઈ બોલ્યા નહીં.

પછી ત્યાંથી આંધ્ર થઈને તામીલનાડુ ગયેલા. મદ્રાસના બીચ પર જંગી સભામાં ગાંધીજી ક્યારેય નહીં ને આજે વારંવાર ભાષણ કરતાં અટકતા હતા. બે દીવસ પછી મદુરાઈ ગયા. આ દીવસ એટલે ૨૨મી સપ્ટેમ્બર ૧૯૨૧. તે દીવસની સભામાં સૌએ જોયું કે બાપુનો પહેરવેશ સાવ બદલાઈ ગયો છે !

ખેસ નહીં, પાઘડી નહીં, માત્ર ટુંકી પોતડી ! સીવેલું કપડું જ નહીં. લખે છે, “સાદું જીવન જોઈએ એમ ઉપદેશ આપવાનો મને શો અધિકાર ?”

ને એમાંથી જ વીચાર સ્ફુરે છે કે લોકોને કંઈક કપડાં મળે તેવું કરવું પડે.

ગરીબોને દાન આપવાથી કાંઈ ન વળે. દાન દેનારને અભીમાન ન થાય અને લેનારને સંકોચ ન થાય તેમ કરવું રહ્યું. રેંટીયો યાદ આવ્યો. ‘હિન્દસ્વરાજ’માં રેંટીયાનો ઉલ્લેખ છે પણ ત્યારે તે શોધાયો નહોતો. પણ આ ગરીબી જોઈએ એમણે ૧૯૨૭માં રેંટીયાની શોધ માટે એક લાખ રુપીયાનું ઈનામ જાહેર કર્યું.

શરત એ હતી કે તે સહેલાઈથી ને સસ્તામાં મળી શકે, ખેતરે પણ લઈ જઈ શકાતો હોય, સહેલાઈથી રીપેર થઈ શકે ને હજારેક તાર કાંતી શકાય તેવો હોય…..

આ જ રેંટીયાને પછી તેમણે રાષ્ટ્રીય આંદોલન સાથે જોડ્યો ને ખાદી આઝાદી માટેનો ગણવેશ બની ગઈ. રેંટીયા વીશે ગીતો જોડાયાં ને ગામેગામ ગવાયાં :

“રેંટિયે લેજો બાપુજીનું નામ, રેંટિયો દીન તણો રે દાતાર;

ચરખે લેજો ગાંધીજીનું નામ, ચરખો ભુખ્યાંઓનો રે ભંડાર !!”

નારાયણભાઈ દેસાઈ લખે છે, રવિશંકર મહારાજનો રેંટીયો જુનો થયો તો મને તે વારસામાં મળ્યો, એટલે થયું કે હવે તો કાંતતાં એક પણ તાર તુટવો ન જોઈએ !

(મેં સાંભળેલું કે વિનોબાજી કાંતતા ત્યારે વચ્ચે એક વાર પણ તાર ન તુટતો ! – જુ.)

ઈન્ટરનેટ ઉપર આટલું લખ્યાં પછી લખવાનું સહેજે મન થાય છે કે આ જ ચરખો અંબર બનીને હજારોને રોજી આપવા સક્ષમ બનેલો. હજારો લોકો તેના પર કમાણી કરી શક્યાં છે…..પણ આજે વણાટકામ કરનારાં મળતાં નથી તેથી હાથવણાટનો આખો વીભાગ જ ખોડંગાઈ ગયા જેવો થયો છે. કરોડોના ઉદ્યોગો પાછળ મહેનત કરનારી સરકારોને આ હાથવણાટની કલા અને એમાં રહેલી અધધધ કહી શકાય તેવી તકો કોઈને દેખાતી નથી. આજે પણ રેંટીયો અને શાળ કમાણીનું – મસ્તક ઉંચું રાખીને કમાઈ શકાય તેવા હુન્નરનું – સફળ સાધન છે…….

અસ્તુ.

(શ્રી ના.દે.નાં વ્યાખ્યાનોની પ્રા. કનુભાઈએ લીધેલી નોંધમાંથી તારવીને પ્રગટ કરનાર – જુ.)

3 comments

  1. વારંવાર જાણીતા પ્રસંગો વાંચી આનંદ
    ભુલવા આવેલા વચનની યાદ તાજી થાય

    1. જાણીતા તો હોય પણ વારંવાર એને પ્રગટ કરવા જોઈએ નહીં એ વાત સાચી…..ભુલવા આવેલું વચન કયું હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *