स्वागतम् !

 

नवी आशाओ अने अपेक्षाओ साथे –

દસેક વરસ પહેલાં, જ્યારે હજી ગુજરાતી યુની. ફોન્ટ વપરાશમાં નહોતા ત્યારે એક સારા દીવસે આ નેટજગતમાં પગલું માંડવાનું બનેલું. ઈમેઈલથી આરંભીને ધીમેધીમે બ્લૉગકાર્ય સાથે જોડાતો ગયો તેમ તેમ આ નવી દુનીયા અંગે આરંભમાં અચરજ ને પછી એની અકળક ને અઢળક સંભાવનાઓ જાણી.

મારાં લખાણોથી પ્રેરાઈને મીત્રોએ મારે પણ બ્લૉગ ચાલુ કરવો જોઈએ એવી સુચનાઓ આપી તેથી કહો તો તેથી ને મનેય જાણે કે વહેવાનો મારગ મળી ગયાના ઓસાણથી મેંય બ્લૉગ બનાવેલો. નામ રાખેલું, “શાણી વાણીનો શબદ.”

પછી તો માનનીય નારાયણભાઈ દેસાઈના સુચનથી “ગાંધીદર્શન” નામક બ્લૉગ પણ શરુ કરેલો…..જેમ જેમ કામો વધતાં ગયાં તેમ તેમ એક બાજુ બીજા બ્લૉગ પણ વધતા ગયા ને એક તબક્કે છએક બ્લૉગ મારાથી ચલાવાયેલા !! પણ તાકાતથી વધુ કામ થાય નહીં એટલે છેવટે “NET–ગુર્જરી” નામે શરુ કરાયેલા બ્લૉગમાં બધાંનો સમાવેશ કરીને આજ સુધી આ “શબદ જાતરા” ચાલુ રાખી……

હવે, આ દસ વરસના અનુભવો અને અનેકો સાથેના સંપર્કોથી પ્રેરાઈને નેટગુર્જરીને નવા વાઘા પહેરાવીને અરઘાવવાનો વચાર મનમાં રમતો થયેલો એટલે, ને ભાઈ ઈષીત મહેતાનાં આંગળાંની કરામતે કામ સહેલું કરી બતાવ્યું તેથી, આજથી મારું “NET–ગુર્જરી” નવાં રંગ–રુપે, અને એ જ જુના “NET-GURJARI” (स्वान्त: सुखाय – जन सर्व हिताय – निर्झरी) નામથી એક “ઝરણ”રુપે વહેતું થઈ રહ્યું છે !!

“NET-GURJARI” જુના નામે પણ નવા સરનામે અને સાઈટરુપે આરંભાઈ રહ્યું છે તેની સાથે સાથે એના કેટલાક હેતુઓ પણ, સાવ સહજ રીતે, બદલાઈ રહ્યા છે….જુનો બ્લૉગ મારાં પોતાનાં જ લખાણોનો બ્લૉગ હતો. એમાં મારાં મૌલીક લખાણો ઉપરાંત ભાષા–સાહીત્યનો પરીચય કરાવતા લેસનરુપ શ્રેણીબદ્ધ લેખો પણ હતા. ઉંઝાજોડણીમાં જ પ્રગટ થતાં લખાણોને લીધે અન્ય લેખકોનાં લખાણો સ્વાભાવીક રીતે જ એમાં મુકાતાં નહીં.

ને છતાં, નેટજગતમાં એક સંસ્થારુપ પ્રવૃત્તી કરવાના આશયથી “વેબગુર્જરી”ને પણ રમતી મુકેલી. ત્રણેક વરસ પછી એને મળી ગયેલા સક્ષમ કાર્યકરો દ્વારા થયેલા એના અપ્રતીમ વીકાસનો સંતોષ મનમાં ધારણ કરીને હવે એક સ્વતંત્ર કામગીરી કેટલાક વીશેષ હેતુ સાથે ટુંક સમયમાં શરુ થઈ રહી છે.

આપણે જાણીએ છીએ કે કેટલાંક બ્લૉગ–સાઈટો પર પ્રકાશકો અન્ય લેખકોનાં લખાણો માનભેર પ્રગટ કરીને લેખકો–વાચકોને ઉત્તમ પ્રકારનું બળ પુરું પાડે છે. પરંતુ એમાં લખાણોની પસંદગીનું ધોરણ સહેજે સારાં લખાણો માટે રહે. સૌ કોઈ લખનારને લેખક તરીકે પુરતું સ્થાન ન જ મળે તે સહજ છે. પરંતુ લખવાની હોંશ અને એ રીતે વહેવાની તક સૌને મળતી નથી હોતી.

ગુજરાતી ભાષા ભલે મરવાની તો નથી જ પરંતુ મોબાઈલીયા વહેવારોએ અંગ્રેજી સુધ્ધાંને બગાડી મારી છે ત્યારે ગુજરાતીનીય દશા તો બગડતી જ જવાની તે દહેશત તો છે જ. જોકે એક વાત સૌના ધ્યાનમાં આવી હશે કે કેમ તે જાણતો નથી પણ અંગ્રેજીને મોબાઈલોમાં જે રીતે ટુંકાવીને ટુંપો દેવામાં આવી રહ્યો છે તેવું ગુજરાતીમાં કરવાનું સાવ સહેલું નથી !! ગુજરાતીના શબ્દોને અંગ્રેજીના શબ્દોની માફક ટુંકાવીને મચકોડવાનું સાવ સહેલું તો નથી જ ! એનું એક કારણ ગુજરાતીના “ઉચ્ચારો મુજબની લીપી”નું હોઈ શકે છે. આપણે ધારીએ તો પણ ગુજરાતીને મોબાઈલીયા અપલખણવાળી બનાવી નહીં શકીએ તેવી આસાયેશ આજે તો મળે છે…..(આગળ જતાં તો જે થાય તે ખરું)……

“NET-GURJARI” નામક આ સાઈટ પર બે વાતો નવી જોવા મળે તેવી સંભાવના છે. એક તો આ સ્થળે સૌ કોઈ લખનારાને પ્રવેશ આપવાનો મનસુબો છે. અને બીજું કે ફક્ત લખાણો જ નહીં પણ વ્યક્તીસંસ્થાઓપુસ્તકોબ્લૉગો વગેરેના પરીચયોની સાથે સાથે કેટલાક મહત્ત્વના ઈન્ટર્વ્યુ તથા કામગીરીના અહેવાલો વગેરેને પણ આમાં મુકીને એક મંડપ બનાવવાની ખ્વાહીશ છે.

સ્વાભાવીક જ સવાલ ઉભો થાય કે મારા સીવાયના લેખકોનાં લખાણોને શું ઉંઝાજોડણીમાં જ પ્રગટ કરવામાં આવશે ?

તો ઉપરોક્ત હેતુને જોતાં સાવ સાદી વાત છે કે સાદીસીધી વાતો લખનારાંઓને પણ અહીં સ્થાન મળવાનું હોઈ જોડણીનો આગ્રહ સૌ કોઈ માટે નહીં જ રહે. એટલું જ નહીં પણ જે તે લખાણોમાં કાપકુપ કરવાનું પણ અહીં નહીં બને ! “જેમનું તેમ”; “જેવું હતું તેવું જ” અહીં પ્રગટ થશે.

તો બીજો સવાલ એ પણ આવે કે ઉત્તમ પ્રકારનું લખનારાનાં લખાણો સહુની સાથે ભળી જઈને પોતાનું મુલ્ય શું ગુમાવી નહીં બેસે ?!

પણ અહીં તો એવાં ઉત્તમ લખાણો પોતાના પ્રભાવે કરીને બધાં લખનારાંઓને માર્ગર્ષકરુપ બની રહેશે તે કાંઈ નાનોસુનો લાભ છે ?! ફેસબુક જેવા સ્થાન પર નાનાંમોટાં લખાણો અલપઝલપ મુકી દેનારાં લેખકો પાસે ઉત્તમ ભાષાશક્તી હોય છે તેવું જોવા મળ્યું છે. આ અલપઝલપ લખનારાંઓને આ સાઈટ પર આમંત્રીત કરીને અનેકોની શબ્દશક્તી અને મનમાં ભરી પડેલી અનેક વીષયો પરની લગન બહાર લાવી શકાશે !! અને જે લેખકોનાં લખાણો વખણાયાં છે તેઓનાં લખાણો પણ ભેગાં થશે તેથી સહુ કોઈને એમાંથી પ્રેરણા પણ મળશે તે લાભ મોટો છે.

અને જો –

હા, જો આ કામમાં સહેજ પણ સફળતા મળશે તો ગુજરાતીમાં લખવાની ધગશ અને છુપી તાકાત ધરાવનારાંઓ થકી આ માતૃભાષાના પ્રચારપ્રસારની મસ મોટી તક પ્રાપ્ત થઈ શકશે……  

આ તક એ શું નાનીસુની બાબત ગણાય ?!

આ સવાલ સાથે હું મારા દસ વરસના અનુભવે આપ સૌ સમક્ષ આજે આ એક નવું સાહસ મુકી રહ્યો છું.

“NET-GURJARI”ને મળનારા નવા નવા લેખકો અને જુનાનવા વાચકોનો સહકાર એ મારી આશાઓ અને અપેક્ષાઓનો પ્રતીસાદ હશે !

सुज्ञेषु किं बहुना ?!!

જુગલકીશોર